11 November, 2026 08:37 AM IST | Madhya Pradesh | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
મધ્યપ્રદેશ (Madhya Pradesh)ના રાયસેન જિલ્લામાં પતઈ ગામ પાસે નર્મદા નદીના પતઈ ઘાટ પરથી રહસ્યમયી જીવાશ્મિ મળી આવ્યું છે. આ પથ્થર જેવી લાગતી ચીજ ખાસ તો તેના આકારને લઈને ચર્ચાનો વિષય બની છે. કોઈ વિશાળકાય જાનવરના જડબા જેવા આકારનો પથ્થર મળતાં જ સ્થાનિકોમાં ભારે કુતૂહલ સર્જાયું છે. વાત કંઇક એમ છે કે નદીકિનારે કેટલાક બાળકોને માટી ખોદી રહ્યા હતા ત્યારે અચાનક તેઓને એક અજીબ પથ્થર હાથ લાગ્યો હતો. આ પથ્થરનો આકાર જોઈને બાળકોને આશ્ચર્ય થયું હતું. છોકરાંઓએ આ પથ્થરને ધ્યાનથી જોયો ત્યારે તેમને લાગ્યું કે આ પથ્થર તો કોઈ વિશાળકાય જિવાશ્મિ છે. બાળકોએ રમત પડતી મૂકીને તાબડતોબ મોટેરાંઓને જઇને આ રહસ્યમયી વસ્તુ વિશે જણાવ્યું હતું. ગ્રામજનોને પણ આ જડબાના આકારના પથરાને જોઈને ભારે કુતૂહલ થયું હતું.
પ્રાપ્ત રિપોર્ટ્સ પ્રમાણે મંગળવારે સાંજના (Madhya Pradesh) સમયે કેટલાંક બાળકો પતઈ ઘાટ પાસે રમી રહ્યાં હતાં. જમીનમાં ખાડો ખોદવાની રમતમાં કેટલાક બાળકોએ લગભગ દોઢેક ફૂટ જેટલો ઊંડો ખાડો ખોદી નાખ્યો હતો. આટલી ઊંડાઈએ તેઓને ભોંયમાં દબાયેલી એક વિચિત્ર વસ્તુ હાથ લાગી હતી. બાળકોએ ધ્યાનથી આ વસ્તુ જોઈ તો વિશાળ પથ્થર જેવી આ આકૃતિમાં એક તરફ અગિયાર અને બીજી તરફ સાત દાંત જેવો આકાર ઉપસી આવ્યો હતો. સ્થાનિક લોકોએ જણાવ્યું કે આ પથ્થર હજી આખેઆખો તો બહાર નથી જ આવ્યો. તેનો કેટલોક ભાગ હજી પણ જમીન અંદર ધરબાયેલો છે. જોકે આસપાસ પાણી જમા થઈ જવાને કારણે પથ્થરને સંપૂર્ણપણે બહાર કાઢી શકાયો નથી.
જોકે આ રહસ્યમયી પથ્થર મળ્યાની માહિતી વાયુવેગે પ્રસરતાં (Madhya Pradesh) જ મોટી સંખ્યામાં ગ્રામજનો તેને જોવા માટે ટોળેટોળાં આવવા લાગ્યા હતા. કેટલાંક લોકોને એવું લાગી રહ્યું છે કે આ હજારો વર્ષ પહેલાં અસ્તિત્વ ધરાવતા મૅમથ પ્રાણી અથવા તો કોઈ વિલુપ્ત થયેલ વિશાળકાય જાનવરના જડબાનું અશ્મિ હોઇ શકે છે. તો બીજી તરફ કેટલાક લોકો તો તેને દૈવી સ્વરૂપ માનીને ત્યાં પૂજા-અર્ચના શરૂ કરવામાં પણ મોડા ન થી જ પડ્યા.
જોકે આવી કુતૂહલભરી ચીજ મળ્યાનું ધ્યાનમાં આવતાં મોડી સાંજે તહસીલદાર અને પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ સ્થળ પર આવી ગયા હતા. રાયસેનના જિલ્લા કલેક્ટર રોહિત સિસોદિયાએ જણાવ્યું કે અત્યારે આ વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યો છે, આ જીવાશ્મિ કોનું છે અને કેટલું જૂનું છે વગેરેની તપાસ માટે વૈજ્ઞાનિકો અને નિષ્ણાતોની ટીમ પણ તૈયાર કરવામાં આવશે.
પતઈ ઘાટ (Madhya Pradesh)થી ત્રણેક કિલોમીટરના અંતરે આશરે ૧૫ વર્ષ પહેલાં ડાયનાસોરના ઈંડા જેવાં જીવાશ્મિ પણ મળી આવ્યાં હતાં. નર્મદા ઘાટના આ વિસ્તારમાં અનેક પુરાતત્વીય અને પ્રાચીન જીવાશ્મો હોવાનું કહેવાય છે. એટલે જ જો તાજેતરમાં મળેલું જડબા આકારનું અશ્મિ વૈજ્ઞાનિક તપાસમાં કોઈ પ્રાચીન લુપ્ત જીવનું હોવાનું સાબિત થશે તો તે ભૂવિજ્ઞાન અને પુરાતત્વ ક્ષેત્રે એક અત્યંત મહત્વપૂર્ણ શોધ ગણાશે.