16 January, 2025 12:05 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
દિલ્હી વિધાનસભાની ચૂંટણી પહેલાં આમ આદમી પાર્ટી (AAP)ના કન્વીનર અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ અને ભૂતપૂર્વ ડેપ્યુટી મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાની મુશ્કેલી વધારે એવો નિર્ણય કેન્દ્રીય ગૃહ મંત્રાલયે લીધો છે. શરાબનીતિ સંબંધિત મની લૉન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ED)ને અરવિંદ કેજરીવાલ સામે કેસ ચલાવવા ગૃહ મંત્રાલયે મંજૂરી આપી દીધી છે. મનીષ સિસોદિયા સામે પણ તપાસ કરવા ગૃહ મંત્રાલયે મંજૂરી આપી છે.
આ પહેલાં દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વિજય કુમાર સક્સેનાએ પણ દિલ્હીના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન સામે કેસ ચલાવવા મંજૂરી આપી દીધી હતી. ગયા વર્ષે નવેમ્બરમાં સુપ્રીમ કોર્ટે પોતાના એક આદેશમાં કહ્યું હતું કે EDએ સરકારી કર્મચારીઓ પર કેસ ચલાવતાં પહેલાં પરવાનગી મેળવવી પડશે. કેજરીવાલે હાઈ કોર્ટમાં કરેલી અરજીમાં કહ્યું હતું કે તેમના અન્ય લોકો સામે EDનું આરોપપત્ર ગેરકાયદે છે, કારણ કે ફરિયાદ દાખલ કરતાં પહેલાં પૂર્વ પરવાનગી લેવામાં આવી નહોતી. ગૃહ મંત્રાલયે આ અવરોધ દૂર કરી દીધો છે.
૨૦૨૪ના ડિસેમ્બરમાં EDએ વિજય કુમાર સક્સેનાને પત્ર લખ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે અરવિંદ કેજરીવાલ શરાબનીતિ કૌભાંડના માસ્ટરમાઇન્ડ અને મુખ્ય ષડ્યંત્રકાર છે.
કેજરીવાલ અને મનીષ સિસોદિયાને શરાબનીતિ સંબંધિત મની લૉન્ડરિંગના કેસમાં પકડવામાં આવ્યા હતા અને હાલમાં તેઓ જામીન પર બહાર છે.