હરિયાણામાં ખાપ પંચાયતોનો ઐતિહાસિક નિર્ણય: લગ્નો રાત્રે નહીં દિવસે થશે, ખોટા ખર્ચા બંધ થશે

05 March, 2026 09:45 AM IST  |  Haryana | Gujarati Mid-day Correspondent

તાજેતરમાં સીસાણા ગામમાં વિવિધ ખાપની મહાપંચાયત યોજાઈ હતી જેમાં વિવિધ ખાપના વડાઓ અને પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો

પ્રતીકાત્મક તસવીર

હરિયાણાની ખાપ પંચાયતોએ સામાજિક સુધારા તરફ એક મોટું પગલું લેતાં લગ્નો રાત્રે યોજવાને બદલે દિવસના સમયમાં યોજવાનો નિર્ણય લીધો છે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ લગ્નોમાં વધી રહેલા ખોટા ખર્ચા રોકવાનો અને સામાજિક સુરક્ષા મજબૂત બનાવવાનો છે. તાજેતરમાં સીસાણા ગામમાં વિવિધ ખાપની મહાપંચાયત યોજાઈ હતી જેમાં વિવિધ ખાપના વડાઓ અને પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો અને સામાજિક સંવાદિતા અને સુધારા સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.

આ પંચાયતમાં લગ્નોમાં વધતા ખર્ચ, બિનજરૂરી દેખાડો અને રાત્રિના કાર્યક્રમો સાથે સંકળાયેલી સમસ્યાઓ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. ઘણી ચર્ચા પછી સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો કે ભવિષ્યમાં બધા ખાપ વડાઓ અને પ્રતિનિધિઓ રાત્રે નહીં પણ દિવસે તેમનાં કૌટુંબિક લગ્નો કરશે. દિવસ દરમ્યાન લગ્નો યોજવાથી બિનજરૂરી ખર્ચાઓ ટાળવામાં આવશે, સુરક્ષાની ચિંતા ઓછી થશે અને વૃદ્ધો અને મહિલાઓને સુવિધા મળશે. વધુમાં વીજળીનો વપરાશ ઓછો થશે અને સામાજિક કાર્યક્રમો સરળ રીતે યોજાશે. પંચાયતે ખાપ સાથે જોડાયેલાં તમામ ગામોને આ નિર્ણયની જાણ કરવાનો અને સમુદાયને એનું પાલન કરવાની વિનંતી કરવાનો પણ નિર્ણય લીધો હતો, જ્યારે બેઠકમાં હાજર પ્રતિનિધિઓ વ્યક્તિગત રીતે એનું પાલન કરશે.

ખાપ વડાઓ હવે દર મહિનાના છેલ્લા શનિવારે સામાજિક મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે મળશે. બેઠકમાં એવી પણ ચર્ચા કરવામાં આવી હતી કે કોઈ પણ ખાપ વડા કોઈ પણ ખોટું પગલું ભરશે તો તેણે કાર્યવાહીનો સામનો કરવો પડશે.

national news haryana india culture news