19 November, 2026 11:41 AM IST | Bengaluru | Gujarati Mid-day Correspondent
શિરોમણિ બજાજ અને અક્ષિતા જૈન
બૅન્ગલોરની પ્રતિષ્ઠિત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મૅનેજમેન્ટ (IIM)માંથી માસ્ટર ઇન બિઝનેસ ઍડ્મિનિસ્ટ્રેશન (MBA)ની પદવી અને વૈશ્વિક ઑટોમોબાઇલ દિગ્ગજ ફોક્સવૅગન કંપનીમાં વાર્ષિક ૫૦ લાખ રૂપિયાનો પગાર ધરાવતી ૩૭ વર્ષની સૉફ્ટવેર એન્જિનિયર અક્ષિતા જૈને સફળ કૉર્પોરેટ માર્ગ પર આગળ વધવાને બદલે આ બધું છોડીને ત્યાગમય જીવન જીવવાનો નિર્ણય કર્યો છે. વળી આ યાત્રામાં તે એકલી નથી. તેની ૬૧ વર્ષની મમ્મી શિરોમણિ બજાજ પણ તેની સાથે સંયમના માર્ગે જશે. શિરોમણિ બજાજ પબ્લિક સેક્ટરની ઑઇલ કંપની ઇન્ડિયન ઑઇલ કૉર્પોરેશન લિમિટેડ (IOCL)માંથી ચીફ મૅનેજર તરીકે નિવૃત્ત થયાં છે. ગુરુગ્રામની આ માતા-પુત્રીની જોડી હવે પોતાના વ્યાવસાયિક અને પારિવારિક જીવનનો ત્યાગ કરીને જૈન સાધ્વી બનવાની તૈયારી કરી રહી છે.
IIMમાંથી MBA કરનારી અક્ષિતાએ ફીએટ, મર્સિડીઝ-બેન્ઝ અને ફોક્સવૅગન જેવી મોટી વૈશ્વિક ઑટોમોબાઇલ કંપનીઓમાં કામ કર્યું છે. કૉર્પોરેટ ક્ષેત્રે તે છેલ્લે ફોક્સવૅગનમાં હતી, જ્યાં તેને વાર્ષિક ૫૦ લાખ રૂપિયાનું પૅકેજ મળતું હોવાનું કહેવાય છે.
કંપનીમાં આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) પર કામ કરતી વખતે આધ્યાત્મિકતામાં તેનો રસ વધુ ગાઢ બન્યો હતો. ડેટા-સેન્ટરો બનાવવાને કારણે પર્યાવરણ પર થતી અસરો અને ખાસ કરીને જમીનનું ખોદકામ અને એનાથી માટીમાં રહેલા સૂક્ષ્મ જીવોને થઈ શકે એવું નુકસાન તેને ચિંતાનો વિષય લાગ્યો હતો. જૈન ધર્મનો અહિંસાનો સિદ્ધાંત તેના આધ્યાત્મિક જીવન તરફ વળવાના નિર્ણયમાં કેન્દ્રસ્થાને રહ્યો હતો. તેની મમ્મીએ IOCLમાં ૩૭ વર્ષ સુધી સેવા આપી અને ઑક્ટોબર ૨૦૨૫માં ચીફ મૅનેજર તરીકે નિવૃત્ત થયાં હતાં. પતિના અવસાન બાદ અને પારિવારિક જવાબદારીઓ પૂર્ણ કર્યા પછી જૈન સાધ્વીઓના સંપર્કમાં આવવાને કારણે શિરોમણિનું મન જૈન આધ્યાત્મિકતા તરફ વધુ ને વધુ આકર્ષાયું હતું.
આ બન્ને જૈન આધ્યાત્મિક ગુરુ સાધ્વી પૂર્ણપ્રજ્ઞાશ્રી સાથે જોડાયેલાં છે. શિરોમણિએ સંસારત્યાગની તૈયારીના ભાગરૂપે અનેક ધાર્મિક અનુષ્ઠાનો અને કઠોર તપસ્યાઓ પૂર્ણ કર્યાં છે. દીક્ષામહોત્સવના ભાગરૂપે જોધપુરમાં વરઘોડો યોજાશે અને ત્યાર બાદ ૨૦૨૭ની ૨૫ ફેબ્રુઆરીએ ચેન્નઈમાં દીક્ષાસમારોહ યોજાશે.