08 February, 2025 11:25 AM IST | Ayodhya | Gujarati Mid-day Correspondent
કામેશ્વર ચૌપાલ
રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના ટ્રસ્ટી કામેશ્વર ચૌપાલે દુનિયાને છેલ્લા રામ-રામ કહ્યા છે. ૬૮ વર્ષની ઉંમરે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. થોડા દિવસોથી તેમની દિલ્હીની ગંગારામ હૉસ્પિટલ ખાતે સારવાર ચાલી રહી હતી. અહીં ઉલ્લેખનીય છે કે રામ મંદિર નિર્માણ માટે પ્રથમ ઈંટ મૂકનાર વ્યક્તિ કામેશ્વર ચૌપાલ જ હતા, એથી સંઘ દ્વારા તેમને પ્રથમ કારસેવકનું બિરુદ આપવામાં આવ્યું હતું. તેમના નિધન બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને યોગી આદિત્યનાથ સહિતના BJPના ટોચના નેતાઓએ પણ દુ:ખ વ્યક્ત કર્યું હતું.
દલિત આગેવાન બિહારના કામેશ્વર ચૌપાલે પછાત વર્ગ માટે ખૂબ જ કામ કર્યું હતું. તેમનું જીવન રામને સમર્પિત હતું એવું કહીએ તો પણ અતિશયોક્તિ ન કહી શકાય. તેઓ બિહાર વિધાન પરિષદના પણ ૨૦૦૨થી ૨૦૧૪ સુધી સભ્ય રહ્યા હતા. ૨૦૧૪માં તેઓ BJPની ટિકિટ પર સોપોલ લોકસભાની ચૂંટણી પણ લડ્યા હતા. જોકે તેમને નિષ્ફળતા મળી હતી.