સેન કાપડિયાની સ્મૃતિમાં: એક એવા આર્કિટેક્ટ જેમણે શ્વાસ લેતી ઈમારતોની રચના કરી

16 April, 2026 05:30 PM IST  |  Mumbai | Chirantana Bhatt

મૂળ ગુજરાતી એવા સેન કાપડિયાનું આખું નામ ચંદ્રસેન કાપડિયા હતું. ઘડતરથી મુંબઈગરા સેન કાપડિયાએ ભારતના આર્કિટેક્ચર ક્ષેત્રે સંસ્કૃતિના પ્રતીકોનો ટેકો લીધા વિના પોતાના કામનો પ્રભાવ પાડ્યો.

એનઆઈડીના કેમ્પસમાં સેન કાપડિયા - તસવીર સૌજન્ય પિંકીશ શાહ

અમુક સ્થપતિઓ એટલે કે આર્કિટેક્ટ્સ એવા હોય છે જે પોતાનાં સ્મારકો નથી ખડા કરતા. સેન કાપડિયા જેમણે 13 એપ્રિલ 2026ના રોજ પાર્કિન્સન્સ સાથેની લાંબી લડત બાદ આ ફાની દુનિયામાંથી વિદાય લીધી તે પણ એવા જ આર્કિટેક્ટ હતા. તેમણે એવી ઈમારતો બનાવી જેમાં જાણે જીવ હોય, રામે પાષાણ બનેલી અહલ્યામાં જીવ પૂર્યો હતો તો સેન કાપડિયાએ પાષાણથી બનેલી ઈમારતોમાં અવકાશની રચના એવી કે જેમાં આંતરિક જીવંતતા અનુભવાય. આપણા આકાશમાં તપતા સૂર્ય સાથે વાટાઘાટો કરતી આ ઈમારતો, એવી શિક્ષણ સંસ્થાઓ જેણે વિદ્યાર્થીઓને વિચારતા કર્યાં. સ્કોલર ઋતુરાજ પરીખે સેન કાપડિયાના કામ પર, તેમની પ્રતિભા પર પુસ્તક લખી રહ્યા છે અને તે સ્થપતિના કામને વર્ણવા માટે લખે છે, મૂળિયામાં મજબૂત રીતે સ્થિત છતાં ય મૂળભૂત રીતે મુક્ત.આવું વાક્ય કોઈ પણ આર્કિટેક્ટ વિશે અમસ્તું જ લખાયું હોય અથવા લખાતું હોય તેમ બનતું નથી પણ સેન કાપડિયા માટે આ બંધબેસતી અભિવ્યક્તિ છે.

ગુજરાતીપણું, મુંબઈપણું

1936માં બોમ્બેમાં એક ગુજરાતી સંયુક્ત પરિવારમાં જન્મેલા કાપડિયા એવા શહેરમાં મોટા થયા, જે પહેલેથી જ વિરોધાભાસોથી ભરેલું હતું;  આધુનિક અને પ્રાચીન, ભીડભર્યું અને આત્મીય, મહત્વકાંક્ષી અને સહિયારું પણ. નાનપણમાં તેમણે સાયકલ પર ફરીને આ શહેરને ઘણું ખુંદ્યું અને જે ક્લાસરૂમમાં ન મળતું તે બધું શીખ્યા. લોકો જગ્યાઓને કેવી રીતે વસે છે, બાંધકામ કે સ્થાપત્યમાં શ્વસતા લોકો અને કોઈ ઈમારતનો તે જ્યાં ખડી છે તે જગ્યા સાથે જોડાયેલા હોવાનો અર્થ શું વગેરે?  સેન કાપડિયા પોતાનાં માની વાત કરતા ત્યારે એમ કહેતા કે, એ જે પણ કરતી તેમાં સૌંદર્યનો સહજ ભાવ રહેતો. શરૂઆતી વર્ષોમાં એસ્થેટિક્સની સમજ સહજ મળી અને એ મૂળથી તે ક્યારેય અળગા ન થયા. 1950ના દાયકાના દાયકાની મધ્યે તેમણે સર જેજે કોલેજ ઑફ આર્કિટેક્ચરમાં પ્રવેશ લીધો. અહીં નિયમો અને મર્યાદાઓમાં બંધાયેલી શૈક્ષણિક પદ્ધતિએ તેમને બેચેન કર્યા. પણ એ જ અભ્યાસક્રમના હાંસિયાઓમાં રશિયન કન્સ્ટ્રક્ટિવિસ્ટ્સ, આવાંગાર્ડ ભારતીય સાહિત્યિક ગુંજ અને એરૉ સારિનેનની ઔપચારિક હિંમત સાથે તેમની મિત્રતા કેળવાઈ.

