08 April, 2026 11:50 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દિલ્હી હાઇકોર્ટ
હવે કોઈ પણ વયે ડ્રામા અને ઍક્ટિંગમાં કરીઅર બનાવવી હોય તો એ સપનું પૂરું કરી શકાશે, કેમ કે દિલ્હી હાઈ કોર્ટે નૅશનલ સ્કૂલ ઑફ ડ્રામા (NSD)માં પ્રવેશ માટે ૩૦ વર્ષની વયમર્યાદા રદ કરી દીધી છે. કોર્ટના મતે અભિનય એ પ્રતિભાનું ક્ષેત્ર છે જેને ઉંમર દ્વારા બાંધી શકાતું નથી. કોર્ટે કહ્યું હતું કે અભિનય અને રંગમંચ સંપૂર્ણ રીતે પ્રતિભા અને કૌશલ પર આધારિત ક્ષેત્ર છે, એમાં ઉંમર બાધારૂપ બનવી ન જોઈએ. ન્યાયાધીશ જસમિત સિંહે આને મૌલિક અધિકારોનું ઉલંલઘન માનીને ૩૪ અને ૪૨ વર્ષના બે અરજદારોને પ્રવેશ માટે અરજી કરવાની અનુમતિ આપી હતી.
દિલ્હીની એક કોર્ટે ગઈ કાલે ૨૦૧૭માં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ED) દ્વારા દાખલ કરાયેલા મની લૉન્ડરિંગ કેસમાં સુકેશ ચંદ્રશેખરને જામીન આપ્યા હતા. સુકેશ સામેનો આ ૨૭મો કેસ (૩૧માંથી) છે જેમાં તેને જામીન આપવામાં આવ્યા છે. આ કેસમાં સુકેશ પર AIADMKના નેતા ટીટીવી દિનાકરણ માટે વચેટિયા તરીકે કામ કરવાનો અને વી. કે. શશિકલા જૂથ માટે પાર્ટીનું ‘બે પાંદડાં’ ચૂંટણીચિહન મેળવવા માટે ચૂંટણીપંચના અધિકારીને લાંચ આપવાનો પ્રયાસ કરવાનો આરોપ હતો.
પાકિસ્તાનમાં વિવાદાસ્પદ ચુકાદામાં એક કોર્ટે ૨૫ માર્ચે ૧૩ વર્ષની ખ્રિસ્તી છોકરી મારિયા શાહબાઝનાં ૪૦ વર્ષના મુસ્લિમ પુરુષ સાથેનાં લગ્નની માન્યતાને સમર્થન આપતાં દેશભરમાં ખ્રિસ્તીઓએ જોરદાર વિરોધ નોંધાવ્યો છે અને આ ચુકાદાને પગલે પાકિસ્તાનમાં સગીરોના રક્ષણ અને ધાર્મિક લઘુમતીઓના અધિકાર વિશે ગંભીર ચિંતા ઊભી થઈ છે. કોર્ટના ચુકાદા બાદ પાકિસ્તાનભરના ખ્રિસ્તીઓએ વિરોધ-પ્રદર્શન શરૂ કર્યાં છે. અપહરણ અને બળજબરીથી ધર્મપરિવર્તનના આરોપ છતાં કોર્ટનો આ નિર્ણય આવ્યો હતો.
મતદારયાદીના સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) વખતે પશ્ચિમ બંગાળની મતદારયાદીમાં સમાવેશ કરવાના દાવાઓ શંકાસ્પદ શ્રેણીમાં મૂકવામાં આવેલા ૬૦ લાખમાંથી લગભગ ૨૭ લાખ મતદારો આગામી વિધાનસભાની ચૂંટણીમાં મતદાન કરી શકશે નહીં. તેઓ મતદાન કરી શકે કે નહીં એ નિર્ણયની દેખરેખ રાખતા ન્યાયિક અધિકારીઓએ તેમના દાવાઓને નકારી કાઢ્યા છે. બંગાળ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાની ૨૩ એપ્રિલે યોજાનારી ચૂંટણી માટે મતદારયાદી સોમવાર મધ્યરાત્રિ સુધીમાં બનાવવાની હતી.
