મકરસંક્રાન્તિ પહેલાં પતંગના ભાવમાં ૪૦ ટકાનો વધારો

14 December, 2025 09:49 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કાચા માલના ભાવ વધ્યા હોવાથી પાંચ રૂપિયાની પતંગ હવે સાત રૂપિયામાં મળશે

પ્રતીકાત્મક તસવીર

મકરસંક્રાન્તિ પહેલાં કાચા માલના ભાવમાં વધારો થવાથી પતંગના ભાવમાં ૪૦ ટકાનો વધારો થયો છે. ગયા વર્ષે જે પતંગ પાંચ રૂપિયાની હતી એનો ભાવ આ વર્ષે વધીને ૭ રૂપિયા થઈ ગયો છે. છત્રપતિ સંભાજીનગરના બુડી લેન વિસ્તારનો રાજપૂત પરિવાર ૬૦ વર્ષથી વધુ સમયથી પતંગ બનાવવાનો વ્યવસાય કરે છે. તેઓ મહારાષ્ટ્ર અને પાડોશી રાજ્યોમાં પતંગ સપ્લાય કરે છે. 

ભાવવધારા વિશે બોલતાં પતંગ-ઉત્પાદક અનિલ રાજપૂતે જણાવ્યું હતું કે ‘ગયા વર્ષની સરખામણીમાં કાચા માલના ખર્ચમાં નોંધપાત્ર વધારો થયો છે. ગયા વર્ષે કાગળના રિમની કિંમત ૯૦૦ રૂપિયા હતી જે આ વર્ષે વધીને ૧૧૦૦ રૂપિયા થઈ ગઈ છે. પહેલાં ૧૦૦૦ વાંસની લાકડીઓના બંડલની કિંમત ૧૦૫૦ રૂપિયા હતી, પરંતુ કિંમત બમણી થઈને લગભગ ૨૦૦૦ રૂપિયા થઈ ગઈ છે. ઉત્પાદનખર્ચમાં વધારાથી પતંગના ભાવ પર સીધી અસર પડી છે. ગયા વર્ષે પતંગનો લઘુતમ ભાવ પાંચ રૂપિયા હતો જે આ વર્ષે વધીને ૭ રૂપિયા થઈ ગયો છે.’ 

પતંગ બનાવવાનો વ્યવસાય રાજપૂત પરિવારના પૂર્વજોએ શરૂ કર્યો હતો અને એ આખા વર્ષ દરમ્યાન ચાલુ રહે છે. ઑગસ્ટ-સપ્ટેમ્બરમાં ગણેશ ઉત્સવ પછી આ વ્યવસાયની પીક સીઝન શરૂ થાય છે. આ પરિવાર જે પતંગ બનાવે છે એને તેલંગણના નિઝામાબાદ, મહારાષ્ટ્રનાં નાંદેડ, વૈજાપુર અને યેવલા જેવાં સ્થળોએ સપ્લાય કરવામાં આવે છે. પરંપરાગત કૌટુંબિક વ્યવસાયના ભવિષ્ય વિશે પણ ચિંતા વ્યક્ત કરીને અનિલ રાજપૂતે જણાવ્યું હતું કે ‘પતંગ બનાવવા માટે ભારે શારીરિક શ્રમ પડે છે. અમારી યુવા પેઢીને આ કામ ચાલુ રાખવામાં રસ નથી. આ ઉંમરે અમે વ્યવસાય બદલી શકતા નથી એટલે અમે અમારા પરિવારનું ગુજરાન ચલાવવા માટે આ વ્યવસાય ચાલુ રાખીએ છીએ.’

આ પરિવાર ઘણા કલાકો સુધી કામ કરે છે. ઘણી વાર સવારે ૯ વાગ્યાથી કામ શરૂ થાય છે અને રાતના બે વાગ્યા સુધી ચાલુ રહે છે. અનિલ રાજપૂતે કહ્યું હતું કે મારી પત્ની પહેલાં લકવાગ્રસ્ત થઈ ગઈ હતી, પરંતુ જેમ-જેમ તે સ્વસ્થ થઈ રહી છે તેમ-તેમ તેણે પણ અમને કામમાં મદદ કરવાનું શરૂ કર્યું છે.

national news india makar sankranti Chhatrapati Sambhaji Nagar festivals