14 July, 2024 09:40 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અનંત અને રાધિકા અંબાણી
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચૅરમૅન અને મૅનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણી અને રિલાયન્સ ફાઉન્ડેશનનાં ચૅરપર્સન નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીનાં લગ્ન શુક્રવારે જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં રાધિકા મર્ચન્ટ સાથે થયાં હતાં. ૨૯ વર્ષના અનંત અંબાણીએ તેની લાંબા સમયથી ગર્લફ્રેન્ડ રહેલી રાધિકા સાથે પ્રભુતામાં પગલાં પાડ્યાં હતાં. આ પ્રસંગે તેમણે સદા સાથે રહેવાની પ્રતિજ્ઞા પણ લીધી હતી.
અંબાણી પરિવાર, મિત્રો તથા દેશ-વિદેશના આમંત્રિત મહેમાનોની ઉપસ્થિતિમાં આ લગ્નસમારોહ પાર પડ્યો હતો. ગુજરાતી લગ્નવિધિ સાથે વેસ્ટર્ન ટ્રેડિશનની પણ આછી અસર એમાં દેખાતી હતી. અનંત અને રાધિકાએ એકબીજાને જે વચન આપ્યાં એનો વિડિયો વાઇરલ થયો છે. એમાં બેઉ તેમના સપનાના ઘરની વાત કરે છે. અંબાણી પરિવારની નાની વહુ એમ કહેતી નજરે પડે છે કે આપણું ઘર પ્રેમ અને એકબીજાના સાથનો સંગમ હશે.’
રાધિકા મર્ચન્ટે શું કહ્યું?
રાધિકાએ અનંત અંબાણીને વચન આપતાં કહ્યું હતું કે ‘આપણું ઘર માત્ર એક ભૌતિક સ્થાન નહીં હોય. એ એવું સ્થાન હશે જ્યાં પ્રેમ અને એકતા મૂર્તિમંત થશે, ભલે પછી આપણે ગમે ત્યાં હોઈએ.’
અનંત અંબાણીએ શું કહ્યું?
રાધિકા, વિથ શ્રીકૃષ્ણાસ બ્લેસિંગ્સ, મેં પ્રતિજ્ઞા કરતા હૂં કિ હમ મિલકર અમને સપનોં કા ખૂબસૂરત ઘર બનાએંગે. હમારા ઘર સિર્ફ એક સ્થાન નહીં, બલ્કિ પ્યાર ઔર સાથ કા એહસાસ હોગા, ચાહે હમ કહીં ભી હો, જય શ્રીકૃષ્ણ.
શુક્રવારે રાતે અનંત અને રાધિકાએ એકમેકને વરમાળા પહેરાવી હતી અને ત્યાર બાદ પવિત્ર અગ્નિની સાક્ષીએ આ કપલે સાત ફેરા લીધા હતા અને એ સાથે લગ્નની વિધિ પાર પડી હતી. આ પ્રસંગે મુકેશ અંબાણીએ ઉપસ્થિત મહેમાનોનું ઉત્કટતાથી સ્વાગત કર્યું હતું અને નવદંપતીને સુખ, સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ સાથે સફળતા મળે એવી ઈશ્વરને પ્રાર્થના કરી હતી.