અમરાવતી-અકોલા હાઇવે પર સોમવારે રાતે ગોઝારો અકસ્માત થયો હતો જેમાં ૪ યુવાનોનાં મોત થયાં હતાં. બડનેરાના વીસથી લઈને ૨૬ વર્ષના ૭ મિત્રો સોમવારે મોડી રાતે ચા પીવા અમરાવતી-અકોલા હાઇવે પર બેલોરા ઍરપોર્ટ પાસે આવેલી સલીમ ચાવાળાની દુકાન પર ગયા હતા. તેઓ ચા પીને પાછા ફરી રહ્યા હતા ત્યારે તેમની કાર ઝાડ સાથે અથડાઈ હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે સાતમાંથી ૪ મિત્રોનાં મોત થયાં હતાં અને ૩ મિત્રો ઘાયલ થયા હતા. એમાંથી એકની હાલત ગંભીર હતી.
ચીનમાં ડ્રૅગન બોટ ફેસ્ટિવલ જેવો જ પરંતુ એનાથીયે જૂનો કિનટોન્ગ બોટ ફેસ્ટિવલ ખૂબ પ્રચલિત છે. તાઉઝોઉ વિસ્તારમાં કિનહુ તળાવમાં દર વર્ષે એપ્રિલ મહિનામાં અહીં સેંકડો બોટ રેસ માટે ઊતરે છે. એમાં ડ્રૅગન બોટ્સ, રોઇંગ બોટ્સ, પોલ બોટ્સ એમ પરંપરાગત તમામ નાવડીઓ પાણીમાં ઊતરે છે. એકદમ બ્રાઇટ રંગોનાં કૉસ્ચ્યુમ્સને કારણે કિનહુ તળાવ ખીલી ઊઠે છે.
બોસ્નિયા અને હર્ઝગોવિના નામના યુરોપિયન કન્ટ્રીના બંજા લુકા શહેરમાં અમેરિકન પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પના નામનું કૅફે ખૂલ્યું છે. આ જગ્યાએ પહેલેથી જ રશિયન પ્રેસિડન્ટ પુતિનના નામનું કૅફે ઑલરેડી છે. ગયા મહિને પુતિનના કૅફેના પાડોશમાં ટ્રમ્પનું કૅફે ખોલવામાં આવ્યું છે. આ બન્ને નેતાઓ બંજા લુકા વિસ્તારમાં ખૂબ લોકપ્રિય છે.
થાઇલૅન્ડના ચોનબુરી પ્રાંતમાં એક ઍનમિલ થીમના કૅફેનું પાળેલું ઑસ્ટ્રિચ મંગળવારે અચાનક જ કૅફેના દરવાજા ખોલીને રોડ પર ભાગી નીકળ્યું હતું. વાત એમ હતી કે આ નર ઑસ્ટ્રિચ એની મેટિંગ પાર્ટનરને મળવા માટે બહાવરું થયું હતું. આ પ્રાણી રોડ પરથી છેક જંગલ પાસેના હાઇવે સુધી પહોંચી ગયું હતું. પ્રાણીઓની સેફ્ટી માટે ખૂબ જાગ્રત એવી સ્થાનિક પોલીસે થોડીક વાર માટે ટ્રાફિકને રોકીને પાળેલા ઑસ્ટ્રિચને નુકસાન ન થાય એ રીતે પકડી લીધું હતું.
કલ્યાણ-ઈસ્ટમાં સ્ટેશન નજીક એક યુવક સ્કાયવૉક પર લોકોની વચ્ચે સ્કૂટર ચલાવતો હોવાનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો છે. શરૂઆતમાં તે સ્કાયવૉક પર ધીમેથી લોકો વચ્ચેથી પસાર થાય છે અને પછી સ્પીડમાં સ્કૂટર દોડાવતો જોવા મળ્યો હતો. તેણે હેલ્મેટ પણ નહોતી પહેરી. પગપાળા જતા લોકોની સલામતી માટે બનાવાયેલા સ્કાયવૉક પર સ્કૂટર દોડાવવાની ઘટના નિયમના ઉલ્લંઘનની સાથોસાથ જાહેર સુરક્ષાને પણ જોખમમાં મૂકે છે. લોકોએ સોશ્યલ મીડિયા પર વાઇરલ થયેલા વિડિયોમાં દેખાયેલા યુવક પર કડક કાર્યવાહી કરવાની માગણી કરી છે.
