28 March, 2023 11:19 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : મિડ-ડે ગુજરાતી)
ચીને ઇન્ડિયામાં રવિવારે યોજાયેલી G20ની એક સીક્રેટ મીટિંગમાં ભાગ નહોતો લીધો, કેમ કે આ મીટિંગ અરુણાચલ પ્રદેશની રાજધાની ઇટાનગરમાં યોજાઈ હતી. ચીન દાવો કરે છે કે અરુણાચલ પ્રદેશ તિબેટનો એક ભાગ છે. ભારતે ભૂતકાળમાં આવા દાવાને ફગાવી દીધા છે અને સ્પષ્ટ જણાવ્યું છે કે અરુણાચલ પ્રદેશ એ ભારતનો અવિભાજ્ય ભાગ છે.
આ મીટિંગમાં ૫૦થી વધુ પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. નોંધપાત્ર છે કે સપ્ટેમ્બરમાં દિલ્હીમાં યોજાનારી G20ની સમિટ પહેલાં ૫૦ મુખ્ય શહેરોમાં જુદા-જુદા કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, જેના ભાગરૂપે જ આ મીટિંગ યોજાઈ હતી. ભારત અત્યારે G20 ગ્રુપનું અધ્યક્ષપદ સંભાળી રહ્યું છે. વાસ્તવમાં અરુણાચલ પ્રદેશ અને શ્રીનગરમાં G20ની મીટિંગના આયોજન દ્વારા ભારતે ચીન અને પાકિસ્તાનને જોરદાર જવાબ આપ્યો છે.
હજી સુધી એ સ્પષ્ટ નથી કે ચીને આ મીટિંગને લઈને ભારત પ્રત્યે ઑફિશ્યલી વિરોધ નોંધાવ્યો છે કે નહીં. ભારતના વિદેશ મંત્રાલય કે ચીને એના વિશે કોઈ કમેન્ટ કરી નથી. આ વીક-એન્ડ મીટિંગને સીક્રેટ જાહેર કરવામાં આવી હતી અને મીડિયાને કવરેજ કરવા માટે પરમિશન નહોતી.
સાયન્સ અને ટેક્નૉલૉજી ડિપાર્ટમેન્ટ દ્વારા ‘રિસર્ચ ઇનોવેશન ઇનિશ્યેટિવ, ગેધરિંગ’ થીમ પર આ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.
શ્રીનગર બેઠકનો વિરોધ
ભારત મે મહિનામાં જમ્મુ-કાશ્મીરમાં પણ G20 મીટિંગ યોજશે. આ મીટિંગની થીમ સાંસ્કૃતિક બાબતો અને જુદી-જુદી સંસ્કૃતિના એક્સચેન્જ છે. હવે આ બેઠકને લઈને પણ પાકિસ્તાન અને ચીને અત્યારથી વિરોધ કરવાનું શરૂ કર્યું છે. શ્રીનગરમાં યોજાનારી મીટિંગનો વિરોધ કરવા માટે પાકિસ્તાન અને ચીન ટર્કી અને સાઉદી અરેબિયાનો પણ સાથ મેળવવા માટે પ્રયાસ કરી રહ્યા છે.