ગૂગલની બૅન્ગલોરની નવી ઑફિસ અનંત થઈ ગઈ તૈયાર

20 February, 2025 10:39 AM IST  |  Bengaluru | Gujarati Mid-day Correspondent

પાંચ હજાર લોકોને સમાવી શકતી આ ઑફિસમાં અરણ્ય નામનું પોતાનું જંગલ પણ છે

ગૂગલ કૅમ્પસનું નામ અનંત

ગૂગલે બુધવારે ભારતમાં પોતાના સૌથી મોટા કૅમ્પસ પરથી પડદો ઉઠાવ્યો છે. આ કૅમ્પસનું નામ અનંત છે, જે સમગ્ર વિશ્વમાં રહેલા ગૂગલના સૌથી મોટા કૅમ્પસમાંથી એક છે. આ કૅમ્પસ બૅન્ગલોરના મહાદેવપુરામાં આવેલું છે. ગૂગલના અનંતમાં ૫૦૦૦ કર્મચારી કામ કરી શકે છે. એને બનાવવામાં ગૂગલે લોકલ મટીરિયલનો ઉપયોગ કર્યો છે.

ગૂગલના આ કૅમ્પસમાં ભારતમાં એની હાજરી અને ભારત વિશે એની તૈયારી દર્શાવે છે. અનંતને ગૂગલની તમામ સર્વિસ પર કામ કરનારી ટીમ્સને સપોર્ટ કરવા માટે તૈયાર કરવામાં આવ્યું છે. હાલ ગૂગલ ઇન્ડિયામાં ૧૦,૦૦૦ કરતાં વધારે કર્મચારીઓ અલગ-અલગ લોકેશન પર કામ કરે છે.

૫૦૦૦ લોકોને બેસવાની વ્યવસ્થા

ભારત સમગ્ર વિશ્વની તમામ કંપનીઓ માટે એક મહત્ત્વનું માર્કેટ છે. આ જ કારણ છે કે ગૂગલ પણ ભારતમાં મોટા પ્રમાણમાં રોકાણ કરી રહ્યું છે. કંપનીએ ગયા વર્ષથી સમગ્ર દેશમાં પોતાના સ્માર્ટ ફોન્સનું પ્રોડક્શન શરૂ કર્યું છે, સાથે જ કંપનીએ ઑફલાઇન હાજરી માટે પણ અનેક કંપનીઓ સાથે હાથ મિલાવ્યા છે.

ગૂગલનું અનંત કૅમ્પસ ૧૬ લાખ સ્ક્વેર ફીટ એરિયામાં ફેલાયેલું છે જેમાં ૫૦૦૦ કર્મચારીઓના બેસવાની જગ્યા છે.

એક શહેરની જેમ કરાયું છે તૈયાર

ગૂગલનું કહેવું છે કે અનંતને ફોકસ્ડ વર્ક માટે તૈયાર કરવામાં આવ્યું છે. એનો લેઆઉટ કોઈ શહેર જેવો છે જ્યાં નૅવિગેટ કરવું સરળ છે. અહીં પ્રાઇવસી માટે નાનાં બૂથ આપવામાં આવ્યાં છે અને તમામ લોકોને એક સ્થળે એકત્ર કરવા માટે ‘સભા’ નામની કૉન્ફરન્સ-રૂમ તૈયાર કરી છે, જ્યાં ઇવેન્ટ હશે.

આ કૅમ્પસમાં ફરવા, જૉગિંગ માટે ટ્રૅક બનાવાયો છે. કૅમ્પસમાં ૧૦૦ ટકા વૉટર રીસ્ટોરેશનની સુવિધા અપાઈ છે. ગૂગલે અહીં સ્માર્ટ ગ્લાસનો પ્રયોગ કર્યો છે જેના કારણે કામ કરવા માટે લોકોને નૅચરલ લાઇટ મળશે. સાથે જ આર્ટિફિશ્યલ લાઇટ અને કૂલિંગ પર નિર્ભરતા પણ ઓછી હશે જે સંપૂર્ણ રીતે નૅચરલ ફ્રેન્ડ્લી બિલ્ડિંગ હશે જેનાથી ન માત્ર ઊર્જાની બચત થશે, પરંતુ કર્મચારીઓ પણ કુદરતી વાતાવરણમાં કામ કરવાનો અનુભવ કરી શકશે.

google technology news tech news bengaluru ai artificial intelligence national news news