અમદાવાદ અને આર્કિટેક્ટ્સની નવી પેઢી

અગત્યનો વળાંક 1960ની શરૂઆતમાં પાયારૂપ સંસ્થાઓ અને પ્રતિભાશાળી વ્યક્તિઓનું સંયોજન થયું ત્યારે આવ્યો. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ અમદાવાદ બની રહ્યું હતું અને લબ્ધ પ્રતિષ્ઠિત આર્કિટેક્ટ લુઈ કાનને તે ડિઝાઈન માટે આમંત્રિત કરાયા હતા. બાલકૃષ્ણ દોશી અને અનંત રાજે અમદાવાદના આર્કિટેક્ટ્સ હતા અને યુવાન સેન કપાડિયા, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાઇનની પ્રોજેક્ટ ઑફિસમાંથી કામ કરતા. આ ઓરડો હતો જ્યાં ભારતીય આર્કિટેક્ચરના ભવિષ્યનું ડ્રાફ્ટિંગ થઈ રહ્યું હતું.

બાલકૃષ્ણ દોશીના માર્ગદર્શન હેઠળ અનંત રાજે અને સેન કાપડિયા જેવા યુવાન આર્કિટેક્ટ્સ એનઆઈડીની પ્રોજેક્ટ ઑફિસમાં રહી આઈઆઈએમની ઈમારતનું કામ કરી રહ્યા હતા અને લુઈ કાન ફિલાડેલ્ફિયા ઑફિસથી ડિઝાઈન ડેવલપમેન્ટ નિયંત્રિત કરી રહ્યા હતા.

ભારતીય આર્કિટેક્ટર વિશ્વની એક આખી પેઢીનો પાયો નંખાઈ રહ્યો હતો, ઈંટો મૂકાઈ રહી હતી. એક અહેવાલમાં આ સમયને ભારતીય આર્કિટેક્ટ્સનો ગ્રેજ્યુએશન સેમીનાર કહેવાયો હતો. મોટાભાગના યુવાન સ્થપતિઓના કામમાં લુઈ કાનનો પ્રભાવ દેખીતી રીતે વર્તાયો. સેન કાપડિયાએ કંઇક એવું આત્મસાત કર્યું જેને નામ આપવું કે શબ્દોમાં વર્ણવવું સહેલું નહોતું, તે હંમેશા એક પ્રશ્ન લઈને ચાલતા, કોઈ ઈમારત જ્યારે આધુનિકવાદની શિસ્ત અને સાંસ્કૃતિક પુનરુત્થાનની સ્મૃતિ, બંનેમાંથી મુક્ત હોય ત્યારે તે શું બનવા માંગે છે?

વિદેશમાં કેળવેલી દ્રષ્ટિ

ટ્રાવેલ ગ્રાન્ટે તેમને કાનની ફિલાડેલ્ફિયા ઑફિસમાં પહોંચાડ્યા. પછી ન્યુયોર્ક પહોંચ્યાં જ્યાં તેમનાં જીવનસંગીની આશાએ ડૉક્ટરી અભ્યાસ પૂરો કર્યો અને સેન કાપડિયા ફિલ્મો, વિઝ્યુઅલ કલ્ચર, પીટ મોન્ડ્રિયન અને જોન કેજમાં ગરકાવ થયા. આગળ જતા તેમણે શ્રી અરવિંદ અને ગિલ્સ ડેલ્યુઝને પોતાના વૈચારિક માર્ગદર્શક ગણાવ્યા અને સ્ટેનલી કુબ્રિકની અ ક્લોકવર્ક ઓરેન્જ જેવી ફિલ્મનું પોતે નિર્દેશન કરી રશક્યા હોત તેવી લાગણી પણ વ્યક્ત કરી. જો કે આ કોઈ એવા માણસની વાત નહોતી જે પ્રભાવોની પોટલી બાંધીને બૌદ્ધિક દેખાડાની સ્ટેન્સીલ પર ચાલતો હોય. આ વાતોમાં પોતાની આગવી ભાષા શોધી રહેલા સાચા અભ્યાસુનું જોશ અને ઉત્સાહ હતાં.

