તામિલનાડુમાં મુખ્ય પ્રધાનના શપથગ્રહણમાં જન ગણ મન પહેલાં ગવાયું સંપૂર્ણ વંદે માતરમ્

11 May, 2026 07:40 AM IST  |  Tamil Nadu | Gujarati Mid-day Correspondent

તામિલનાડુમાં નવી સરકારના આગમન સાથે રાષ્ટ્રીય પ્રોટોકૉલના આ પાલને રાજકીય વર્તુળોમાં પણ ચર્ચા જગાવી છે. 

CM વિજય

તામિલનાડુના મુખ્ય પ્રધાન તરીકે વિજયના શપથગ્રહણ સમારોહમાં એક મહત્ત્વપૂર્ણ પ્રોટોકૉલ જોવા મળ્યો હતો. જવાહરલાલ નેહરુ સ્ટેડિયમ ખાતે આયોજિત આ સમારોહમાં રાષ્ટ્રીય ગીત વંદે માતરમ્ એનાં તમામ છ પદો (કડીઓ) સાથે સંપૂર્ણ ગાવામાં આવ્યું હતું. ત્યાર બાદ રાષ્ટ્રગીત ‘જન ગણ મન’ અને છેલ્લે રાજ્યગીત ‘તમિલ થાઈ વાઝથુ’ રજૂ કરવામાં આવ્યાં હતાં.  
નોંધનીય છે કે જાન્યુઆરી ૨૦૨૬માં કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી નવી માર્ગદર્શિકા મુજબ જ્યારે રાષ્ટ્રીય ગીત અને રાષ્ટ્રગીત બન્ને એકસાથે વગાડવાનાં હોય ત્યારે ‘વંદે માતરમ્’ પ્રથમ ગાવાનું રહેશે. આ ઉપરાંત અગાઉ માત્ર પ્રથમ બે પદ ગાવાની જે પરંપરા હતી એને બદલે હવે તમામ છ પદ ગાવાં ફરજિયાત કરવામાં આવ્યું છે. વિજયના શપથગ્રહણ સમારોહમાં આ નવા નિયમોનો ચુસ્ત અમલ થતો જોવા મળ્યો હતો.  

સૌપ્રથમ રાષ્ટ્રીય ગીતનાં તમામ છ પદ ગાવામાં આવ્યાં હતાં, જે અંદાજે ૩ મિનિટ ૧૦ સેકન્ડ સુધી ચાલ્યાં હતાં. ત્યાર બાદ દેશનું રાષ્ટ્રગીત ‘જન ગણ મન’ રજૂ કરવામાં આવ્યું હતું.  
તામિલનાડુની પરંપરા મુજબ અંતે રાજ્યગીત ‘તમિલ થાઈ વાઝથુ’ ગાવામાં આવ્યું હતું.  

આ સમારોહ દરમ્યાન હાજર રહેલા તમામ મહાનુભાવો અને જનમેદનીએ આ રાષ્ટ્રીય પ્રતીકોના સન્માનમાં ઊભા થઈને શિષ્ટાચાર જાળવ્યો હતો. તામિલનાડુમાં નવી સરકારના આગમન સાથે રાષ્ટ્રીય પ્રોટોકૉલના આ પાલને રાજકીય વર્તુળોમાં પણ ચર્ચા જગાવી છે. 

national news india tamil nadu vijay indian government political news indian politics