પહેલાં ગોટાળાની ચર્ચા થતી હતી, હવે વિકાસનાં કાર્યોની ગુંજ સંભળાય છે

21 October, 2024 06:46 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

નરેન્દ્ર મોદીએ વારાણસીને આપી ૬૭૦૦ કરોડ રૂપિયાનાં વિકાસકાર્યોની દિવાળી ગિફ્ટ : વડા પ્રધાને રામ મંદિરનું ઉદાહરણ આપીને કહ્યું કે અમે જે કરીએ છીએ એ ડંકે કી ચોટ પર કહીએ છીએ

નરેન્દ્ર મોદી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે તેમના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં આંખની હૉસ્પિટલ અને સ્પોર્ટ્‍સ કૉમ્પ્લેક્સ સહિતની ૬૭૦૦ કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવેલી ૨૩ વિકાસ પરિયોજનાઓના લોકાર્પણ બાદ સિગરાના સ્પોર્ટ્‍સ કૉમ્પ્લેક્સમાં આયોજિત સભાને સંબોધન કર્યું હતું અને અગાઉની સરકારની નિષ્ફળતાઓ પર પ્રહાર કર્યો હતો. તેમણે રામમંદિરનું ઉદાહરણ આપીને કહ્યું હતું કે ‘ભારતીય જનતા પાર્ટી (BJP) જે કહે છે એ કરી બતાવે છે. અમે જે કરીએ છીએ એ ડંકે કી ચોટ પર કહીએ છીએ. અમે અયોધ્યામાં ભવ્ય રામમંદિર બનાવ્યું છે.’

વારાણસીમાં ગઈ કાલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને સંબોધતાં જણાવ્યું હતું કે ‘૧૦ વર્ષ પહેલાં સુધી અખબારોમાં સરકારના ગોટાળાની ચર્ચા થતી હતી, પણ હવે દેશમાં વિકાસકાર્યોની ગુંજ સંભળાય છે. અમારી સરકારે ત્રીજા ટર્મના પહેલા સવાસો દિવસમાં ૧૫ લાખ કરોડ રૂપિયાનાં કામકાજ શરૂ કરાવ્યાં છે. આજે દેશમાં એની ચર્ચા છે. આ ખરો બદલાવ છે, જનતાના પૈસા જનતા પર ખર્ચાઈ રહ્યા છે, દેશના વિકાસ પર ખર્ચાઈ રહ્યા છે, પૂરી ઈમાનદારીથી રૂપિયા ખર્ચાઈ રહ્યા છે. સરકારની આ પ્રાથમિકતા છે. મોટા ભાગનાં નાણાં ગરીબ, યુવાનો અને ખેડૂતો માટે વાપરવામાં આવી રહ્યાં છે.’

નરેન્દ્ર મોદીએ બીજું શું કહ્યું?

વિકાસ અને વિરાસતનું રોલ મૉડલ બનશે કાશી

વારાણસી માટે શિક્ષણ, કૌશલ્ય વિકાસ, ખેલ, સ્વાસ્થ્ય અને પર્યટન સંબંધી પરિયોજનાઓનું લોકાર્પણ થયું છે. મારા ત્રીજા કાર્યકાળમાં ત્રણ ગણી ઝડપથી કામ થઈ રહ્યું છે. સંસદસભ્ય તરીકે કાશીનો વિકાસ જોઈને મને સંતોષ થાય છે. અમે કાશીના વિકાસ માટે ખૂબ મહેનત કરી છે. અહીં વિકાસ થયો છે અને વિરાસત પણ ટકી છે. એને મૉડર્ન સિટી બનાવવાનું સપનું છે. આ એક રોલ મૉડલ બનશે. કાશી આવનારા લોકોની સંખ્યા વધી છે, જેનાથી અહીંના લોકોને રોજગાર મળ્યો છે. આજે કાશીની ઓળખ બાબા વિશ્વનાથ ધામથી થાય છે, રુદ્રાક્ષ કન્વેન્શન સેન્ટરથી થાય છે, અહીં રોપવે બની રહ્યો છે.

બે મોટાં લક્ષ્ય

છેલ્લાં ૧૦ વર્ષમાં અમે દેશમાં માળખાકીય સુવિધાના નિર્માણના અભિયાનની શરૂઆત કરી છે. એનાં બે લક્ષ્ય છે; એક, નાગરિકોની સુવિધામાં વધારો કરવો અને બીજું, રોકાણથી યુવાનોને રોજગાર આપવો. દેશમાં આજે નવા હાઇવે બંધાઈ રહ્યા છે. નવા માર્ગો પર રેલવેલાઇન બિછાવવામાં આવી રહી છે. નવાં ઍરપોર્ટ બની રહ્યાં છે જે યુવાનોને રોજગાર આપશે. માત્ર ઈંટ, સિમેન્ટ અને લોખંડનું કામ નથી થઈ રહ્યું. એનાથી લોકોની સુવિધા વધી રહી છે.

