19 September, 2026 11:49 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ભારતે સગીરોને આપવામાં આવતા પાસપોર્ટ માટેના નિયમોમાં ફેરફાર કર્યા છે. નવી જોગવાઈઓ હેઠળ પાસપોર્ટની માન્યતા પાંચ વર્ષ નક્કી કરવામાં આવી છે અને નવા, રી-ઇશ્યુ તથા તત્કાલ પાસપોર્ટ માટેની ફીના માળખામાં સુધારો કરવામાં આવ્યો છે. વિદેશ-મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આ ફેરફાર પહેલી જુલાઈથી અમલમાં આવ્યા છે.
સુધારેલા નિયમો હેઠળ ભારતમાં પોલીસ ક્લિયરન્સ સર્ટિફિકેટ, સરેન્ડર સર્ટિફિકેટ, ગ્લોબલ એન્ટ્રી પ્રોગ્રામ વેરિફિકેશન અને પાસપોર્ટ સંબંધિત અન્ય પરચૂરણ પ્રમાણપત્રો જેવી સેવાઓ માટેની ફી પણ ૭૫૦ રૂપિયા નક્કી કરવામાં આવી છે.
જાહેરનામામાં જણાવ્યા મુજબ પુખ્ત વયની શ્રેણી હેઠળ અપાયેલા પાસપોર્ટની માન્યતા ૧૦ વર્ષ સુધીની હોઈ શકે છે, જ્યારે માઇનર શ્રેણી હેઠળ અપાયેલા પાસપોર્ટ પાંચ વર્ષ માટે અથવા અરજદાર ૧૮ વર્ષનો થાય ત્યાં સુધી (બેમાંથી જે વહેલું હોય એ સમય સુધી) માન્ય રહે છે.
સુધારેલા નિયમો હેઠળ ૧૮ વર્ષથી ઓછી ઉંમરના સગીર અરજદારોને અપાયેલો પાસપોર્ટ પાંચ વર્ષ માટે અથવા અરજદાર ૧૮ વર્ષનો થાય ત્યાં સુધી (આ બેમાંથી જે પણ વહેલું હોય) માન્ય રહેશે. આનો અર્થ એ છે કે જો કોઈ બાળક નાની ઉંમરે પાસપોર્ટ મેળવે અને તે પાંચ વર્ષનો સમયગાળો પૂરો થાય એ પહેલાં જ ૧૮ વર્ષની ઉંમર પ્રાપ્ત કરી લે તો તેનો પાસપોર્ટ આપ્યાની તારીખથી પૂરાં પાંચ વર્ષ સુધી માન્ય રહેશે નહીં. એને બદલે ૧૮ વર્ષની ઉંમર થતાં જ એની માન્યતા સમાપ્ત થઈ જશે.
૧૮ વર્ષ કે એથી વધુ ઉંમરના અરજદારો માટે સામાન્ય સેવા હેઠળ ૩૬ પાનાંના નવા અથવા ફરીથી અપાયેલા પાસપોર્ટનો ખર્ચ ૨૫૦૦ રૂપિયા થશે, જ્યારે ૬૦ પાનાંના પાસપોર્ટનો ખર્ચ ૩૫૦૦ રૂપિયા થશે. તત્કાલ સેવા માટે (જેમાં સામાન્ય ફીનો પણ સમાવેશ થાય છે) ૩૬ પાનાંના પાસપોર્ટ માટે ૫૦૦૦ રૂપિયા અને ૬૦ પાનાંના પાસપોર્ટ માટે ૬૦૦૦ રૂપિયાનો ખર્ચ થશે.
૧૮ વર્ષથી ઓછી ઉંમરના સગીર અરજદારો માટે સામાન્ય સેવા હેઠળ નવા અથવા ફરીથી અપાયેલા ૩૬ પાનાંના સામાન્ય પાસપોર્ટનો ખર્ચ ૧૭૫૦ રૂપિયા થશે. એની સામે તત્કાલ સેવા માટેની ફી ૪૨૫૦ રૂપિયા છે.
ખોવાયેલા અથવા ક્ષતિગ્રસ્ત પાસપોર્ટના બદલામાં આપવામાં આવતા પાસપોર્ટ માટે ફીનું અલગ માળખું છે. સંબંધિત શ્રેણીઓ હેઠળ અરજી કરતા પુખ્ત વયના લોકો અને સગીરો માટે ૩૬ પાનાંના રિપ્લેસમેન્ટ (બદલામાં મેળવેલા) પાસપોર્ટની સામાન્ય ફી અનુક્રમે ૫૦૦૦ રૂપિયા અને ૪૨૫૦ રૂપિયા છે, જ્યારે તત્કાલ ચાર્જ ૭૫૦૦ રૂપિયા અને ૬૭૫૦ રૂપિયા છે.
સુધારેલી જોગવાઈઓ મુજબ ૮ વર્ષ સુધીની વયના સગીરો અને ૬૦ વર્ષથી વધુ વયના વરિષ્ઠ નાગરિકો દ્વારા કરવામાં આવતી નવી પાસપોર્ટ અરજીઓ પર ફીમાં ૧૦ ટકાની છૂટ આપવામાં આવે છે. આ છૂટ માત્ર નવી અરજીઓને જ લાગુ પડે છે, પાસપોર્ટ ફરીથી મેળવવાની (રી-ઇશ્યુ) અરજીઓને નહીં.
આ જાહેરનામું ૧૫થી ૧૮ વર્ષની વયના અરજદારોને ૧૮ વર્ષ અને એથી વધુ વયના અરજદારો માટેની શ્રેણી હેઠળ અરજી કરવાની છૂટ આપે છે. આ શ્રેણી હેઠળ ૩૬ પાનાંના નવા અથવા ફરીથી અપાયેલા પાસપોર્ટ માટે સામાન્ય ફી ૨૫૦૦ રૂપિયા અને તત્કાલ યોજના હેઠળ ફી ૫૦૦૦ રૂપિયા છે. જોકે ૧૮ વર્ષથી ઓછી વયના અરજદારો માઇનર (સગીર) શ્રેણી હેઠળ પણ આવી શકે છે, જેમાં ૩૬ પાનાંના પાસપોર્ટ માટે સામાન્ય ફી ૧૭૫૦ રૂપિયા છે.