11 October, 2024 10:37 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શાંતનુ નાયડુ
રતન તાતાના સૌથી વિશ્વાસપાત્ર અને ૩૦ વર્ષના સૌથી યુવા અસિસ્ટન્ટ શાંતનુ નાયડુએ ગઈ કાલે સવારે એક પોસ્ટ શૅર કરી હતી જેમાં તેણે શોક વ્યક્ત કરતાં લખ્યું હતું કે ‘અલવિદા, મેરે પ્યારે લાઇટહાઉસ. આ વિદાયથી મારી અંદર જે ખાલીપણું પેદા થયું છે એ ભરવા માટે હું આખી જિંદગી પ્રયાસ કરીશ. પ્રેમ માટે દુઃખની કિંમત ચૂકવવી પડે છે.’
કોણ છે શાંતનુ નાયડુ?
૩૦ વર્ષના શાંતનુ નાયડુએ રતન તાતાના જન્મદિવસની ઉજવણીનો વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ કર્યો હતો. એ પછી રતન તાતાએ શાંતનુ નાયડુને પોતાનો વિશ્વાસુ બનાવી દીધો હતો અને તેને પુત્ર સમાન માનવા લાગ્યા હતા. બે વર્ષ પહેલાં મે મહિનામાં શાંતનુ નાયડુએ રતન તાતા સાથે કામ કરવાનું શરૂ કર્યું હતું અને શાંતનુ રતન તાતાની નજીકની વ્યક્તિઓમાં સામેલ થઈ ગયો હતો. પુણેમાં જન્મેલા શાંતનુ નાયડુએ સાવિત્રીબાઈ ફુલે પુણે યુનિવર્સિટીમાંથી એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી હતી અને કાર્નેલ જૉનસન ગ્રૅજ્યુએટ સ્કૂલ ઑફ મૅનેજમેન્ટમાં એમબીએની ડિગ્રી મેળવી છે. બાદમાં શાંતનુએ તાતા ઍલેક્સીમાં ઑટોમોબાઇલ ડિઝાઇન એન્જિનિયર તરીકે કરીઅર શરૂ કરી છે. શાંતનુ નાયડુએ રઝળતા શ્વાનને અકસ્માતનો ભોગ બનતા બચાવવા માટે રિફ્લેક્ટિવ કૉલર બનાવ્યા હતા. રતન તાતાને આ ગમ્યું હતું, કારણ કે તેમને પણ શ્વાન પાળવાનો ખૂબ શોખ હતો. શાંતનુએ પોતાના આ પ્રોજેક્ટની માહિતી આપવા માટે પત્ર લખીને
રતન તાતાને આમંત્રિત કર્યા હતા. બન્નેની મુલાકાત થયા બાદ મિત્રતા થઈ હતી અને રતન તાતાએ શાંતનુ નાયડુને પોતાના અસિસ્ટન્ટ તરીકે નિયુક્ત કર્યો હતો.