19 May, 2026 10:55 AM IST | Kerala | Gujarati Mid-day Correspondent
કેરલમના મુખ્ય પ્રધાનની ખુરસી પર વી. ડી. સતીશન. તેમણે શપથ લીધા એ વખતે પ્રિયંકા ગાંધી, રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે સહિતના નેતાઓએ એકજૂટતા દાખવી હતી.
ગઈ કાલે કૉન્ગ્રેસના નેતા વી. ડી. સતીશને કેરલમના તેરમા મુખ્ય પ્રધાનપદના શપથ લીધા હતા. રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ અાર્લેકરે તેમની સાથે ૨૦ પ્રધાનોને પણ શપથ લેવડાવ્યા હતા. આવું ૬૪ વર્ષ પછી પહેલી વાર થયું છે. કાર્યક્રમમાં રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે હાજર રહ્યાં હતાં.
ચારધામ યાત્રા શરૂ થઈ એ પછી ગઈ કાલે હૃષીકેશમાં બમ્પર ઑફલાઇન રજિસ્ટ્રેશન થયું હતું. આ આંકડો અત્યાર સુધીનો એક દિવસમાં થયેલી નોંધણીઓમાં સર્વોચ્ચ હતો. ગઈ કાલે હૃષીકેશના ટ્રાન્ઝિટ કૅમ્પમાં ૧૭,૬૫૧ શ્રદ્ધાળુઓએ ચારધામ માટે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું અને બાકીનાં ૪ કેન્દ્રો પર મળીને કુલ ૩૩,૭૦૯ રજિસ્ટ્રેશન થયાં હતાં. ચારધામ યાત્રા ૧૯ એપ્રિલથી શરૂ થઈ છે. છ માર્ચે ઑનલાઇન અને ૧૭ એપ્રિલે ઑફલાઇન રજિસ્ટ્રેશન શરૂ થયું હતું. શરૂઆતમાં બેથી અઢી હજાર ઑફલાઇન રજિસ્ટ્રેશન થતાં હતાં, પરંતુ હવે તીર્થયાત્રીઓની સંખ્યા દિનપ્રતિદિન વધી રહી છે. ગઈ કાલે રેકૉર્ડબ્રેક રજિસ્ટ્રેશન થયાં છે. હૃષીકેશ ઉપરાંત હરિદ્વારથી પણ ચારધામ માટે ગઈ કાલે ૧૪,૬૨૮ રજિસ્ટ્રેશન થયાં હતાં. ૨૬ દિવસમાં કેદારનાથ ધામમાં કુલ ૬.૩૫ લાખથી વધુ શ્રદ્ધાળુઓએ દર્શન કરી લીધાં છે.
નેપાલી પર્વતારોહક ૫૬ વર્ષની કામી રીતા શેરપાએ ૩૨મી વખત માઉન્ટ એવરેસ્ટ ચડીને ઇતિહાસ રચ્યો છે. કામી રીતા શેરપાએ વિશ્વના સૌથી ઊંચા શિખર પર સૌથી વધુ ચડાણ કરવાનો પોતાનો જ રેકૉર્ડ તોડ્યો છે. નેપાલના કોશી પ્રાંતના સોલુખુમ્બુ જિલ્લામાં જન્મેલા કામી રીતાએ ૧૯૯૨માં પોતાની પર્વતારોહણ કારકિર્દી શરૂ કરી હતી અને ૧૯૯૪માં પહેલી વાર એવરેસ્ટ પર ચડાણ કર્યું હતું. ગયા વર્ષે ૨૭ મેએ તેણે ૩૧મું ચડાણ પૂરું કર્યું હતું. બીજી તરફ માઉન્ટન ક્વીન તરીકે જાણીતી લક્પા શેરપાએ પણ શિખર પર ૧૧મું સફળ ચડાણ પૂરું કરીને એવરેસ્ટ પર ચડાણ કરનારી પ્રથમ નેપાલી મહિલા તરીકેનો પોતાનો રેકૉર્ડ આગળ વધાર્યો હતો.