12 November, 2026 09:19 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ભારતના અર્થતંત્ર માટે રાહતના સમાચાર છે. ઇન્કમ ટૅક્સ વિભાગ દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ ચાલુ નાણાકીય વર્ષમાં ૧ એપ્રિલથી ૧૦ નવેમ્બર સુધીમાં ભારતનું નેટ ડાયરેક્ટ ટૅક્સ કલેક્શન ૧૧.૭૬ ટકા વધીને ૧૪.૪૨ લાખ કરોડ રૂપિયા થઈ ગયું હતું. ગત નાણાકીય વર્ષના આ જ સમયગાળામાં આ આંકડો ૧૨.૯૦ લાખ કરોડ રૂપિયા હતો.
રીફંડ આપ્યા પહેલાંની ગણતરી (ગ્રૉસ કલેક્શન) કરીએ તો કુલ ગ્રૉસ ડાયરેક્ટ ટૅક્સ કલેક્શન ૧૪.૦૨ ટકાના વધારા સાથે ૧૭.૫૦ લાખ કરોડ રૂપિયા નોંધાયું હતું. રીફંડ બાદ નેટ કૉર્પોરેટ ટૅક્સ કલેક્શન પણ ૧૭.૮૪ ટકા વધીને ૬.૩૨ લાખ કરોડ રૂપિયાએ પહોંચી ગયું હતું. વ્યક્તિગત કરદાતાઓ, હિન્દુ અવિભક્ત કુટુંબ અને પેઢીઓ દ્વારા ચૂકવવામાં આવતો નૉન-કૉર્પોરેટ ટૅક્સ પણ ૫.૩૦ ટકા વધીને ૭.૫૬ લાખ કરોડ રૂપિયા થયો હતો.
શૅરબજારની તેજીનો સીધો ફાયદો સરકારને પણ થયો છે. સિક્યૉરિટીઝ ટ્રાન્ઝૅક્શન ટૅક્સ (STT) દ્વારા થતી આવકમાં નોંધપાત્ર ૫૧.૫૬ ટકાનો ઉછાળો આવ્યો હતો અને એ ૩૫,૬૮૧ કરોડથી વધીને ૫૪,૦૭૭ કરોડ રૂપિયા થઈ હતી. કરદાતાઓને અપાયેલા રીફંડમાં પણ ૨૬ ટકાનો વધારો થયો છે. ૧૦ નવેમ્બર ૨૦૨૬ સુધીમાં કુલ ૩.૦૮ લાખ કરોડ રૂપિયાનું રીફંડ આપવામાં આવ્યું હતું. નોંધનીય છે કે સરકારે ચાલુ નાણાકીય વર્ષમાં કુલ ૨૬.૯૭ લાખ કરોડ રૂપિયા ડાયરેક્ટ ટૅક્સ એકત્ર કરવાનો લક્ષ્યાંક રાખ્યો હતો, જેમાંથી ૧૦ નવેમ્બર સુધીમાં જ ૫૩ ટકા (૧૪.૪૨ લાખ કરોડ રૂપિયા) વસૂલાત થઈ ચૂકી છે.