08 December, 2025 08:36 AM IST | Goa | Gujarati Mid-day Correspondent
દુર્ઘટના
ગોવામાં શનિવારે રાતે એક ભયંકર દુર્ઘટના બની હતી. રાજધાની પણજીથી ૨૫ કિલોમીટર દૂર અરપોરા વિસ્તારમાં આવેલી ‘બર્ચ બાય રોમિયો લેન’ નાઇટ-ક્લબમાં ભીષણ આગ લાગી હતી. એને કારણે ૨૫ લોકોનાં મોત થયાં હતાં અને ૬ લોકો ઘાયલ થયા હતા. આ ઘટના સમયે ક્લબમાં લગભગ ૧૦૦ લોકો હાજર હતા.
આ ક્લબમાં રાતે એક વાગ્યે ‘બૉલીવુડ બૅન્ગર નાઇટ’ શોનું આયોજન થવાનું હતું જેના એકાદ કલાક પહેલાં જ દુર્ઘટના બની હતી. આગ લાગવાની શરૂઆત થઈ એ સમયનો એક વિડિયો પણ સામે આવ્યો હતો, જેમાં એક બેલી-ડાન્સર ‘મેહબૂબા, મેહબૂબા’ ગીત પર નાચતી જોવા મળી રહી છે. છત પર આગની જ્વાળાઓ જોઈને લોકો ગભરાઈ ગયા હતા અને ડાન્સરે તરત જ નાચવાનું બંધ કરી દીધું હતું.
પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળ્યું હતું કે નદીના બૅકવૉટરમાં આવેલી આ ક્લબના એન્ટ્રી અને એક્ઝિટ પૉઇન્ટ અત્યંત સાંકડા હોવાને કારણે ફાયર-બ્રિગેડ ક્લબ સુધી પહોંચી શકી નહોતી અને ૪૦૦ મીટર દૂર પાર્ક કરીને બચાવકામગીરી કરવી પડી હતી.
અધિકારીઓના જણાવ્યા મુજબ રાતે ૧૨.૦૪ વાગ્યે પોલીસ કન્ટ્રોલ-રૂમમાં આગની જાણકારી મળી હતી. એ પછી ગણતરીની મિનિટોમાં પોલીસ, ફાયર-બ્રિગેડ અને ઍમ્બ્યુલન્સ સ્થળ પર પહોંચી ગયાં હતાં. આ દુર્ઘટનામાં મોટા ભાગનાં મૃત્યુ ધુમાડા અને ગૂંગળામણને કારણે થયાં હતાં. ક્લબના મૅનેજરની ધરપકડ કરવામાં આવી છે અને ક્લબના માલિકો સામે અરેસ્ટ વૉરન્ટ બહાર પાડી દેવામાં આવ્યું છે. આગ લાગવાના કારણની તપાસ ચાલી રહી છે. જીવ ગુમાવનાર લોકોમાં ૪ ટૂરિસ્ટ અને ૧૪ સ્ટાફ-મેમ્બર હતા. ૭ મૃતદેહોની હજી ઓળખ નથી થઈ. ઘાયલ થયેલા છ લોકોની સારવાર ચાલી રહી છે.
ગોવાની રાજ્ય સરકાર આ દુર્ઘટના પછી તરત ઍક્શનમાં આવી હતી અને મુખ્ય પ્રધાન પ્રમોદ સાવંતે મૅજિસ્ટ્રેટ તપાસનો આદેશ આપ્યો હતો.
ક્લબ ગેરકાયદે ચાલતી હતી?
આગ કાબૂમાં આવ્યા પછી તરત જ સ્થળની મુલાકાત લેનારા મુખ્ય પ્રધાન પ્રમોદ સાવંતે જણાવ્યું હતું કે પ્રારંભિક માહિતી પરથી એવું જાણવા મળ્યું હતું કે આ ક્લબમાં ફાયર સેફ્ટીના નિયમોનું પાલન થયું નહોતું એટલે અમે ક્લબ-મૅનેજમેન્ટ અને સેફ્ટીનાં ધોરણો ન હોવા છતાં ક્લબને મંજૂરી આપનારા અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરીશું.
