31 December, 2024 01:04 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
રાહુલ ગાંધી
ભૂતપૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહના નિધન બાદ સાત દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરવામાં આવી છે એવા સમયે કૉન્ગ્રેસના નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી નવું વર્ષ મનાવવા માટે વિયેટનામ જતા રહ્યા છે એવો આરોપ ભારતીય જનતા પાર્ટી (BJP)એ લગાવ્યો છે. ડૉ. મનમોહન સિંહના નિધનને પગલે ૨૬ ડિસેમ્બરથી સાત દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરવામાં આવી છે અને દેશભરમાં રાષ્ટ્રધ્વજ પણ અડધી કાઠીએ ફરકાવવામાં આવે છે.
રાહુલ ગાંધીની વિદેશ યાત્રાના મુદ્દે રાજકીય મધપૂડો છંછેડતાં BJPના ઇન્ફર્મેશન ટૅકનોલૉજી સેલના વડા અમિત માલવિયાએ કહ્યું હતું કે દેશમાં લોકો ડૉ. મનમોહન સિંહના નિધનનો શોક મનાવી રહ્યા છે ત્યારે રાહુલ ગાંધી નવું વર્ષ મનાવવા વિયેટનામ જતા રહ્યા છે.
યમુના નદીમાં ડૉ. મનમોહન સિંહની અસ્થિઓનું વિસર્જન કરવામાં આવ્યું ત્યારે પણ કૉન્ગ્રેસ પાર્ટી કે ગાંધી પરિવારનું કોઈ આવ્યું નહોતું એવો આરોપ શનિવારે BJPએ લગાવ્યો હતો. આ સિવાય ડૉ. મનમોહન સિંહના સ્મારક બનાવવા વિશે પણ કૉન્ગ્રેસ અને BJP વચ્ચે જોરદાર વિવાદ ચાલી રહ્યો છે.
BJPના પ્રવક્તા શેહઝાદ પૂનાવાલાએ કહ્યું હતું કે ‘કૉન્ગ્રેસને ડૉ. મનમોહન સિંહના નિધનની કોઈ પરવા નથી. એણે તેમના જીવનકાળમાં પણ તેમનું અપમાન કર્યું હતું અને હવે પણ કરી રહ્યા છે. શનિવારે તેમની અસ્થિઓ લેવા કોઈ પણ આવ્યું નહીં. કૉન્ગ્રેસે ડૉ. મનમોહન સિંહને ભારતરત્ન આપવાનો પણ ઇનકાર કરી દીધો હતો. આ એનો અસલી ચહેરો છે.’
જોકે આ મુદ્દે કૉન્ગ્રેસ પાર્ટીએ કહ્યું હતું કે પાર્ટીના નેતાઓ અસ્થિ-વિસર્જન વખતે પરિવાર સાથે ગયા નહોતા, કારણ કે તેઓ શોકમાં ડૂબેલા પરિવારને પ્રાઇવસી આપવા માગતા હતા.