10 January, 2025 08:06 AM IST | Uttar Pradesh | Gujarati Mid-day Correspondent
અદાણી ગ્રુપના ચૅરપર્સન ગૌતમ અદાણી ઇસ્કૉનના ગુરુ પ્રસાદ સ્વામી સાથેની એક મીટિંગ દરમ્યાન.
૧૩ જાન્યુઆરીથી પ્રયાગરાજમાં સંગમતટ પર શરૂ થતા મહાકુંભમાં અદાણી ગ્રુપ દરરોજ ૧ લાખ શ્રદ્ધાળુઓને મહાપ્રસાદ વિતરિત કરશે. અદાણી ગ્રુપે ઇન્ટરનૅશનલ સોસાયટી ફૉર ક્રિષ્ના કૉન્શિયસનેસ એટલે કે ઇસ્કૉન સાથે હાથ મિલાવીને મહાકુંભમાં પોતાનું યોગદાન આપવાનું નક્કી કર્યું છે. ૨૬ ફેબ્રુઆરી સુધી ચાલનારા મહાકુંભમાં જગતભરમાંથી કુલ ૪૦ કરોડ શ્રદ્ધાળુઓ આવશે એવી ધારણા છે.
અદાણી ગ્રુપ દ્વારા વિતરિત કરવામાં આવનારો મહાપ્રસાદ ૨૫૦૦ જેટલા સ્વયંસેવકો બે હાઇટેક રસોડામાં તૈયાર કરશે. આ મહાપ્રસાદમાં દાળ-ભાત, શાક-રોટલી, મિષ્ટાન્નનો સમાવેશ હશે. આ મહાપ્રસાદને ૪૦ જેટલાં નિર્ધારિત સ્થળો પરથી વિતરિત કરવામાં આવશે.
આરતીસંગ્રહની ૧ કરોડ પ્રત, દિવ્યાંગો માટે ગૉલ્ફ કાર્ટ
અદાણી ગ્રુપ દ્વારા કુંભમેળામાં આવનારા દિવ્યાંગ લોકો, વડીલો અને બાળકોની અવરજવર માટે ગૉલ્ફ કાર્ટની વ્યવસ્થા પણ કરવામાં આવશે. આ ઉપરાંત અદાણી ગ્રુપે ગોરખપુરમાં મુખ્ય કાર્યાલય ધરાવતા ગીતા પ્રેસ સાથે મળીને આરતીસંગ્રહની એકાદ કરોડ પ્રત છપાવી છે જે મહાકુંભમાં શ્રદ્ધાળુઓને વિતરિત કરવામાં આવશે.