04 October, 2025 09:32 AM IST | Punjab | Gujarati Mid-day Correspondent
ગયા અઠવાડિયે ચંડીગઢની શાહપુર કૉલોનીમાં છેલ્લી ઝૂંપડપટ્ટીને ખાલી કરવામાં આવી હતી.
પંજાબ અને હરિયાણાની સંયુક્ત રાજધાની ચંડીગઢ હવે દેશનું પહેલું શહેર બન્યું છે જ્યાં ઝુગ્ગી અને ઝૂંપડીઓનું અસ્તિત્વ જ નથી રહ્યું. દોઢ દાયકા પહેલાં આ શહેરમાંથી ઝૂંપડીઓ દૂર કરવાનું કૅમ્પેન શરૂ કરવામાં આવ્યું હતું. ગયા અઠવાડિયે ચંડીગઢની શાહપુર કૉલોનીમાં કાર્યવાહી કરીને લગભગ સાડાચાર એકર વિસ્તારમાંથી ગેરકાનૂની કબજો હટાવવામાં આવ્યો હતો. આ જમીનનું અનુમાનિત મૂલ્ય ૨૫૦ કરોડ રૂપિયા જેટલું ગણાય છે. અત્યાર સુધીમાં શહેરમાંથી કુલ ૫૨૦ એકરનો વિસ્તાર ઝૂંપડીઓથી મુક્ત કરવામાં આવ્યો છે. આ જમીનની કિંમત ૨૫૦૦ કરોડ રૂપિયા જેટલી છે. મંગળવારે છેલ્લે શાહપુર કૉલોનીમાં અંતિમ બુઝડોઝર ચાલ્યું હતું અને ૩૦૦થી વધુ ઝૂંપડીઓ દૂર કરવામાં આવી હતી. એ પછી મંગળવાર ચંડીગઢને સ્લમ-ફ્રી જાહેર કરવામાં આવ્યું હતું.
શહેરને સ્લમમુક્ત કરવાનો સંકલ્પ ૨૦૧૦માં લેવામાં આવ્યો હતો. સ્લમ પુનર્વસન યોજના અંતર્ગત ચંડીગઢ હાઉસિંગ બોર્ડે ૧૭,૬૯૬ નાના ફ્લૅટ બનાવીને પાત્ર પરિવારોને એ ઉપલબ્ધ કરાવ્યા હતા. જોકે આ પ્રક્રિયામાં હાઈ કોર્ટમાં કેટલાક કેસ લાંબા સમયથી ચાલી રહ્યા હોવાથી ૧૫ વર્ષ જેટલો સમય લાગ્યો હતો.
હવે ફરી સ્લમ અને અતિક્રમણ ન થાય એ માટે કમિટી
સ્લમ હટાવવાનું કામ વર્ષો ખેંચી કાઢે છે, પણ ધીમે-ધીમે ફરીથી એ ક્યારે ઊભી થઈ જાય છે એની ખબર નથી પડતી. જોકે ચંડીગઢના ડેપ્યુટી કમિશનર નિશાંતકુમાર યાદવે આદેશ આપ્યો છે કે ‘હવે ફરીથી કોઈ પણ પ્રકારનું અતિક્રમણ ન થાય એ માટે ૧૨ અધિકારીઓની ટીમ તૈયાર કરવામાં આવે. દરેક અધિકારીએ ૧૫ દિવસમાં સંકલ્પપત્ર આપવાનો રહેશે કે તેમના ક્ષેત્રમાં કોઈ નવી ઝૂંપડી કે ગેરકાનૂની અતિક્રમણ નથી.’