કિલ્લાના દરવાજા પર ૩ બાળકો સાથે મમ્મીએ કેક કાપી, પછી કિલ્લા પર ચડીને બાળકો સાથે ઝંપલાવી દીધું

05 September, 2026 11:52 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નળદુર્ગ કિલ્લાના ગઢ પરથી આત્મહત્યા કરનારી નૅશનલ કુસ્તીબાજ મહિલા અને તેનાં બે બાળકોનાં મૃત્યુ, એક દીકરી બચી ગઈ, મહારાષ્ટ્રના ધારાશિવ જિલ્લામાં આવેલા પ્રખ્યાત નળદુર્ગ કિલ્લાના ગઢ પરથી ગુરુવારે ૩૦ વર્ષની અશ્વિની પોળે તેનાં ૩ બાળકો સાથે ઝંપલાવ્યું હતું.

૩ બાળકો સાથે કિલ્લાની ટોચ પરથી ઝંપલાવનારી અશ્વિની પોળ. નળદુર્ગ કિલ્લાનો ઉપલી ગઢ જ્યાંથી મહિલાએ બાળકો સાથે આત્મહત્યા કરી હતી.

મહારાષ્ટ્રના ધારાશિવ જિલ્લામાં આવેલા પ્રખ્યાત નળદુર્ગ કિલ્લાના ગઢ પરથી ગુરુવારે ૩૦ વર્ષની અશ્વિની પોળે તેનાં ૩ બાળકો સાથે ઝંપલાવ્યું હતું. ગઢની સૌથી ઊંચી ટોચ પર જઈને બાળકો સાથે ઝંપલાવનાર આ મહિલા નૅશનલ ગેમ્સમાં કુસ્તી રમી ચૂકી છે અને રાજ્યની સિક્યૉરિટી ફોર્સની ભૂતપૂર્વ કર્મચારી છે. બાળકો સાથે બર્થ-ડેની ઉજવણી કર્યા બાદ આ અંતિમ પગલું ભરવા પાછળનું કારણ હજી સુધી સામે આવ્યું નથી. 

પોલીસના જણાવ્યા અનુસાર માતા-પિતા સાથે રહેતી અશ્વિની પોળે તેના સાડાપાંચ વર્ષના પુત્ર અજિંક્ય અને અઢી વર્ષની જોડિયા પુત્રીઓ વીરા અને ક્રાન્તિ સાથે કિલ્લાની મુલાકાત લીધી હતી. કિલ્લાની અંદર કેક લઈ જવાની મનાઈ હોવાથી તેમણે કિલ્લાના ગેટ પર જ બાળકો સાથે કેક કાપી હતી અને ખાધી હતી. અશ્વિનીએ બાળકોને ચૉકલેટ પણ ખાવા આપી હતી. એ પછી તેઓ કિલ્લાના સૌથી ઊંચા પૉઇન્ટ ઉપલી ગઢ પર ગયા હતા. અશ્વિનીએ ત્યાર બાદ બાળકો સાથે નીચે ઝંપલાવી દીધું હતું. અશ્વિની અને અજિંક્યનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું, જ્યારે વીરા અને ક્રાન્તિને ઈજાઓ સાથે ધારાશિવ સિવિલ હૉસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જોકે ક્રાન્તિનું પણ સારવાર દરમ્યાન મૃત્યુ થયું. 

૧૦૫ એકરમાં ફેલાયેલા નળદુર્ગ કિલ્લામાં ૧૦૦થી વધુ પૉઇન્ટ છે. ઉપલી ગઢ લગભગ ૮૦ ફુટ ઊંચો છે. અશ્વિની અગાઉ મહારાષ્ટ્ર સિક્યૉરિટી ફોર્સમાં જોડાઈ હતી, પરંતુ ચાર-પાંચ મહિના પહેલાં રાજીનામું આપી દીધું હતું. નળદુર્ગ પોલીસ-સ્ટેશનમાં ઍક્સિડેન્ટલ ડેથ રિપોર્ટ (ADR) નોંધવામાં આવ્યો હતો. અશ્વિની અને તેનાં બે બાળકોના અંતિમ સંસ્કાર બાદ ઘટના પાછળનું ચોક્કસ કારણ તપાસવામાં આવશે એમ પોલીસે જણાવ્યું હતું. 

૧૧ નૅશનલ અવૉર્ડ જીતનારી મારી દીકરીને તેનો પતિ અને સાસરિયાં બહુ જ ટૉર્ચર કરતાં હતાંઃ પિતા
બાળકો સાથે કિલ્લા પરથી ઝંપલાવનારી અશ્વિની પોળના પિતાએ આક્ષેપ કરતાં કહ્યું હતું કે `તેનો પતિ અને સાસરિયાં તેને બહુ જ ત્રાસ આપતાં હતાં. અશ્વિની કુસ્તીમાં એક્સપર્ટ હતી અને તેણે નૅશનલ લેવલ પર ૧૧ મેડલ જીત્યા હતા જેમાં પાંચ ગોલ્ડ મેડલ અને ૬ સિલ્વર મેડલ હતા. તે પોતાની કાબેલિયત પર પોલીસમાં ભરતી થઈ હતી પણ તેનો પતિ તેને સખત ત્રાસ આપતો હતો. તેનો પગાર પણ લઈ લેતો હતો અને અમારી પાસેથી પૈસા લઈ આવવા સખત દબાણ કરતો હતો. તેણે તેની નોકરી પણ છોડાવી દીધી હતી. તારા પિયરથી સોનું લઈ આવ, પૈસા લઈ આવ જેવી સતત માગણી કરતો રહેતો. વળી ઘરમાં પણ નાની-નાની વાતે ઝઘડતો રહેતો હતો. એ પોતે મટન ખાતો અને મારી છોકરીને વધેલું ખાવા આપતો. એનાં સાસુ-સસરા પણ તેને ત્રાસ આપતાં હતાં. એથી હવે તેમની સામે પોલીસ-ફરિયાદ કરી છે.`

mumbai news mumbai maharashtra maharashtra news suicide accident