29 August, 2023 06:28 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
મોંઘવારીના નામના રોદણાં રડી રહેલા લોકોને કેન્દ્ર સરકાર દ્વારા રાહત આપવામાં આવી છે. મળતી માહિતી મુજબ સરકારે ઘરગથ્થુ રાંધણ ગૅસ સિલિન્ડર (એલપીજી)ની કિંમતમાં 200 રૂપિયા સુધીનો ઘટાડો કર્યો છે. સરકારે ઘરગથ્થું રસોઈ ગૅસ સિલિન્ડર પર 200 રૂપિયાની સબસિડી આપવાની (Central Government announced a subsidy of Rs 200 on household LPG Gas) જાહેરાત કરી છે. આ સબસિડી ઉજ્જવલા યોજના હેઠળ આવતા લાભાર્થીઓને આપવામાં આવશે.
પહેલી ઓગસ્ટના રોજ પેટ્રોલિયમ કંપનીઓએ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં 100 રૂપિયાનો ઘટાડો કર્યો હતો. ઓગસ્ટની પહેલી તારીખે રાજધાની દિલ્હીમાં ઘરગથ્થું એલપીજી સિલિન્ડરની કિંમત 1103 રૂપિયા હતી. તે જ સમયે એલપીજી સિલિન્ડરની કિંમત મુંબઈમાં 1102.50 રૂપિયા તો કોલકાતામાં 1129 રૂપિયા હતી. તો ચેન્નાઈમાં તેની કિંમત 1118.50 રૂપિયા હતી. આમ પેટ્રોલિયમ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે એલપીજીના ભાવમાં ફેરફાર કરતી હોય છે.
સરકાર દ્વારા લેવામાં આવેલા નિર્ણય અનુસાર ઉજ્જવલા યોજના હેઠળ આવતાં એલપીજી સિલિન્ડરની કિંમતમાં 200 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)ની અધ્યક્ષતામાં આજે મળેલી કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
કેન્દ્ર સરકારે ગયા વર્ષે જ સ્પષ્ટ કર્યું હતું કે ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને જ રાંધણ ગૅસ પર સબસિડીનો લાભ મળશે. અન્ય કોઈને રાંધણ ગૅસ સિલિન્ડર પર સબસિડી આપવામાં આવશે નહીં. ઉલ્લેખનીય છે કે ઉજ્જવલા યોજના હેઠળ સરકાર પહેલાથી જ 200 રૂપિયાની સબસિડી આપતી હતી. હવે તેને 200 રૂપિયાની વધારાની સબસિડી મળશે.
જો કે, આ સબસિડી મેળવવા માટે વ્યક્તિએ પોતાનો આધાર નંબર LPG કનેક્શન સાથે લિંક કરવાનો રહેશે. સબસિડી મેળવવા માટે આધાર નંબર ગૅસ કનેક્શન સાથે લિંક હોવો જરૂરી છે.
14.2 કિલોના એલપીજી સિલિન્ડર પર 200 રૂપિયાની સબસિડી મળે છે. માર્ચ 2023 સુધીના સરકારી ડેટા અનુસાર સરકારે ઉજ્જવલા યોજના હેઠળ 9 કરોડથી વધુ મફત રસોઈ ગૅસ કનેક્શન્સનું વિતરણ કર્યું હતું.
પેટ્રોલિયમ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે 14.2 કિલોના ઘરગથ્થું અને 19 કિલોના કોમર્શિયલ ગૅસ સિલિન્ડરની કિંમતો નક્કી કરતી હોય છે. દેશમાં 14.2 કિલોના ઘરગથ્થું એલપીજી સિલિન્ડરની કિંમતમાં છેલ્લો ફેરફાર 1 માર્ચ, 2023ના રોજ કરવામાં આવ્યો હતો. હાલમાં કુલ 9.58 કરોડથી વધુ લોકો પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થી છે. હવે પીએમ ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને 400 રૂપિયા ઓછા થતાં કુલ રૂ.703 જ ચૂકવવા પડશે.
પીએમની અધ્યક્ષતામાં યોજાયેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ચંદ્રયાન-3 (Chandrayaan 3)ની સફળતા વિશે પણ વાત કરવામાં આવી હતી. આ સફળતા ભારતની પ્રગતિની પ્રગતિ છે. એમ પણ કહેવામાં આવ્યું હતું. કેન્દ્રીય મંત્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, “હવે 23 ઓગસ્ટને રાષ્ટ્રીય અવકાશ દિવસ તરીકે ઉજવવામાં આવશે. ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરનાર ભારત પહેલો દેશ છે.”