11 October, 2024 10:49 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રતન તાતાએ ઘણા રખડતા શ્વાનને દત્તક લીધા હતા એમાંથી ગોવા નામના આ શ્વાન પ્રત્યે તેમને ખાસ લગાવ હોવાથી ગઈ કાલે એને NCPA ખાતે અંતિમ દર્શન માટે લાવવામાં આવ્યો હતો (તસવીર : શાદાબ ખાન)
રતન તાતાની સાથે બહુ જ નજીકના વર્તુળમાં રહેનાર બિઝનેસમૅન અને લેખક સુહેલ સેઠે રતન તાતાના વ્યક્તિત્વમાં એક અનોખા પાસાને ઉજાગર કરતાં તેમની સાથેનો એક પ્રસંગ યાદ કરતાં કહ્યું હતું કે ‘પ્રિન્સ ચાર્લ્સ દ્વારા ૨૦૧૮ની ૬ ફેબ્રુઆરીએ રતન તાતાને ફિલૅન્થ્રોપી લાઇફ ટાઇમ અચીવમેન્ટ અવૉર્ડ આપવાનું નક્કી થયું હતું. આ સમારોહનું આયોજન પ્રિન્સ ચાર્લ્સના સત્તાવાર નિવાસસ્થાન બકિંગહૅમ પૅલેસમાં કરવામાં આવ્યું હતું અને બધી તૈયારીઓ થઈ ગઈ હતી. હું બીજી-ત્રીજી ફેબ્રુઆરીએ લંડનના હિથ્રો ઍરપોર્ટ પર પહોંચ્યો હતો અને મેં જોયું કે રતન તાતાના ૧૫-૨૦ મિસ્ડ કૉલ હતા એથી તરત જ તેમને ફોન કર્યો કે શું થયું? ત્યારે રતન તાતાએ કહ્યું કે ટૅન્ગો ઍન્ડ ટીટો (રતન તાતાના બે શ્વાન)માંથી એકની તબિયત સારી નથી, એ બહુ બીમાર છે એથી હું એને છોડીને નહીં આવી શકું. મેં તેમને કહ્યું કે સાહેબ, આ લાઇફ ટાઇમ અચીવમેન્ટ અવૉર્ડ પ્રિન્સ ચાર્લ્સે ઑર્ગેનાઇઝડ કર્યો છે. જોકે તે તેમના ડૉગીને છોડીને ન જ આવ્યા ત્યારે પ્રિન્સ ચાર્લ્સે કહ્યું કે ‘આને કહેવાય માણસ.’ તેમના આવા વલણને કારણે જ આજે તાતા હાઉસ ટૉપના સ્થાને છે.’
ગઈ કાલે નૅશનલ સેન્ટર ફૉર પર્ફોર્મિંગ આર્ટમાં તેમનાં અંતિમ દર્શન કરવા ગયેલા સુહેલ સેઠ તેમની ભાવનાઓ પર કાબૂ નહોતા રાખી શક્યા અને તેઓ બધાની સામે રીતસરના રડી પડ્યા હતા.