03 May, 2026 07:14 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે પોતાના મોબાઇલ પર મળેલો મેસેજ દેખાડતી પટનાની મહિલાઓ.
ભારતે ગઈ કાલે સવારે સ્વદેશી ટેક્નૉલૉજીનો ઉપયોગ કરીને સેલ બ્રૉડકાસ્ટ નામની મેસેજિંગ સિસ્ટમ શરૂ કરી હતી, જેનો હેતુ આફતના સમયમાં નાગરિકોને તાત્કાલિક ચેતવણી મોકલવાનો છે. ગઈ કાલે સવારે લગભગ ૧૧.૪૧ વાગ્યે કેન્દ્ર સરકારે દેશના લગભગ તમામ નાગરિકોને આ સિસ્ટમનું પરીક્ષણ કરવા માટે ચેતવણી મોકલી હતી. લોકોના મોબાઇલ ફોનમાં એક જોરદાર બીપિંગ અવાજ સંભળાયો હતો જે લગભગ ૧૦ સેકન્ડ સુધી ચાલુ રહ્યો હતો. આ સાથે એક મેસેજ પ્રસારિત કરવામાં આવ્યો હતો જેમાં લખેલું હતું કે ભારતે સ્વદેશી ટેક્નૉલૉજીનો ઉપયોગ કરીને સેલ બ્રૉડકાસ્ટ સેવા શરૂ કરી છે જેનાથી નાગરિકો તાત્કાલિક આપત્તિની માહિતી મેળવી શકે છે, ‘સતર્ક નાગરિક, સુરક્ષિત રાષ્ટ્ર’ મેસેજ મળ્યા પછી જનતાએ કોઈ પગલાં લેવાની જરૂર નથી, આ એક પરીક્ષણ-સંદેશ છે.
લોકોને તેમના ફોન પર બીપિંગ મેસેજ વિશે પહેલાંથી જ જાણ કરવામાં આવી હતી. સરકારે જાહેરાત કરી હતી કે બીજી મેએ સિસ્ટમનું પરીક્ષણ કરવામાં આવશે. જોકે ઘણા લોકોને આ મેસેજ મળ્યા નહોતા. આનું કારણ એ હતું કે ઇમર્જન્સી અલર્ટ ફક્ત સેટિંગ્સ ચાલુ હોય એવા ફોન પર જ મોકલી શકાતા હતા. ઘણા લોકો સેટિંગ્સ બંધ રાખે છે એથી તેમને બીપ સંભળાયું નહોતું.
સેલ બ્રૉડકાસ્ટ સિસ્ટમ અને SMS વચ્ચેનો તફાવત
સરકાર અત્યાર સુધી શૉર્ટ મેસેજિંગ સર્વિસ (SMS) દ્વારા આપત્તિ સંબંધિત માહિતી મોકલતી હતી. જોકે સેલ બ્રૉડકાસ્ટ ટેક્નૉલૉજી વીજળી પડવા અને સુનામી જેવા ટૂંકા ગાળાનાં જોખમોને પહોંચી વળવા માટે રજૂ કરવામાં આવી છે. આપત્તિની પરિસ્થિતિમાં નેટવર્ક-વિક્ષેપને કારણે SMS મેસેજ ક્યારેક પહોંચતા નથી, પણ સેલ બ્રૉડકાસ્ટ એકસાથે ચોક્કસ વિસ્તારમાં બધા મોબાઇલ ફોન સુધી પહોંચે છે. આ સ્વદેશી રીતે C-DoT (ડિપાર્ટમેન્ટ ઑફ ટેલિકમ્યુનિકેશન) દ્વારા વિકસાવવામાં આવી છે. આ ટેક્નૉલૉજીની વિશેષતા એ છે કે મોબાઇલમાં નેટવર્ક-સિગ્નલ મજબૂત હોવું જરૂરી નથી, એ ટાવરથી સીધા ફોન સુધી પહોંચી શકે છે.
મહારાષ્ટ્રમાં પહેલાં ઇંગ્લિશ અને તેલુગુ તથા પછી મરાઠીમાં મળ્યો હતો મેસેજ
મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં મેસેજ લોકોને પહેલાં ઇંગ્લિશ અને તેલુગુ ભાષામાં મળ્યો હતો. એ પછી થોડી વારે સેમ મેસેજ મરાઠીમાં પણ મળ્યો હતો. મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)એ આ બાબતે કહ્યું હતું કે ‘એ મેસેજ મહારાષ્ટ્રની મુખ્ય ભાષા મરાઠી હોવાથી મરાઠીમાં મોકલાય એવી અપેક્ષા હતી. કટોકટીભરી પરિસ્થિતિમાં નાગરિકોને તેમની સ્થાનિક ભાષામાં સૂચના મળે એ બહુ જ જરૂરી હોય છે. એથી સરકારે એની દખલ લઈને દરેક રાજ્યમાં ત્યાંની સ્થાનિક ભાષામાં જ મેસેજ મોકલવામાં આવે એની ખાતરી કરવી જોઈએ.’