16 December, 2025 04:19 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
ગૌરવ અને સૌરભ લુથરા (તસવીર: એજન્સી)
ગોવાના આર્પોરામાં બિર્ચ બાય રોમિયો લેન નાઈટક્લબમાં ભીષણ લાગેલી આગમાં 25 લોકો માર્યા ગયા હતા. આ ઘટના બાદ ક્લબના કો-ઓનર્સ ગૌરવ લુથરા અને સૌરભ લુથરા દેશ છોડી થાઈલૅન્ડ ભાગી ગયા હતા એ હવે તેમને ભારત ફરી લાવવામાં આવા છે. આ આરોપી ભાઈઓ મંગળવારે દિલ્હી પહોંચ્યા હતા, જ્યાં પ્લેન લૅન્ડિંગ સમયે દિલ્હી અને ગોવા પોલીસે તેમની અટકાયત કરી હતી. તેઓ ઇન્ડિગોની ફ્લાઇટમાં ભારત પાછા ફર્યા, અને ઍરપોર્ટ પર પહોંચ્યા પછી, તેમને વધુ કાનૂની કાર્યવાહી માટે અધિકારીઓને સોંપવામાં આવ્યા છે.
ગૌરવ (44) અને સૌરભ (40) ને બુધવારે દિલ્હી કોર્ટમાં રજૂ કરવામાં આવશે, જ્યાં ગોવા પોલીસ તેમના ટ્રાન્ઝિટ રિમાન્ડની માગ કરશે. તેમની સામે ગુનાહિત હત્યા અને બેદરકારીનો કેસ નોંધવામાં આવ્યો છે. તપાસમાં બહાર આવ્યું છે કે નાઇટક્લબ જરૂરી અને ફરજિયાત ફાયર સેફ્ટી નિયમોનું પાલન કર્યા વિના ચલાવવામાં આવી રહ્યું હતું, જેના કારણે આગની ઘટનામાં મોટી જાનહાનિ થઈ. આ ઘટનાએ ફાયર સેફ્ટી ધોરણો પર ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. દિલ્હી પહોંચતા પહેલા, બૅન્ગકૉકમાં એક ટીવી રિપોર્ટરે પ્લેનની અંદર તેમનો વીડિયો રૅકોર્ડ પ્રયાસ કર્યો, જેના કારણે ઍરલાઇન અને સુરક્ષા અધિકારીઓએ મજબૂત ટુકડીઓ બોલાવી અને તાત્કાલિક ભાઈઓને બહાર કાઢ્યા.
૬ ડિસેમ્બરના રોજ નાઈટક્લબમાં આગ લાગ્યાના થોડા કલાકો પછી, ૭ ડિસેમ્બરની સવારે બન્ને ભાઈઓ ફુકેટ ભાગી ગયા. ત્યારબાદ ભારતીય અધિકારીઓએ ઇન્ટરપોલ સાથે બ્લુ કોર્નર નોટિસ જાહેર કરી અને તેમના પાસપોર્ટ રદ કર્યા. ભારત સરકારની વિનંતી પર ૧૧ ડિસેમ્બરના રોજ થાઈ અધિકારીઓ દ્વારા તેમને ફુકેટમાં અટકાયતમાં લેવામાં આવ્યા. બન્ને દેશો વચ્ચેના કાનૂની કરાર હેઠળ તેમને ભારત મોકલવામાં આવ્યા. ૧૧ ડિસેમ્બરના રોજ, દિલ્હીની એક કોર્ટે તેમની ટ્રાન્ઝિટ આગોતરા જામીન અરજી ફગાવી દીધી. એડિશનલ સેશન્સ જજ વંદનાએ તેમની સામેના આરોપોને ‘ગંભીર’ ગણાવતા તેમના વર્તન અંગે કડક ટિપ્પણીઓ કરી. કોર્ટે પોલીસના નિવેદનને મહત્ત્વપૂર્ણ ગણાવ્યું કે બન્નેએ આગના એક કલાક પછી જ ફુકેટ માટે ટિકિટ બુક કરાવી હતી - એક હકીકત જે તેમના વકીલે જામીન અરજીમાં છુપાવવાનો પ્રયાસ કર્યો હતો.
ન્યાયાધીશે જણાવ્યું હતું કે ઘટના પછી આટલા જલદી દેશ છોડીને ભાગી જવું એ કાનૂની કાર્યવાહી ટાળવાનો સ્પષ્ટ પ્રયાસ હતો. બીજી તરફ, ગોવા બેન્ચે સોમવારે આ મામલે દાખલ કરાયેલી સિવિલ અરજીને જાહેર હિતની અરજી (PIL) માં રૂપાંતરિત કરી, જેમાં જણાવ્યું હતું કે "આ દુર્ઘટના માટે કોઈને જવાબદાર ઠેરવવા જોઈએ." લુથરા ભાઈઓની ધરપકડ બાદ હવે કેસ વધુ ઝડપથી આગળ વધશે, અને ગોવા પોલીસ વધુ પૂછપરછ માટે કોર્ટમાં તેમના રિમાન્ડની માગ કરશે.