05 December, 2024 11:26 AM IST | Telangana | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
તેલંગણમાં ગઈ કાલે સવારે ૭.૨૭ વાગ્યે ધરતીકંપના આંચકા અનુભવાયા હતા અને રિક્ટર સ્કેલ પર એની તીવ્રતા ૫.૩ ડિગ્રી હતી. તેલંગણના મુલુગુ અને હૈદરાબાદમાં પણ આ ઝટકા અનુભવવામાં આવતાં લોકો ઘરની બહાર નીકળી ગયા હતા. નૅશનલ સેન્ટર ફૉર સીસ્મોલૉજીના જણાવ્યા મુજબ તેલંગણના મુલુગુ જિલ્લામાં ૫.૩ ડિગ્રીની તીવ્રતાનો ધરતીકંપ થયો હતો. લગભગ ત્રણ સેકન્ડ સુધી ધરતી હલતી હોય એવો અનુભવ લોકોને થયો હતો. હૈદરાબાદમાં એના હળવા ઝટકા અનુભવાયા હતા. કૃષ્ણા અને એલુરુ જિલ્લામાં પણ એની અસર જોવા મળી હતી. એનુ કેન્દ્ર જમીનથી ૪૦ કિલોમીટર નીચે હતું.
આ મુદ્દે કાઉન્સિલ ઑફ સાયન્ફિક ઍન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ-નૅશનલ જિયોફિઝિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (CSIR-NGRI)ના ડિરેક્ટર ડૉ. પ્રકાશ કુમારે જણાવ્યું હતું કે જેટલી તીવ્રતાનો ધરતીકંપ થયો છે એ રાજ્ય માટે વધારે છે, કારણ કે તેલંગણ સીસ્મિક ઝોન-2 માં આવે છે અને ત્યાં ધરતીકંપની શક્યતાઓ નહીંવત્ હોય છે. ધરતીકંપના ઝટકા મહારાષ્ટ્ર અને છત્તીસગઢમાં પણ અનુભવાયા હતા. જોકે ક્યાંયથી પણ જાનહાનિના સમાચાર મળ્યા નથી.