મૅરેજ વિદેશમાં કરવાં જરૂરી છે? : મોદી

27 November, 2023 09:05 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

‘મન કી બાત’માં વડા પ્રધાને આ સવાલ કર્યો અને સાથે સજેશન પણ આપ્યું

ફાઇલ તસવીર

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના મન્થ્લી રેડિયો પ્રોગ્રામ ‘મન કી બાત’ના ૧૦૭મા એપિસોડને ગઈ કાલે સંબોધિત કર્યો હતો. તેમણે ૨૬/૧૧ના મુંબઈ હુમલાઓમાં જીવ ગુમાવનારા લોકોને યાદ કરીને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે દેશના લોકોને બંધારણ દિવસની પણ શુભેચ્છા પાઠવી હતી.

પીએમ મોદીએ વિદેશમાં જઈને મૅરેજ કરવાના વધતા ટ્રેન્ડ વિશે પણ લોકોને સવાલો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે ‘અત્યારે કેટલાક પરિવારોમાં વિદેશમાં જઈને મૅરેજ કરવાનો માહોલ બની રહ્યો છે. શું એ જરૂરી છે?

ભારતની માટીમાં, ભારતના લોકોની વચ્ચે જો મૅરેજ કરવામાં આવે તો દેશનો રૂપિયો દેશમાં રહેશે. દેશના લોકોને મૅરેજિસમાં કંઈ ને કંઈ સેવા કરવાની તક મળશે. ગરીબ લોકો પણ 
પોતાનાં સંતાનોને તમારા મૅરેજિસ વિશે કહેશે.’

ડિજિટલ ઇન્ડિયાનો ઉલ્લેખ

કરતાં પીએમ મોદીએ કહ્યું હતું કે ‘ઇન્ટેલિજન્સ, આઇડિયા અને ઇનોવેશન આજના યંગસ્ટર્સની ઓળખ છે. તમને એ જાણીને ગમશે કે ૨૦૨૨માં ભારતીયો દ્વારા પેટન્ટ ઍપ્લિકેશન્સમાં ૩૧ ટકાથી વધુનો વધારો થયો છે.’

વોકલ ફૉર લોકલનું કૅમ્પેન સમગ્ર દેશની ઇકૉનૉમીને તાકાત આપે છે

વડા પ્રધાને કહ્યું હતું કે ‘રિસન્ટ્લી દિવાળી, ભાઈબીજ અને છઠ પર દેશમાં ચાર લાખ કરોડ રૂપિયાથી વધુનો વેપાર થયો છે અને એમાં પણ ભારતમાં બનેલી પ્રોડક્ટ્સનો વધુ વેપાર થયો છે. ભારતમાં બનેલી પ્રોડક્ટ્સને ખરીદવા લોકોમાં ખૂબ ઉત્સાહ જોવા મળ્યો હતો. વોકલ ફૉર લોકલનું આ કૅમ્પેન સમગ્ર દેશની ઇકૉનૉમીને તાકાત આપે છે.’

મુંબઈ હુમલામાં જીવ ગુમાવનારા લોકોને હું શ્રદ્ધાંજલિ આપું છું, હવે આપણે પૂરા જુસ્સાથી આતંકવાદને કચડી રહ્યા છીએ

મુંબઈમાં થયેલા હુમલા વિશે તેમણે કહ્યું હતું કે ‘૨૬મી નવેમ્બરને આપણે ક્યારેય ભૂલી ન શકીએ. આ જ દિવસે આતંકવાદીઓએ મુંબઈને, સમગ્ર દેશને આઘાત પહોંચાડ્યો હતો; પરંતુ એ ભારતની ક્ષમતા છે કે આપણે એ હુમલાના આઘાતમાંથી બહાર આવ્યા અને હવે પૂરા જુસ્સાથી આતંકવાદને કચડી પણ રહ્યા છીએ. મુંબઈમાં થયેલા હુમલામાં જીવ ગુમાવનારા તમામ લોકોને હું શ્રદ્ધાંજલિ આપું છું.’

mann ki baat narendra modi 26/11 attacks the attacks of 26/11 india national news