નવાં ઍરપોર્ટ

ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં નવાં ઍરપોર્ટનો આરંભ થયો છે. એમાં બાબતપુર ઍરપોર્ટ અને સહારનપુરના સરસાવા ઍરપોર્ટનો સમાવેશ છે. વારાણસીના લાલ બહાદુર શાસ્ત્રી ઇન્ટરનૅશનલ ઍરપોર્ટના રનવેની લંબાઈ વધારવાનું અને નવા ટર્મિનલનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે.

આંખની હૉસ્પિટલનું ઉદ્ઘાટન

કાશી માટે મોટો દિવસ છે. કાંચીમઠના શંકરાચાર્ય સ્વામી વિજયેન્દ્ર સરસ્વતીની ઉપસ્થિતિમાં કાંચીમઠ દ્વારા સંચાલિત ૯૦ કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલી આર. જે. શંકરા આંખની હૉસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું છે. એ બાળકો અને સિનિયર સિટિઝનોની આંખની સારવારમાં ઉપયોગી સાબિત થશે.

મહિલાઓને સન્માન

અમે મહિલાઓને સન્માન અપાવ્યું છે. વિધાનસભા અને લોકસભામાં ૩૩ ટકા આરક્ષણનો કાયદો અમે મંજૂર કરાવ્યો છે. ત્રણ તલાકથી પરેશાન મુસ્લિમ મહિલાઓને અમે સન્માન અપાવ્યું છે. ત્રણ તલાકના નામે ન જાણે કેટલાં વર્ષોથી તે પરેશાન હતી. અમે આવી મહિલાઓને માથું ઊંચું રાખીને ચાલવાની હિંમત આપી છે.

પાલી ભાષાનો વિકાસ

થોડા સમય પહેલાં અમે કેટલીક ભાષાઓને શાસ્ત્રીય ભાષાના રૂપમાં માન્યતા આપી છે. એમાં પાલી અને પ્રાકૃત ભાષાનો સમાવેશ છે. પાલી ભાષાનો સારનાથ સાથે વિશેષ સંબંધ છે. પ્રાકૃત ભાષાનો પણ વિશેષ સંબંધ છે. આ ભાષાઓને શાસ્ત્રીય ભાષામાં ગૌરવ પ્રાપ્ત થવું આપણા માટે ગૌરવની વાત છે.

એક લાખ યુવાનો

રાજકારણ સાથે દૂર-દૂરનોય સંબંધ ન હોય એવા એક લાખ યુવાનોને રાજકારણમાં લાવવાની મારી નેમ છે. તેઓ આગળ આવે અને રાજનીતિનો હિસ્સો બને તથા વિકાસને આગળ વધારે.

વિકાસમાં અવરોધરૂપ છે પરિવારવાદવાળી પાર્ટીઓ

સમાજવાદી અને કૉન્ગ્રેસ સહિતની પરિવારવાદી પાર્ટીઓ પર પ્રહાર કરતાં વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે ‘આવી પાર્ટીઓ દેશના વિકાસમાં અવરોધરૂપ છે. તેમણે દેશને પ્રગતિ કરતાં રોક્યો છે અને આજે પણ તેઓ વિકાસકાર્યોમાં અવરોધ ઊભા કરે છે.

NDA એટલે નરેન્દ્ર દામોદરદાસ કા અનુશાસનઃ શંકરાચાર્ય શંકર વિજયેન્દ્ર સરસ્વતી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસીમાં કાંચી કામકોટિ પીઠ દ્વારા સંચાલિત આર. જે. શંકરા આઇ હૉસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું એ પછી સંબોધનમાં કાંચી કામકોટિ પીઠના શંકરાચાર્ય શંકર વિજયેન્દ્ર સરસ્વતીએ કહ્યું હતું કે ‘ભગવાને નરેન્દ્ર દામોદરદાસ મોદીને આશીર્વાદ આપ્યા છે અને તેમની નૅશનલ ડેમોક્રેટિક અલાયન્સ (NDA) સરકારનો અર્થ છે નરેન્દ્ર દામોદરદાસ કા અનુશાસન. નરેન્દ્ર મોદીને સામાન્ય લોકોને પડતી મુશ્કેલીઓની જાણ છે એટલે તેઓ એવી મુશ્કેલીઓને દૂર કરવાનાં કામ કરી રહ્યા છે. NDA સરકાર વિશ્વભરમાં સારી સરકાર કોને કહી શકાય એનું રોલ-મૉડલ છે અને બીજા દેશોની સરકારો એને અનુસરી શકે છે. ભારત દુનિયાને શાંતિના પથ પર લઈ જઈ શકે છે અને ભારતની સમૃદ્ધિ વિશ્વને પણ ઉપયોગી થઈ શકે છે.’

national news india narendra modi varanasi religious places ayodhya political news bharatiya janata party