26 July, 2023 12:34 PM IST | Delhi | Gujarati Mid-day Online Correspondent
ફાઈલ તસવીર
ભારત (India) અને પાકિસ્તાન (Pakistan) વચ્ચે વિભાજન થયું ત્યારથી આજ સુધી સરહદી સંઘર્ષ ચાલુ છે. એલઓસી પર દરરોજ ગોળીબાર થાય છે. બંને દેશોની સેના કાશ્મીર માટે લડતી રહે છે. આ સંઘર્ષ આજનો નથી. આ પહેલા પણ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થઈ ચૂક્યા છે.
1999ના કારગિલ યુદ્ધ (Kargil War)માં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું હતું. ભારતીય બહાદુર સૈનિકોએ કારગિલના ઉચ્ચ શિખરોને પાકિસ્તાનના કબજામાંથી મુક્ત કરાવ્યા હતા. આ યુદ્ધમાં ભારત દેશના ઘણા સૈનિકો શહીદ થયા હતા પરંતુ કારગિલ યુદ્ધમાં ભારતને સફળતા અપાવી હતી.
ભારતની ભવ્ય જીત અને ભારતીય સૈનિકોનું બલિદાન ઈતિહાસના પાનાઓમાં કાયમ માટે અમર થઈ ગયું. આ જ કારગિલની જીત અને શહીદોના બલિદાનને યાદ કરવા દર વર્ષે 26 જુલાઈને ‘કારગિલ વિજય દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે.
1999માં ભારત અને પાકિસ્તાનની સેનાઓ વચ્ચે સરહદ વિવાદને કારણે કારગિલ યુદ્ધ ફાટી નીકળ્યું હતું. પાકિસ્તાની સેનાએ ભારતીય ક્ષેત્રમાં કારગિલના ઊંચા શિખરો કબજે કર્યા હતા. જેના જવાબમાં ભારતીય સેનાએ ‘ઓપરેશન વિજય’ હાથ ધર્યું હતું.
આજથી 24 વર્ષ પહેલા 26 જુલાઈ 1999માં કારગિલ ઉપર ભારતીય સેનાએ દુશ્મન સેનાને ધૂળ ચાટતી કરીને ઓપરેશન વિજયમાં સફળતા મેળવી હતી. કારગિલ ઉપર ભારતીય ધ્વજ તિંરગાને લહેરાવ્યો હતો. આ યુદ્ધમાં દેશના આપણા બહાદુર જવાનોએ દુશ્મન દેશના કેટલાય સૌનિકોને મોતને ઘાટ ઉતારી દીધા હતા. આ યુદ્ધમાં અનેક બહાદુર જવાનોએ પોતાનું બલિદાન આપ્યું હતું.
ભારતના બહાદુર સૈનિકોએ પાકિસ્તાની ઘૂસણખોરોનો પીછો કરીને ટાઈગર હિલ અને અન્ય ચોકીઓ પર કબજો કર્યો હતો. લદ્દાખના કારગિલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે આ યુદ્ધ 60 દિવસથી પણ વધુ ચાલ્યું હતું. આ યુદ્ધમાં 2 લાખ ભારતીય સૈનિકોએ ભાગ લીધો હતો. સેંકડો ઘૂસણખોરો બરફના આવરણ હેઠળ છુપાયેલા હતા. આ યુદ્ધમાં મોટી માત્રામાં રોકેટ અને બોમ્બનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. લગભગ બે લાખ પચાસ હજાર શેલ, બોમ્બ અને રોકેટ છોડવામાં આવ્યા હતા. દરરોજ 300 બંદૂકો, મોર્ટાર અને એમબીઆરએલથી લગભગ 5,000 તોપખાનાના શેલ, મોર્ટાર બોમ્બ અને રોકેટ છોડવામાં આવ્યા હતા.
જે દિવસે ટાઈગર હિલ પર સફળતા મેળવી હતી તે દિવસે 9 હજાર શેલ છોડવામાં આવ્યા હતા. સેનાના મિશનને સફળ બનાવવા માટે ઘણા જવાનાઓ પોતાના જીવનનું બલિદાન આપ્યું. એવું કહેવાય છે કે બીજા વિશ્વ યુદ્ધ પછી આ એકમાત્ર યુદ્ધ હતું જેમાં દુશ્મન સેના પર આટલી મોટી સંખ્યામાં બોમ્બ ધડાકા કરવામાં આવ્યા હતા. આ યુદ્ધમાં 527 ભારતીય જવાનો શહીદ થયા હતા. આ યુદ્ધ 26 જુલાઈએ ભારતની જીત સાથે સમાપ્ત થયું હતું.