19 December, 2025 07:03 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રોડ ટ્રાન્સપોર્ટ ઍન્ડ હાઇવેઝ મિનિસ્ટર નીતિન ગડકરી
રોડ ટ્રાન્સપોર્ટ ઍન્ડ હાઇવેઝ મિનિસ્ટર નીતિન ગડકરીએ બુધવારે રાજ્યસભામાં કહ્યું હતું કે ‘હવે ભારતમાં સૅટેલાઇટ આધારિત ટોલ કલેક્શન સિસ્ટમની તૈયારી થઈ ચૂકી છે. એને કારણે ટોલપ્લાઝા પર હવે લાંબી કતારોમાં રાહ નહીં જોવી પડે. આ નવી ટેક્નિકથી ટોલપ્લાઝા પર પણ કાર ૮૦ કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડથી પસાર થઈ જઈ શકશે. કારે ટોલનાકા પર રોકાવું પણ નહીં પડે અને કોઈએ એને મૉનિટર પણ નહીં કરવું પડે. નવી ટેક્નૉલૉજી સૅટેલાઇટ અને આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ પર આધારિત હશે.’
રાજ્યસભાના સવાલ-જવાબના સેશન દરમ્યાન નીતિન ગડકરીએ કહ્યું હતું કે ‘રોડ ટ્રાન્સપોર્ટની આવક લગભગ ૫૦૦૦ કરોડ રૂપિયા વધી છે. ફાસ્ટૅગની જગ્યાએ મલ્ટિ-લેન ફ્રી ફ્લો (MLFF) આવ્યા પછી કારોની સ્પીડ વધી જશે અને ટોલ-ફી વસૂલ કરવાનું પણ સરળ થઈ જશે. આ સુવિધાથી ૧૫૦૦ કરોડ રૂપિયાનું ફ્યુઅલ બચશે અને સરકારને રેવન્યુમાં ૬૦૦૦ કરોડ રૂપિયા મળશે.’
MLFF શું છે?
મલ્ટિ-લેન ફ્રી ફ્લો ટોલ સિસ્ટમ એક બહુ સારી સુવિધા છે. પહેલાં આપણને ટોલનાકા પર પેમેન્ટ કરવા માટે રોકાવું પડતું હતું. એમાં ત્રણથી ૧૦ મિનિટનો સમય લાગતો હતો. એ પછી ફાસ્ટૅગ આવતાં સમય ઘટીને ૬૦ સેકન્ડનો થયો. એને કારણે સરકારની આવકમાં ૫૦૦૦ કરોડનો વધારો થયો છે. હવે નવી MLFF ટેક્નિકથી કારને ઊભા જ નહીં રહેવું પડે. કાર ૮૦ કિલોમીટર પ્રતિ કલાક સુધીની સ્પીડમાં ટોલનાકું પાર કરી શકશે.