✕

બિહારના MLA અનંત સિંહની પુત્રીના લગ્નમાં હૉર્સ રેસ જોવા આવેલા એક વૃદ્ધનું મૃત્યુ

26 November, 2026 06:29 PM IST  |  Patna | Gujarati Mid-day Online Correspondent

અહેવાલો અનુસાર, બુધવારે સાંજે લગભગ ૬:૦૦ વાગ્યે ભીડની વચ્ચે આ વૃદ્ધ વ્યક્તિ બેભાન હાલતમાં મળી આવી હતી. પોલીસ તેમને મોટરસાઈકલ પર સબ-ડિવિઝનલ હૉસ્પિટલ લઈ ગઈ હતી, પરંતુ તપાસ અને સારવારના પ્રયાસો બાદ તબીબોએ તેમને મૃત જાહેર કર્યા.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

બિહારના મોકામાના ધારાસભ્ય અનંત સિંહની પુત્રી શિવાંગીના લગ્ન પ્રસંગે આયોજિત એક કાર્યક્રમ દરમિયાન ૬૫ વર્ષીય વૃદ્ધનું મૃત્યુ થયું હતું. લગ્ન ઉત્સવમાં ઘોડેસવારી અને ઘોડાની રેસનું આયોજન કરવામાં આવ્યું હતું, જેને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. આ ભીડ વચ્ચે એક વૃદ્ધ વ્યક્તિ બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા. તેમને તાત્કાલિક હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા, જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા. શિવાંગીના લગ્ન ૨૫ નવેમ્બરે યોજાયા હતા. લગ્નનો ઉત્સવ આખી રાત શરૂ રહ્યો અને બુધવાર સવાર સુધીમાં મહેમાનો પોતાના ઘરે પરત ફરવા લાગ્યા હતા. આ પ્રસંગે ઘોડેસવારી અને હૉર્સ રેસ સહિતના અનેક કાર્યક્રમો યોજાયા હતા, જેમાં દેશભરમાંથી લોકોએ ભાગ લીધો હતો.

ભીડમાં બેભાન હાલતમાં મળી આવી વૃદ્ધ વ્યક્તિ

અહેવાલો અનુસાર, બુધવારે સાંજે લગભગ ૬:૦૦ વાગ્યે ભીડની વચ્ચે આ વૃદ્ધ વ્યક્તિ બેભાન હાલતમાં મળી આવી હતી. પોલીસ તેમને મોટરસાઈકલ પર સબ-ડિવિઝનલ હૉસ્પિટલ લઈ ગઈ હતી, પરંતુ તપાસ અને સારવારના પ્રયાસો બાદ તબીબોએ તેમને મૃત જાહેર કર્યા. આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં જોઈ શકાય છે કે વ્હીલચૅર પર બેઠેલા તે વ્યક્તિની તપાસ કરવામાં આવી રહી છે અને નજીકમાં પોલીસકર્મીઓ પણ હાજર છે. મીડિયા અહેવાલો મુજબ, તે વ્યક્તિના ખિસ્સામાંથી ૨,૧૨૦ રૂપિયા મળી આવ્યા હતા; જોકે, તેમની પાસેથી ઓળખને લગતા કોઈ દસ્તાવેજો કે મોબાઈલ ફોન મળ્યા નથી. પોલીસ હાલમાં તેમની ઓળખ કરવા, તેઓ ક્યાંના છે તે જાણવા અને તેમની સાથે અન્ય કોઈ વ્યક્તિ હતી કે કેમ, તે અંગે તપાસ કરી રહી છે.

લોકો મોબાઈલ ટાવર અને ઝાડ પર ચઢી ગયા

હૉર્સ રેસનું આયોજન લડમા ગામમાં કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સમગ્ર જિલ્લામાંથી એટલી મોટી ભીડ એકઠી થઈ હતી કે કેટલાક લોકો મોબાઈલ ટાવર પર ચઢી ગયા હતા, જ્યારે અન્ય લોકો ઝાડની ડાળીઓ પર બેસીને સ્પર્ધા જોઈ રહ્યા હતા. ટાવર અને ઝાડ પર બેઠેલા લોકોને જોઈને અનંત સિંહે માઇક્રોફોન દ્વારા તેમને નીચે ઉતરી આવવાની અપીલ કરી હતી. જોકે, લોકોએ તેમની વાત માની નહીં.

હૉર્સ રેસ રદ કરવામાં આવી

અનંત સિંહ પણ સ્પર્ધા જોવા માટે સ્થળ પર પહોંચ્યા હતા. ભારે ભીડને કારણે હૉર્સ રેસ રદ કરવામાં આવી હતી. હવે આ સ્પર્ધાનો અંતિમ રાઉન્ડ બુધવારે યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે. વૃદ્ધ વ્યક્તિના મૃત્યુ બાદ, પોલીસ તેમની ઓળખ અને ઘટનાના સંજોગો અંગે તપાસ કરી રહી છે.

bharatiya janata party bihar viral videos social media national news patna celebrity wedding