✕

ભારતમાં બ્રાહ્મણથી લઈને દલિત સુધી તમામ જાતિઓના પૂર્વજો એક જ?

22 October, 2026 09:01 AM IST  |  Banaras | Gujarati Mid-day Correspondent

બનારસ હિન્દુ યુનિવર્સિટીના પ્રોફેસર જ્ઞાનેશ્વર ચૌબેના નેતૃત્વમાં ૧૦ વર્ષ સુધી ચાલેલા અભ્યાસમાં થયો આ ખુલાસો, આર્ય અને દ્રવિડ થિયરીને સંપૂર્ણપણે ભ્રામક ગણાવવામાં આવી

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

ભારતમાં જાતિવ્યવસ્થા અને આર્ય દ્રવિડ સિદ્ધાંત વિશે બનારસ હિન્દુ યુનિવર્સિટી (BHU)ના પ્રોફેસર જ્ઞાનેશ્વર ચૌબેના નેતૃત્વમાં થયેલા એક ઐતિહાસિક રિસર્ચમાં મહત્ત્વનો ખુલાસો થયો છે. પ્રોફેસર ચૌબેએ જણાવ્યું કે ભારતીય સમાજ ભલે આજે વિવિધ જાતિઓમાં વહેંચાયેલો હોય, પરંતુ તમામ લોકોના પૂર્વજો એક જ છે. 

તાજેતરમાં જ ઉત્તર-પૂર્વ ભારતના લોકો પર તેમનું આ નવું રિસર્ચ પ્રકાશિત થયું છે જેને લઈને દેશભરમાં ચર્ચા તેજ બની છે. તેમના જણાવ્યા મુજબ વાય (Y) ક્રોમોઝોમના આધારે પિતૃત્વ નક્કી થાય છે, કારણ કે પિતાના જીન માત્ર તેના દ્વારા જ આવે છે. છેલ્લાં ૧૦ વર્ષથી ચાલી રહેલા આ અભ્યાસમાં જોવા મળ્યું કે બ્રાહ્મણ, ક્ષત્રિય, દલિત અને આદિવાસી સમુદાયના પૂર્વજો સમાન જ હતા. 

એક આદિવાસી અને ક્ષત્રિય વચ્ચે સમાન પૂર્વજનો આ સંબંધ આશરે ૧૫૦૦ વર્ષ જૂનો જોવા મળ્યો છે. આ ઉપરાંત ગુજરાતના પટેલ સમુદાય સાથે પણ આવો સીધો સંબંધ સાબિત થયો છે. આ નવા રિસર્ચ મુજબ આર્ય અને દ્રવિડ નામની થિયરી સંપૂર્ણપણે ભ્રામક છે. 

હાર્વર્ડ યુનિવર્સિટી દ્વારા પ્રચારિત એન્સેસ્ટ્રલ નૉર્થ ઇન્ડિયન (ANI) અને એન્સેસ્ટ્રલ સાઉથ ઇન્ડિયન (ASI) થિયરી ભારતમાં ક્યારેય અસ્તિત્વમાં નહોતી. ભારતમાં જાતિવ્યવસ્થા કોઈએ બહારથી થોપી નથી, પરંતુ એ સ્થાનિક સ્તર પર જ વિકસિત થઈ હતી. જે લોકોએ સામાજિક અને આર્થિક તાકાત મેળવી લીધી તેમણે પોતાની જાતિ નક્કી કરી લીધી જ્યારે અન્ય તમામ લોકો પછાત રહી ગયા હતા. 

national news india hinduism Education