સેન્ટ્રલ રેલવેની માટુંગા વર્કશૉપમાં મંગળવારે બપોરે એક સ્લીપર કોચમાં અચાનક આગ લાગી ગઈ હતી. જોતજોતામાં આખો કોચ ભડકે બળ્યો હતો. આ દુર્ઘટનામાં કોઈને ઈજા થઈ નહોતી.
બપોરે ૩.૧૦ વાગ્યે લાગેલી આગ પર ૪ વાગ્યા સુધીમાં સંપૂર્ણ કાબૂ મેળવી લેવાયો હતો. આગને કારણે કોચના ઉપરના ભાગને આશરે ૭૦ ટકા જેટલું નુકસાન થયું છે. કોચની નીચેના ભાગમાં લગાડવામાં આવેલાં ઇક્વિપમેન્ટ્સ સુરક્ષિત રહ્યાં છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે દુર્ઘટના સમયે કોચના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) છેડા તરફ આવેલા ટૉઇલેટના ભાગમાં વેલ્ડિંગનું કામ ચાલી રહ્યું હતું. વેલ્ડિંગ દરમ્યાન નીકળેલા તણખા નજીકની જ્વલનશીલ સામગ્રી પર પડતાં આગ લાગી હતી. પવન અને કોચ નૉન-AC હોવાને કારણે આગ ઝડપથી પ્રસરી ગઈ હતી. તસવીર : સમીર અબેદી
નૅશનલ એજ્યુકેશન પૉલિસી (NEP) 2020 મુજબ કૉલેજના વિદ્યાર્થીઓને ચોથા વર્ષમાં ‘ઑનર્સ’ અથવા ‘ઑનર્સ વિથ રિસર્ચ’ એમ બેમાંથી એક વિકલ્પ પસંદ કરવાની તક મળશે. રાજ્યના હાયર ઍન્ડ ટેક્નિકલ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ દ્વારા સોમવારે આ બાબતનો ગવર્નમેન્ટ રેઝોલ્યુશન (GR) બહાર પાડવામાં આવ્યો હતો. GR મુજબ નવો ૪ વર્ષનો પ્રોગ્રામ કુલ ૮ સેમેસ્ટરમાં રહેશે. જે વિદ્યાર્થીઓ ઑનર્સ ડિગ્રીનો વિકલ્પ પસંદ કરશે તેમણે ૪ વર્ષમાં ૧૬૦થી ૧૭૬ ક્રેડિટ પૂરી કરવાની રહેશે, જેમાં છેલ્લા વર્ષમાં ઇન્ટર્નશિપ કરવી ફરજિયાત રહેશે. બીજી તરફ જે વિદ્યાર્થીઓ રિસર્ચમાં રુચિ ધરાવે છે અને જેમણે પહેલા ૩ વર્ષમાં ઓછામાં ઓછો ૭.૫ ક્યુમ્યુલેટિવ ડ્રેડ પૉઇન્ટસ ઍવરેજ (CGPA) મેળવ્યો હશે તેઓ ઑનર્સ વિથ રિસર્ચ ટ્રૅક પસંદ કરી શકશે. આ વિદ્યાર્થીઓએ તેમના મુખ્ય વિષયમાં ૧૨ ક્રેડિટનો રિસર્ચ પ્રોજેક્ટ કે નિબંધ રજૂ કરવાનો રહેશે. આ નવી વ્યવસ્થામાં ઍકૅડેમિક બૅન્ક ઑફ ક્રેડિટ્સ (ABC) પોર્ટલ પર નોંધણી ફરજિયાત બનાવાઈ છે.
નમતા પહોરે આખા દિવસની આકરી ગરમી અનુભવ્યા પછી મરીન ડ્રાઇવની પાળી પર બેસીને દરિયાની ઠંડક અનુભવવા આવેલા મુંબઈગરાને વાદળછાયા આકાશનો સુંદર નઝારો જોવા મળ્યો હતો. તસવીર: આશિષ રાજે