14 March, 2025 07:03 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
સ્ટારલિન્ક
સ્ટારલિન્કની એન્ટ્રી થતાં ગામડાં અને પહાડી વિસ્તારોમાં ઇન્ટરનેટ કનેક્ટિવિટીની સમસ્યા દૂર થશે તેમ જ સ્વાસ્થ્ય કેન્દ્રો, હૉસ્પિટલો, સ્કૂલો અને બિઝનેસ-હાઉસિસને ફાયદો થશે
ટેસ્લા કંપનીના માલિક ઈલૉન મસ્કની કંપની સ્પેસઍક્સે સ્ટારલિન્ક બનાવી છે જેની પાસે વિશ્વમાં સૌથી વધારે લો અર્થ ઑર્બિટમાં ઇન્ટરનેટ સર્વિસ પૂરી પાડતી સૅટેલાઇટ છે. આ લો અર્થ ઑર્બિટ પૃથ્વીની સપાટીથી ૫૫૦ કિલોમીટર ઉપર સુધી વિસ્તરેલું છે અને એમાં સ્ટારલિન્કની આશરે ૭૦૦૦ સૅટેલાઇટ્સ છે. આ સૅટેલાઇટ સસ્તા દરે હાઈ સ્પીડ બ્રૉડબૅન્ડ ઇન્ટરનેટ સર્વિસ પૂરી પાડે છે અને એના દ્વારા ઑનલાઇન ગેમિંગ, વિડિયો સ્ટ્રીમિંગ, વિડિયો કૉલ્સ આસાનીથી કરી શકાય છે. સ્ટારલિન્ક સૅટેલાઇટો ઇન્ટરનેટ સિગ્નલો સીધાં યુઝર્સનાં ગ્રાઉન્ડ ટર્મિનલો પર પૂરાં પાડે છે જે રાઉટર્સ દ્વારા યુઝર્સ સુધી પહોંચે છે. ભારતમાં સર્વિસ શરૂ કરવા માટે ઍરટેલ અને રિલાયન્સ જિયો એમ બે બ્રૉડબૅન્ડ ટેલિકૉમ સર્વિસ કંપનીઓએ કરાર કર્યા છે.
ગામડાં અને પહાડી વિસ્તારોને ફાયદો
ભારતનાં લાખો ગામડાં અને પહાડી ક્ષેત્રમાં આવેલા વિસ્તારોમાં ઇન્ટરનેટ કનેક્ટિવિટીની સમસ્યા છે. આ વિસ્તારોમાં ઇન્ટરનેટ સર્વિસ વ્યવસ્થિત ઉપલબ્ધ નથી, પણ સ્ટારલિન્કની એન્ટ્રી થતાં એને ફાયદો થશે. આ સિવાય બિઝનેસ હાઉસિસ, હૉસ્પિટલો, સ્વાસ્થ્ય કેન્દ્રો, શૈક્ષણિક સંસ્થાનો વગેરેને પણ ફાયદો થશે.