થાણે જાણે છે આનંદ દીઘેની હત્યા કરવામાં આવી હતી

29 September, 2024 07:45 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની શિવસેનાના નેતા સંજય શિરસાટે કહ્યું...

આનંદ દીઘે

શિવસેનાના દિવંગત દિગ્ગજ નેતા આનંદ દીઘેના જીવન પર આધારિત ફિલ્મ ધર્મવીર-2 તાજેતરમાં રિલીઝ થઈ છે એમાં આનંદ દીઘેની ખરેખર હત્યા કરવામાં આવી હતી કે તેમનું હાર્ટ અટૅક આવવાથી મૃત્યુ થયું હતું એવી ચર્ચા થઈ રહી છે ત્યારે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની શિવસેનાના વિધાનસભ્ય સંજય શિરસાટે ગઈ કાલે દાવો કર્યો છે કે આખું થાણે જાણે છે કે દીઘેસાહેબની હત્યા કરવામાં આવી છે. આથી આ મામલાની તપાસ થવી જોઈએ. મુખ્ય પ્રધાને આ બાબતને ધ્યાનમાં રાખીને તપાસ કરવાનો આદેશ આપવો જોઈએ.

વિધાનસભ્ય સંજય શિરસાટે કહ્યું હતું કે ‘આનંદ દીઘેસાહેબનો ઍક્સિડન્ટ થયો હતો ત્યારે તેમને માથામાં કે શરીરમાં બીજી કોઈ જગ્યાએ કોઈ ગંભીર ઈજા નહોતી થઈ. તેમને હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવવાના હતા ત્યારે જ અચાનક હાર્ટ અટૅક કેવી રીતે આવ્યો હતો? તેમનું બ્લડ પ્રેશર પણ સામાન્ય હતું. આથી આનંદ દીઘેના મૃત્યુ સંબંધી બધાને સવાલ થઈ રહ્યા છે. જોકે આટલાં વર્ષ બાદ પણ શિવસૈનિકોને આ સવાલના જવાબ નથી મળ્યા.

આનંદ દીઘેના ભત્રીજા અને અત્યારે ઉદ્ધવ ઠાકરે સાથેની શિવસેનામાં સામેલ કેદાર દીઘેએ સંજય શિરસાટના દાવા વિશે કહ્યું હતું કે ‘સ્વર્ગીય દીઘેસાહેબની આડમાં એકનાથ શિંદે શિવસેનાપ્રમુખ બાળાસાહેબ ઠાકરેના નેતૃત્વને ચૅલેન્જ કરી રહ્યા છે. આથી જ તેમણે ધર્મવીર-2 ફિલ્મ બનાવી હોય એવું લાગી રહ્યું છે. ધર્મવીરના જીવન કરતાં ગદ્દારીને યોગ્ય ઠેરવવા માટે ખોટી બાબતો ફિલ્મમાં દર્શાવવામાં આવી છે. દીઘેસાહેબના અવસાન વિશે અત્યાર સુધી કોઈ સવાલ નહોતો કરાતો એના પરથી શિવસૈનિકોને ખ્યાલ આવે છે કે હકીકત શું છે.’ 

mumbai news mumbai shiv sena political news maharashtra news eknath shinde