05 December, 2025 08:38 AM IST | West Bengal | Gujarati Mid-day Correspondent
મમતા બેનર્જી, હુમાયુ કબીર
બાબરી મસ્જિદ જેવી જ મસ્જિદ બનાવવાનો દાવો કરનારા પશ્ચિમ બંગાળના વિધાનસભ્ય હુમાયુ કબીરને તૃણમૂલ કૉન્ગ્રેસ પાર્ટીએ સસ્પેન્ડ કરી દીધા છે. હુમાયુ કબીરે ૬ ડિસેમ્બરે મુર્શિદાબાદ જિલ્લાના બેલડાંગામાં બાબરી મસ્જિદનો પાયો નાખવાની જાહેરાત કરી હતી એને કારણે પ્રશાસન અલર્ટ મોડ પર હતું. હુમાયુએ આ જાહેરાત કરી એ પછી મમતા બૅનરજી નારાજ થઈ ગયાં હતાં, પરંતુ તેમણે સત્તાવાર રીતે કંઈ કહ્યું નહોતું.
ગઈ કાલે તેમને સસ્પેન્ડ કર્યાની જાણકારી કલકત્તાના મેયર ફિરહાદ હકીમે આપતાં કહ્યું હતું કે ‘અમને ખબર છે કે મુર્શિદાબાદમાં અમારા વિધાનસભ્યએ એક અચાનક જાહેરાત કરી દીધી હતી કે તેઓ બાબરી મસ્જિદ બનાવશે. અચાનક બાબરી મસ્જિદ કેમ? અમે પહેલાં પણ તેમને ચેતવણી આપી હતી. TMC પાર્ટીએ વિધાનસભ્ય હુમાયુ અકબરને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો છે, કેમ કે પાર્ટી કોઈ પ્રકારની સાંપ્રદાયિક રાજનીતિમાં વિશ્વાસ નથી કરતી.’
મુર્શિદાબાદમાં સાંપ્રદાયિક તનાવ પેદા ન થાય એ માટે મંગળવારે જ્યારે તેમને પોલીસ દ્વારા શાંતિ જોખમાય એવું કામ ન કરવાની ચેતવણી આપવામાં આવી તો હુમાયુએ વળતો આરોપ લગાવ્યો હતો કે ‘મુર્શિદાબાદ પ્રશાસન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના એજન્ટની જેમ કામ કરી રહ્યું છે. મારા કાર્યક્રમને રોકવાની
કોશિશ ન કરો, નહીંતર આગ સાથે રમવું પડશે.’
પાર્ટીમાંથી સસ્પેન્ડ થયા પછી પણ હુમાયુ કબીરના તેવર કંઈ કમ નથી થયા. તેમણે હજી કહ્યું હતું કે ‘હું એ પછી પણ બાબરી મસ્જિદ બનાવવાના મારા નિવેદન પર કાયમ છું. છઠ્ઠી ડિસેમ્બરે બાબરી મસ્જિદનો શિલાન્યાસ કરીશ. આ મારો અંગત મામલો છે, કોઈ પાર્ટી સાથે મને કોઈ લેવાદેવા નથી. તેમણે મને ૨૦૧૫માં છ વર્ષ માટે સસ્પેન્ડ કર્યો હતો. હવે ફરી કરે, મને કોઈ ફરક નથી પડતો. બાવીસ ડિસેમ્બરે હું મારી પોતાની પાર્ટીની ઘોષણા કરીશ. વિધાનસભાની ચૂંટણીમાં ૧૩૫ સીટો પર ઉમેદવારો પણ ઉતારીશ અને હું એ બન્ને (TMC અને BJP) સામે લડીશ.’