આપણે તૈયાર રહેવું પડશે : આરોગ્ય પ્રધાન

28 December, 2022 08:23 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

દેશભરની હૉસ્પિટલોમાં મૉક-ડ્રિલ થઈ, મનસુખ માંડવિયાએ દિલ્હીની સફદરજંગ હૉસ્પિટલમાં કોરોનાની મહામારી વિરુદ્ધના જંગમાં તૈયારીઓની સમીક્ષા કરી

નવી દિલ્હીમાં ગઈ કાલે દેશવ્યાપી મૉક-ડ્રિલ દરમ્યાન સફદરજંગ હૉસ્પિટલના આઇસોલેશન વૉર્ડનું ઇન્સ્પેક્શન કરી રહેલા કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયા.

કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ ગઈ કાલે દિલ્હીની સફદરજંગ હૉસ્પિટલમાં કોરોનાની મહામારી વિરુદ્ધની જંગમાં તૈયારીઓની સમીક્ષા કરી હતી. મીડિયા સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે ‘દુનિયાભરમાં કોરોનાની સ્થિતિ જોતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે આપણે અલર્ટ રહેવું પડશે.’ ચીનમાં કોરોનાના કેસના વિસ્ફોટોએ સમગ્ર દુનિયાનું ધ્યાન ખેંચ્યું છે ત્યારથી ભારત સરકાર ગયા અઠવાડિયાથી બૅક ટુ બૅક મીટિંગ કરીને સ્થિતિની સમીક્ષા કરી રહી છે.

આરોગ્યપ્રધાને વધુમાં કહ્યું હતું કે ‘આપણે તૈયાર રહેવું પડશે. આગામી દિવસોમાં વાઇરસ ન ફેલાય એ માટે સરકાર પગલાં લઈ રહી છે. જો જરૂર પડે તો કેસોમાં વધારાની સ્થિતિનો સામનો કરવા માટે હૉસ્પિટલો તૈયાર રહે એની પણ અમે ખાતરી કરી રહ્યા છીએ. દિલ્હીની સફદરજંગ હૉસ્પિટલ જે રીતે તૈયાર છે, અમે ઇચ્છીએ છીએ કે અન્ય હૉસ્પિટલો પણ તૈયાર રહે. કોવિડ પ્રોટોકોલનો બધી જ જગ્યાએ અમલ થાય એવી ખાતરી રાજ્યોના આરોગ્યપ્રધાનો રાખી રહ્યા છે.’

બૅન્ગલોરમાં ગઈ કાલે સી. વી. રમન સરકારી હૉસ્પિટલમાં મૉક-ડ્રિલ દરમ્યાન ઑક્સિજન સિલિન્ડર ચેક કરતી હેલ્થ વર્કર

કોરોનાના કેસ વધવાના જોખમને ધ્યાનમાં રાખીને તૈયારીઓની સમીક્ષા કરવા માટે ગઈ કાલે દેશભરની હૉસ્પિટલોમાં મૉક-ડ્રિલ થઈ હતી. ચીન અને અન્ય કેટલાક દેશોમાં કોરોનાના કેસમાં વધારાના કારણે કેન્દ્ર સરકારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આ મૉક-ડ્રિલ કરવા માટે જણાવ્યું હતું. આ મૉક-ડ્રિલમાં આઇસોલેશન બેડ્સ, ઑક્સિજનની સુવિધા ધરાવતા બેડ, આઇસીયુ બેડ અને વૅન્ટિલેટર્સની સુવિધા ધરાવતા બેડ, ડૉક્ટર્સ, નર્સિસ, પૅરામેડિકલ સ્ટાફ, આયુષ ડૉક્ટર્સ અને અન્ય ફ્રન્ટલાઇન વર્કર્સ કેટલી સંખ્યામાં ઉપલબ્ધ છે એ સહિત અનેક બાબતો પર ફોકસ કરવામાં આવ્યું હતું. આ મૉક ડ્રિલ એકંદરે સંતોષજનક રહી.

national news coronavirus covid19