16 August, 2024 09:55 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
મોહન ભાગવત
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના નાગપુરમાં આવેલા મુખ્યાલયમાં ગઈ કાલે સંઘપ્રમુખ મોહન ભાગવતે ૭૮મા સ્વતંત્રતાદિવસે ધ્વજવંદન કરીને દેશને સંબોધન કર્યું હતું. મોહન ભાગવતે કહ્યું હતું કે ‘બલિદાન આપનારા અને તેમને સહયોગ કરનારા સમાજથી આપણને સ્વતંત્રતા મળી છે. આપણે જે મહેનતથી સ્વતંત્રતા મેળવી છે એ પેઢી દર પેઢી ચાલી આવી છે, પણ આગામી પેઢીને સ્વના રંગમાં રંગવાની અને એની રક્ષા કરવાની આપણી જવાબદારી છે. આવનારી પેઢીનું કર્તવ્ય છે કે એ સ્વતંત્રતાના ‘સ્વ’ની રક્ષા કરે, કારણ કે દુનિયામાં હંમેશાં એવા લોકો હોય છે જેઓ બીજા દેશ પર હાવી થવા માગે છે. આપણે આવા લોકોથી સતર્ક અને સાવધાન રહીને પોતાને બચાવવા પડશે. સ્થિતિ કાયમ એક જેવી નથી રહેતી. ક્યારેક સારી હોય છે તો ક્યારેક ખરાબ થાય છે.’
બંગલાદેશની સ્થિતિ વિશે મોહન ભાગવતે કહ્યું હતું કે ‘પાડોશી દેશમાં કોઈ વાંક ન હોવા છતાં બંગલાદેશમાં રહેતા હિન્દુઓએ સહન કરવું પડી રહ્યું છે. ભારતે ભૂતકાળમાં ક્યારેય કોઈના પર આક્રમણ નથી કર્યું. મદદ માગનારાને કાયમ સહયોગ કરવાની આપણી પરંપરા છે. બંગલાદેશમાં રહેતા હિન્દુઓને કોઈ પરેશાની, અન્યાય અને અત્યાચારનો સામનો ન કરવો પડે એ જોવાની જવાબદારી આપણી છે. કેટલાક મામલામાં સરકાર પોતાના સ્તર પર નિર્ણય લે છે, પણ સરકારને તાકાત સમાજથી મળે છે. સરકાર અને સમાજ પોતાનું કર્તવ્ય નિભાવે તો જ દેશ માટે પ્રતિબદ્ધતા દેખાય.’