આજથી નાગપુરમાં વિધાનસભાનું વિન્ટર સેશન

08 December, 2025 08:33 AM IST  |  Nagpur | Gujarati Mid-day Correspondent

લીડર આૅફ આૅપોઝિશનની નિયુક્તિની માગણી સાથે વિરોધ પક્ષો આક્રમક

ફાઇલ તસવીર

આજથી નાગપુરમાં વિધાનસભાનું વિન્ટર સેશન ચાલુ થઈ રહ્યું છે. એ પહેલાં વિધાનસભા અને વિધાનપરિષદમાં વિરોધ પક્ષના નેતાની નિમણુંક ન કરાતી હોવાનો મુદ્દો ઉછળ્યો હતો. આ મુદ્દે વિરોધ પક્ષોએ નારાજગી વ્યક્ત કરી હતી. વિધાનસભાનાં સત્રોમાં પણ આ મુદ્દે આક્રમક રહેવાના અણસાર વિરોધ પક્ષના આગેવાનોએ આપ્યા હતા. સત્ર શરૂ થતાં પહેલાં તમામ વિધાનસભ્યો માટે યોજાતી ઔપચારિક ટી-પાર્ટીનો મહા વિકાસ આઘાડીના નેતાઓએ બહિષ્કાર કર્યો હતો.

વિધાનપરિષદના સભાપતિ રામ શિંદેએ કહ્યું હતું કે ‘વિરોધ પક્ષના નેતાની નિમણૂક કરવા માટેનો પ્રસ્તાવ મળ્યો છે. આ પ્રસ્તાવ પર યોગ્ય સમયે નિર્ણય લેવાશે. દેશ આઝાદ થયો ત્યારે ૧૯૪૭માં જે પ્રથાઓ ચાલતી હતી એ અત્યારે પણ ચાલુ રહેવી જ જોઈએ એ જરૂરી નથી. આ મુદ્દે નિર્ણય લેવાનો અધ્યક્ષનો અધિકાર છે એ ખરું પણ સમયના પ્રવાહમાં કેટલાક ફેરફાર થતા હોય છે.’
આ તરફ શિવસેના (UBT)ના વડા ઉદ્ધવ ઠાકરેએ પણ ગઈ કાલે આ મુદ્દો છેડ્યો હતો અને કહ્યું હતું કે ‘જો સરકાર બન્યાના આટલા સમય પછી પણ વિધાનસભા કે વિધાન પરિષદમાં વિરોધ પક્ષના નેતાની વરણી ન થઈ શકતી હોય તો બન્ને ડેપ્યુટી ચીફ મિનિસ્ટરે રાજીનામું આપી દેવું જોઈએ.’

ઇન્ડિગોની અરાજકતા વચ્ચે વિધાનસભ્યો નાગપુર પહોંચવા બાય રોડ રવાના થયા
ઇન્ડિગો ઍરલાઇનને કારણે દેશભરમાં ખોરવાઈ ગયેલા ઍર ટ્રાફિક શેડ્યુલનો ફટકો મહારાષ્ટ્રના પ્રધાનો અને વિધાનસભ્યોને પડ્યો હતો. આજથી નાગપુરમાં વિધાનસભાના શિયાળુ સત્રનો આરંભ થઈ રહ્યો છે ત્યારે એમાં હાજરી આપવા વિધાનસભ્યોને પણ પ્લેનની ટિકિટો નહોતી મળી. અનેક મેમ્બર ઑફ લેજિસ્લેટિવ એસેમ્બલી (MLA) બાય રોડ મુંબઈથી સમૃદ્ધિ માર્ગ પર પ્રવાસ કરીને નાગપુર પહોંચી રહ્યા હતા. પુણે અને રાજ્યના અન્ય મતદારસંઘોમાંથી પણ વિધાનસભ્યો બાય રોડ નાગપુર માટે રવાના થયા હતા.

નાગપુરમાં પ્રદર્શનકારીઓ ફૉર્મમાં
૩૩ મોરચા, ૨૦ ભૂખહડતાળ અને ૧૬ ધરણાં માટે પરવાનગી
વિધાનસભાના સત્રને લઈને નાગપુરમાં ચુસ્ત પોલીસ-બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. વિન્ટર સેશન વખતે પોતાની માગણીઓની રજૂઆત કરવા વિવિધ સંસ્થાઓ દ્વારા મોરચા અને ધરણાંનું આયોજન કરવામાં આવ્યું છે. નાગપુર પોલીસે ૩૩ મોરચા માટે પરવાનગી આપી છે, જ્યારે ૨૦ સામાજિક સંસ્થાઓએ ભૂખહડતાળ અને ૧૬ સંગઠનોએ ધરણાંની પરવાનગી લીધી છે. આ અધિવેશન પછી ગમે ત્યારે મહારાષ્ટ્રમાં બાકી રહેલી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીની જાહેરાત થઈ શકે છે અને આચારસંહિતા લાગુ પડી શકે છે એટલે માગણીની રજૂઆત કરવા અનેક સંસ્થાઓ દ્વારા આ મોકો ઝડપી લેવાયો છે. 

mumbai news mumbai nagpur maharashtra news maharashtra government maharashtra political news