દાનાએ કેવી કરી ખાનાખરાબી?

26 October, 2024 01:07 PM IST  |  Odisha | Gujarati Mid-day Correspondent

પશ્ચિમ બંગાળમાં એકનું મોત : ઓડિશામાં જાનહાનિ નહીં, ૬ લાખ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું

ઓડિશાના ભદ્રકમાં ‘દાના’ વાવાઝોડાને કારણે ફૂંકાયેલા પવનને લીધે આ ઝાડ જડમૂળથી ઊખડી ગયું હતું.

કલકત્તા શહેરમાં ઠેર-ઠેર પાણી ભરાઈ જવાથી જનજીવન ઠપ

પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં ગઈ કાલે ત્રાટકેલા દાના વાવાઝોડામાં પશ્ચિમ બંગાળમાં 24 નૉર્થ પરગણા જિલ્લામાં એક માણસનું મૃત્યુ થયું હતું, જ્યારે ઓડિશામાં કોઈ જાનહાનિ નોંધાઈ નહોતી.

કલકત્તા જળબંબાકાર

ભારે વરસાદને કારણે કલકતા શહેરમાં રસ્તા પર પાણી ભરાઈ જતાં જળબંબાકારની સ્થિતિ ઉદ‍્ભવી હતી અને જનજીવન ઠપ થઈ ગયું હતું. કલકત્તામાં એસ.એસ.કે.એમ. સરકારી હૉસ્પિટલ અને કલકત્તા સુધરાઈના મુખ્યાલય એસ્પ્લેનેડમાં પાણી ભરાઈ ગયાં હતાં.

આજે ભારે વરસાદની આગાહી

દાના વાવાઝોડાની આફ્ટર-ઇફેક્ટના પગલે આજે પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જોકે આજે રાત બાદ એની તીવ્રતા ઓછી થઈ જશે.

વાવાઝોડું ધીમું પડશે

હવામાન ખાતાના ડિરેક્ટર જનરલ મૃત્યુંજય મોહપાત્રાએ જણાવ્યું હતું કે ધીમે-ધીમે વાવાઝોડું ધીમું પડી જશે અને રાજ્યના અંતરિયાળ ભાગોમાં જતાં જોરદાર વરસાદ પડશે.

બે જિલ્લામાં ખાસ તકેદારી

પશ્ચિમ બંગાળમાં સાઉથ 24 પરગણા અને ઈસ્ટ મીદનાપુર જિલ્લામાં તકેદારી રાખવામાં આવી હોવાનું મુખ્ય પ્રધાન મમતા બૅનરજીએ જણાવ્યું હતું. દાના વાવાઝોડના લૅન્ડફૉલની સૌથી માઠી અસર આ બે જિલ્લામાં જોવા મળી હતી.

મચ્છરદાનીની વહેંચણી

વાવાઝોડા બાદ મચ્છરનો ત્રાસ ફેલાતો હોવાથી પશ્ચિમ બંગાળમાં લોકોને મચ્છરદાની વહેંચવામાં આવી હતી.

કોસ્ટગાર્ડ સાબદું

વાવાઝોડા દાના સામે બચાવકાર્ય કરવા માટે ઇન્ડિયન કોસ્ટગાર્ડ દ્વારા ૧૧ જહાજ, પાંચ ઍરક્રાફ્ટ અને ૧૪ ડિઝૅસ્ટર રિલીફ ટીમોને સાબદાં રાખવામાં આવ્યાં હતાં.

ઓડિશામાં સફળતાપૂર્વક વાવાઝોડાનો સામનો થયો

ઓડિશામાં પૂરા પ્લાનિંગ સાથે વાવાઝોડાનો સામનો કરવામાં આવતાં એક પણ વ્યક્તિનું મૃત્યુ નોંધાયું નથી. આશરે ૬ લાખ લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું હતું. ગઈ કાલથી ઍરપોર્ટ સર્વિસને પણ સામાન્ય બનાવી દેવામાં આવી હતી. બપોર સુધીમાં તમામ રોડ પર વાહનવ્યવહાર શરૂ કરી દેવામાં આવ્યો હતો. જોકે ભદ્રક, કેન્દ્રાપાડા અને બાલાસોર જિલ્લામાં પૂર આવતાં લોકોને અસર પડી હતી. ઓડિશામાં દંગામલથી તાલાચુઆ ગામ પરના રસ્તા પર અનેક ઝાડ ઊખડી ગયાં હતાં.

national news india west bengal odisha monsoon news Weather Update