ડાન્સ-ફ્લોર પર બેલી ડાન્સનો પર્ફોર્મન્સ ચાલી રહ્યો હતો ત્યારે છત પરની આગ વિડિયોમાં કેદ થઈ, ‘આપને આગ લગી દી’ કહીને ફીમેલ ડાન્સરને વધાવનારા લોકો બીજી જ મિનિટે જીવ બચાવવા ભાગ્યા હતા.
બળીને ખાખ થઈ ગયેલી નાઇટ-ક્લબનો કાટમાળ.
આ નાઇટ-ક્લબ જ્યાં આવેલી છે એ અરપોરા-નાગોવા ગામના સરપંચે એવો દાવો કર્યો હતો કે ‘આ આખી ક્લબ જ ગેરકાયદે છે અને એને તોડી પાડવા માટે નોટિસ પણ આપવામાં આવી હતી, પણ ક્લબના માલિકો વગદાર હોવાથી કોઈ કાર્યવાહી થઈ નથી. બન્ને માલિકો વચ્ચે પણ ઝઘડો છે અને તેમણે એકબીજા સામે કેસ ફાઇલ કર્યા છે.’
શું કહે છે સાક્ષીઓ?
દુર્ઘટનાને નજરે જોનાર એક વ્યક્તિએ કહ્યું હતું કે ‘આગ લાગતાંની સાથે જ અંદર ભારે નાસભાગ મચી ગઈ હતી. ક્લબમાં એક વીક-એન્ડ પાર્ટી ચાલી રહી હતી. ધુમાડો અને આગની લપેટ દેખાતાંની સાથે જ લોકો ગભરાઈને નીચે દોડી ગયા હતા અને ગ્રાઉન્ડ ફ્લોર પર રસોડામાં પહોંચી ગયા. ત્યાં સ્ટાફ પણ હતો. એ બધા લોકો ત્યાં ફસાઈ ગયા હતા.’
નજરે જોનારા કેટલાક લોકોએ કહ્યું હતું કે ‘રાતે લગભગ ૧૧.૩૦ વાગ્યાની આસપાસ સ્ટેજ પર બેલી ડાન્સનો પર્ફોર્મન્સ ચાલી રહ્યો હતો ત્યારે ક્લબ-મૅનેજમેન્ટ દ્વારા ફટાકડા ફોડવામાં આવ્યા હતા. એ ફટાકડાના તણખા ડેકોરેશન માટે વપરાયેલા ફાઇબર અને ઘાસ જેવી સામગ્રીના સંપર્કમાં આવી ગયા હતા એટલે જોતજોતામાં છત સુધી ચિનગારીઓ અને ધુમાડો પહોંચી ગયો અને પછી આગ લાગી ગઈ.’
...તો ઘટના વધુ ભયાવહ હોત
એક સિક્યૉરિટી ગાર્ડે જણાવ્યું હતું કે ‘રાતે એક વાગ્યા પછી ક્લબમાં મોટું આયોજન હતું. ત્યાં સુધીમાં વધુ એક DJ અને બીજા ડાન્સર્સ પણ આવવાના હતા જેને કારણે ભીડ વધવાની હતી. એ પહેલાં આગ લાગી હતી. જો વધુ ભીડ હોત એવા સમયે આગ લાગી હોત તો વધારે ભયાવહ દૃશ્યો સર્જાત.’
વડા પ્રધાને વળતરની જાહેરાત કરી
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગોવામાં આગની દુર્ઘટના પર દુઃખ અને પીડિતોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. વડા પ્રધાને મૃત્યુ પામનારના પરિવાર માટે બે-બે લાખ અને ઘાયલો માટે ૫૦,૦૦૦ રૂપિયાના વળતરની જાહેરાત કરી હતી.
સિલિન્ડર-બ્લાસ્ટ કે બીજું કંઈ?
પોલીસે આ વિશે એવું નિવેદન આપ્યું હતું કે આ દુર્ઘટના સિલિન્ડર-બ્લાસ્ટના લીધે થઈ હતી, પણ એક અધિકારીએ કહ્યું હતું કે ઘાયલ લોકોના શરીર પર જે જખમ છે એ સિલિન્ડર-બ્લાસ્ટના નથી. જોકે તેમણે એવું પણ ઉમેર્યું હતું કે આગ ફેલાઈ ગયા પછી સિલિન્ડર-બ્લાસ્ટ થયો હોઈ શકે છે.