પ્રભાવોથી પર, પોતાની ભાષાની શોધ

એંશીમાં તે ભારત પાછા ફર્યા અને મુંબઈમાં `સેન કાપડિયા આર્કિટેક્ટ` નામે પોતાની પ્રેક્ટિસ શરૂ કરી. કશું પણ ઘડવા માટે ઓપન કોમ્પિટિશનને તે પ્રાધાન્ય આપતા. શિસ્તબદ્ધ હેતુ, જ્યુરીની ચોકસાઈ અને મોકળાશ ભરી લોકશાહી તેમને ગમતાં. અંધેરીનો તેમનો સ્ટુડિયો એવા સમયે ડિઝાઈન થયો હતો જ્યારે સસ્ટેનેબલિટી શબ્દ ટ્રેન્ડિંગ નહોતો. આ ઑફિસમાં કુદરતી પ્રકાશની જગ્યાઓ ઈમારતમાં સાહજિકતાથી સજીને બેઠી છે. ઓરિએન્ટેશન, લોકલ મટીરિયલ્સ, માઈક્રો-ક્લાઈમેટ જેવી બાબતો મુદ્દો ન બનતી કારણકે તે પહેલેથી ચર્ચાનો ભાગ રહેતી અને અંતિમ આકારનો પણ! આ રીતે થયેલા કામને તે ડિગ્નફાઈડ આર્કિટેક્ચર કહેતા. આ પુરાવો હતો કે તેમના સિદ્ધાંતો માત્ર શબ્દોમાં નહીં પણ તેમની આદત બની ચૂક્યા હતા.

સંતુલન અને સુક્ષ્મતા

અમદાવાદમાં બેંકર હાઉસ (1970) તેમની આગવી ઓળખ બન્યું; આબોહવા સાથેના તાલમેલ સાથે બારી-બારણાંની ગોઠવણ (ફેનેસ્ટ્રેશન) અને હવા ઊજાસના પ્રવાહને માત્ર સ્વીકારતી નહીં, પરંતુ નિયંત્રિત કરતી ઈમારત. ઘરો, હૉસ્પિટલ્સ, કેમ્પસ અને સ્પર્ધાઓમાં પણ સેન કાપડિયાએ જે અનુસર્યું તેને ઋતુરાજ પરીખ સરસ રીતે ટાંકે છે. તેઓ લખે છે, ભારેપણું સામે હળવાશ, જડતા સામે પ્રવાહિતા અને નક્કરતા સામે નક્કી કરેલી છિદ્રાળુ ભાવના, એટલે કે જેને સેન કાપડિયા પોતે સૂક્ષ્મ સંતુલન કહેતા. તે એક એવા આર્કિટેક્ટ હતા જેમના વિચારોમાં અનેક પ્રકારના બળ, તાકાત સમાયેલા હતા. તેમના આ વિચારો ભોપાલમાં WALMI માસ્ટરપ્લાન, પુણેમાં બ્રોકર હાઉસ, મથુરામાં કોટબન રૂરલ હોસ્પિટલની ઈમારતોમાં ડોકાય છે.

 

આ વિચારસરણીથી તેમની ડ્રોઇંગની પ્રેક્ટિસને જૂદી ન પાડી શકાતી. અડધા દાયકાથી વધુ વર્ષોની તેમની પ્રેક્ટિસનું પ્રતિબિંબ, જે CEPT યુનિવર્સિટી દ્વારા પ્રકાશિત પુસ્તક તરીકે સંકલિત કરવામાં આવ્યું છે, તેમાં તેમની માન્યતાને સરસ રીતે રજૂ થઈ છે. આ પુસ્તક અનુસાર, આર્કિટેક્ચરલ પ્રદર્શનમાં વણાયેલા સંદેશાઓ ઉકેલવા માટે તર્કસંગત પ્રતિબદ્ધતાનો આધાર સાતત્ય ભરેલું જોડાણ છે. આર્કિટેક્ટરલ લાઈવ અનુસાર તેમના ડ્રોઈંગ્ઝ ઘેરા રંગો, બારીક રેખાઓ અને બદલાતી સપાટીઓનાં સ્તર સમાન હતા, તે ઈમારતોના નકશા નહોતા પણ સ્પેસ, મોકળાશ, ખાલી જગ્યા માટેની દલીલો હતી. તે દોરતા તો એમ લાગતું જાણે કોઈ નવલકથાકાર પોતાની વાર્તાનું કથાનક લખી રહ્યો હોય. જે છે તે દેખાડવા માટે તે નહોતા દોરતા પણ શું હોઈ શકે તે શોધવા માટે તે રેખાઓથી સર્જન કરતા.

 

