03 February, 2025 07:34 AM IST | Uttar Pradesh | Gujarati Mid-day Correspondent
મહાકુંભમાં ઊભી કરવામાં આવેલી ટેમ્પરરી હૉસ્પિટલની બહાર તહેનાત રાખવામાં આવેલી ઍમ્બ્યુલન્સ.
કેટલાક નંબર હવે બંધ થઈ ગયા છે એને પગલે શંકા બળવત્તર બની છે
મહાકુંભમાં ગયા બુધવારે જે નાસભાગ થઈ હતી એ કોઈ મોટા ષડ્યંત્રનો હિસ્સો હતો કે કેમ એ વિશે ઉત્તર પ્રદેશની સ્પેશ્યલ ટાસ્ક ફોર્સ (STF) દ્વારા તપાસ થઈ રહી છે. આ ઘટના વિશે સુરક્ષા એજન્સીઓ તપાસ કરી રહી છે એમાં આ ઍન્ગલ વિશે પણ વિચાર કરવામાં આવ્યો હતો અને એના આધારે એ દિવસે જે ઍક્ટિવ હતા એવા ૧૬,૦૦૦ મોબાઇલ ફોન-નંબરોનો ડેટા ચકાસવામાં આવી રહ્યો છે અને સંગમ ઘાટ પર ઍક્ટિવ નંબરોની તપાસ થઈ રહી છે.
સુરક્ષા એજન્સીઓ એવું માની રહી છે કે આ નાસભાગ થઈ નહોતી પણ કરાવવામાં આવી હતી. મૌની અમાવસ્યાએ વહેલી સવારે બે વાગ્યે સંગમ ઘાટ પર થયેલી આ દુર્ઘટનામાં ૩૦ ભાવિકોનાં મૃત્યુ થયાં હતાં અને અનેક શ્રદ્ધાળુઓ ઘાયલ થયા હતા. આ આંકડો પ્રશાસને દુર્ઘટનાના ૧૬ કલાક બાદ આપ્યો હતો. વિપક્ષો આક્ષેપ કરી રહ્યા છે કે સરકાર સાચો આંકડો છુપાવી રહી છે, પણ હવે સુરક્ષા એજન્સીઓને આ નાસભાગમાં ષડયંત્રની ગંધ આવી રહી છે.
એ દિવસ સંગમ ઘાટની આસપાસ ઍક્ટિવ હોય એવા મોબાઇલ નંબરો શોધી કાઢવામાં આવી રહ્યા છે. ૧૬,૦૦૦થી વધારે ફોન-નંબરોના ડેટાનું ઍનૅલિસિસ કરવામાં આવી રહ્યું છે. આશ્ચર્યમાં મૂકનારી વાત એ છે કે ઘણા નંબરો આ દુર્ઘટના બાદ બંધ થઈ ગયા છે, જે વાતના કારણે સુરક્ષા એજન્સીઓને ષડયંત્ર લાગી રહ્યું છે.
હવે CCTV (ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન) કૅમેરાનાં ફુટેજ પણ ચકાસવામાં આવી રહ્યાં છે. આ માટે ફેસ રેકગ્નિશન ઍપનો પણ ઉપયોગ થઈ રહ્યો છે. દુર્ઘટનાના દિવસે જેટલા પણ શકમંદો જોવા મળી રહ્યા છે તેમના પર STFની નજર છે.
આજના અમૃત સ્નાન પર નજર
આજે વસંત પંચમીનું સ્નાન છે અને એના પર પણ સુરક્ષા એજન્સીઓની નજર છે. આ માટે મહાકુંભ મેળા વિસ્તારમાં ચુસ્ત સુરક્ષા-વ્યવસ્થા બનાવવામાં આવી છે. ઉત્તર પ્રદેશના મોટા-મોટા પોલીસ-અધિકારીઓ પણ મહાકુંભનગરમાં આવી પહોંચ્યા છે.