09 October, 2026 10:24 AM IST | Patana | Gujarati Mid-day Correspondent
વીજળી પડવાને લીધે પ્લેનને થયેલું નુકસાન.
પટનાથી ૧૦૪ પૅસેન્જરોને લઈને લખનઉ જઈ રહેલી ઇન્ડિગો ઍરલાઇન્સની ફ્લાઇટ પર ૧૭,૦૦૦ ફુટની ઊંચાઈએ વીજળી ત્રાટકતાં ઍરક્રાફ્ટના આગળના ભાગને ભારે નુકસાન પહોંચ્યું હતું. જોકે પાઇલટની સમયસૂચકતાથી લખનઉ ઍરપોર્ટ પર સુરક્ષિત ઇમર્જન્સી લૅન્ડિંગ કરવામાં આવ્યું હતું અને કોઈ જાનહાનિ થઈ નહોતી.
બુધવારે બપોરે ૩.૧૦ વાગ્યે પટનાથી ઊપડેલી ઇન્ડિગો ફ્લાઇટ 6E925 જ્યારે લખનઉ પહોંચવાની તૈયારીમાં હતી ત્યારે ખરાબ હવામાન વચ્ચે આકાશમાંથી વીજળી ત્રાટકી હતી. ઍરક્રાફ્ટનો આગળનો હિસ્સો ક્ષતિગ્રસ્ત થવા છતાં પાઇલટે પરિસ્થિતિ સંભાળીને ૪.૦૫ વાગ્યે ફ્લાઇટને લખનઉ ઍરપોર્ટ પર સુરક્ષિત ઉતારી હતી. વીજળી ત્રાટકવાને કારણે ટેક્નિકલ ખામી સર્જાતાં ફ્લાઇટને ત્યાં જ ગ્રાઉન્ડ કરવામાં આવી હતી અને એન્જિનિયર્સની ટીમે એને થયેલા નુકસાનનો તાગ મેળવવાનું શરૂ કર્યું હતું.
આ જ ઍરક્રાફ્ટ લખનઉથી અમદાવાદ જવાનું હતું, પરંતુ નુકસાનને પગલે ઍરલાઇન્સે બીજી ફ્લાઇટની વ્યવસ્થા કરી હતી અને ૧૦૪ પૅસેન્જરો સુરક્ષિત રીતે અમદાવાદ રવાના થયા હતા. અગાઉ જૂન મહિનામાં પણ કલકત્તા ઍરપોર્ટ પર ઇન્ડિગોના એક ઍરક્રાફ્ટ પર વીજળી ત્રાટકતાં બે ગ્રાઉન્ડ સ્ટાફને મેડિકલ ચેક-અપ માટે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.