પ્રશ્નો પ્રોત્સાહિત કરતા શિક્ષક

તેમણે પોતાના કામ થકી જે શોધ્યું તેને અમલમાં મુકવા માટેનું સૌથી મોટું સ્ટેજ મુંબઈ કમલા રાહેજા વિદ્યાનિધિ ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્કિટેક્ચર (KRVIA) હતું. સેને કાપડિયાને તેમને વડા તરીકે નેવુંના દાયકામાં આમંત્રિત કરાયા હતા. તેમણે `KRV સ્કૂલ ઓફ કોન્સેપ્ચ્યુઅલ આર્કિટેક્ચર`ની સ્થાપના કરી.  તેમણે પોતાનામાં રહેલા શૈક્ષણિક ઉત્સાહનો શ્રેય બાલ કૃષ્ણ દોશી અને લુઈ કાનને આપ્યો. તેમના મતે આ બંન્ને સ્થપતિઓએ પહેલાં શિક્ષણ સ્થાપ્યું અને પછી પ્રેક્ટિસ ખડી કરી. આર્કિટેક્ટ એન્ડ ઇન્ટિરિયર્સ ઇન્ડિયા મુજબ, KRVIA માં તેમણે માત્ર સિલેબસ પર નવેસરથી કામ કર્યું એમ નહોતું પણ અહીં તેમણે વિઝિટિંગ આર્કિટેક્ટ્સ, કલાકારો, ગણિતશાસ્ત્રીઓ, સંગીતકારો, ફોટોગ્રાફરો અને ફિલસૂફોને પણ શિક્ષણની પ્રક્રિયામાં સામેલ કર્યા. તે નોન-લિનિયર લર્નિંગમાં માનતા. માત્ર જ્ઞાન આપવું પુરતું નથી પણ વિદ્યાર્થીઓ સવાલ કરે, જુદા ક્ષેત્રના લેન્સથી પોતાના કામને સમજે એ પણ જરૂરી છે. આર્કિટેક્ચર એક એવું ક્ષેત્ર છે જ્યાં ટૅકનિકની નિપૂણતા સૌથી વધુ અગત્યની છે પણ તેઓ અનિશ્ચિતતાઓની સંભાવનાઓને જીવી શકતા વિદ્યાર્થીઓ તૈયાર કરવા મથતા.

ગાંધીનગરના નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇનના નવા પોસ્ટગ્રેજ્યુએટ કેમ્પસ માટેની તેમની સ્પર્ધામાં જીત એ કદાચ તેમનો સૌથી નોંધપાત્ર પ્રોજેક્ટ રહ્યો. આ એક વર્તુળનું સમાપન હતું કારણકે જે કેમ્પસે એક સમયે તેમને લુઈ કાન સાથે પરિચર કરાવ્યો તેના વિસ્તરણ પર તેમણે પોતાની આકારહિન, લેન્ડસ્કેપને વણી લે તેવી અમીટ છાપ છોડી.

મૂળથી જોડાયેલા અનંત સુધી વિસ્તરેલા

મૂળ ગુજરાતી એવા સેન કાપડિયાનું આખું નામ ચંદ્રસેન કાપડિયા હતું. ઘડતરથી મુંબઈગરા સેન કાપડિયાએ ભારતના આર્કિટેક્ચર ક્ષેત્રે સંસ્કૃતિના પ્રતીકોનો ટેકો લીધા વિના પોતાના કામનો પ્રભાવ પાડ્યો. મૂળીયાં છોડ્યા વિના તેમણે ભારતના આકાશે તપતા સૂર્ય, ભારતની ગલીઓ અને સામુહિક જીવનની લાગણીને ભરોસે ઈમારતોને વાર્તાઓ અને કવિતાઓની માફક ઘડી. ઋતુરાજ પરીખ લખે છે કે, શુદ્ધ આત્માની શોધમાં તેમનું કામ આર્કિટેક્ચરલ વિચારની બધી ફલકો ઓળંગી આગળ વધે છે.તેમનું કામ, તેમની પાસે તૈયાર થયેલા દરેક વિદ્યાર્થીઓ એક એવી પેઢી છે જેને શીખવાડાયું છે કે આર્કિટેક્ચર શા માટે છે તે અંગે પ્રશ્ન પૂછવો, અને તેમની ઈમારતો શાંતિપૂર્વક તેમની વિચારધારાનો જવાબ બનીને ઊભી છે.

સ્મૃતિ વંદના અને શ્રદ્ધાંજલિ

પાર્કિન્સન્સ સામેની લાંબી લડાઈ બાદ 13 એપ્રિલ, 2026ના રોજ સેન કાપડિયાનું અવસાન થયું. આ પ્રેમાળ આર્કિટેક્ટ અને તેજસ્વી વ્યક્તિત્વના જીવન અને ભાવનાને યાદ કરવા, વાતો વહેંચવા અને ઉજવણી કરવા માટે તમામ સ્નેહીજનોને આમંત્રિત કરવામાં આવે છે. વાર્તાઓ, સંસ્મરણો અને એકતાની લાગણી સાથે આ સાંજ તેમની સફરને સન્માનિત કરશે.

શુક્રવાર, 17 એપ્રિલ, 2026 ના રોજ સાંજે 6:00થી 8:00 વાગ્યા દરમિયાન ઓયસ્ટર શેલ બિલ્ડિંગ ગાર્ડન્સ, રામડા પામ ગ્રોવ હોટેલની બાજુમાં, જુહુ તારા રોડ, જુહુ, મુંબઈ 400049

(આ લખાણ ઋતુરાજ પરીખના નિબંધ પર આધારિત છે, જે સેન કાપડિયા પર પુસ્તક લખી રહ્યા છે.)

 

sen kapadia indian architecture obituary mumbai news mumbai