ચેન્નઈમાં ભારે પવનને કારણે લૅન્ડિંગ વખતે ડગમગી ફ્લાઇટ, પાઇલટની સતર્કતાથી ઍક્સિડન્ટ ટળી ગયો

02 December, 2024 08:31 AM IST  |  Chennai | Gujarati Mid-day Correspondent

ચેન્નઈ ઍરપોર્ટ પર ગઈ કાલે સવારે ૧૧ વાગ્યે ઇન્ડિગો ઍરલાઇન્સની મુંબઈ-ચેન્નઈ ફ્લાઇટ ઉતરાણ કરી રહી હતી ત્યારે એકાએક ભારે પવનને કારણે ડગમગવા લાગી હતી

ફ્લાઇટ લૅન્ડિંગનો વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે

ચેન્નઈ ઍરપોર્ટ પર ગઈ કાલે સવારે ૧૧ વાગ્યે ઇન્ડિગો ઍરલાઇન્સની મુંબઈ-ચેન્નઈ ફ્લાઇટ ઉતરાણ કરી રહી હતી ત્યારે એકાએક ભારે પવનને કારણે ડગમગવા લાગી હતી. જોકે પાઇલટે સતર્કતા દાખવીને ફ્લાઇટ ઉતારવાને બદલે ફરી ઉપર લઈ લેતાં એક મોટો અકસ્માત ટળી ગયો હતો.

ફ્લાઇટ લૅન્ડિંગનો વિડિયો પણ સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે જેમાં દેખાય છે કે ઍરપોર્ટના રનવેને ટચ-ડાઉન કરતી વખતે વિમાન હવામાં ડગમગી રહ્યું છે અને તેથી પાઇલટ સતર્કતા દાખવીને વિમાનને ઉતારવાને બદલે ફરી ઉપર લઈ જાય છે. સેકન્ડના સોમા ભાગમાં પાઇલટે લીધેલા આ ઝડપી નિર્ણયને પગલે વિમાન ફરી તેના કાબૂમાં આવી જાય છે અને ફરી હવામાં ઊડી જાય છે. આમ કરવાને ઍરલાઇનની ભાષામાં ગો-અરાઉન્ડ કહેવામાં આવે છે, જેમાં વિમાનને ઉતારવાને બદલે પાઇલટ ફરી હવામાં લઈ જાય છે.

ચક્રવાત ફેંગલને કારણે ચેન્નઈમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો હતો. ફેંગલ ચક્રવાતના લૅન્ડ-ફૉલ બાદ તામિલનાડુના અનેક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે અને તેથી જનજીવન અસ્તવ્યસ્ત છે.

chennai indigo cyclone Weather Update viral videos national news news social media tamil nadu