24 January, 2019 01:10 PM IST | | પ્રીતિ ખુમાણ ઠાકુર
નાલાસોપારાની નર્સ ડૉક્ટર બનીને તપાસ કરતી હોય એ વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ કરવામાં આવ્યો હતો અને પ્રશાસને પણ કાર્યવાહી કરી છે.
વસઈ-વિરાર મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલા નાલાસોપારાના એક દવાખાનામાં નવમી પાસ મહિલા નર્સ તરીકે કામ કરતી અને પોતે ડૉક્ટર હોય એ રીતે કામ પણ કરે છે અને જ્યારે ડૉક્ટર દવાખાનામાં ન હોય ત્યારે પેશન્ટને મેડિસિન પણ લખીને આપતી હતી એવો એક વિડિયો સોશ્યલ મીડિયા પર જબરદસ્ત વાઇરલ થયા બાદ મહાનગરપાલિકાના મેડિકલ ઑફિસરે બનાવટી દરદી મોકલીને વાતની ખરાઈ કરી હતી અને બાદમાં ક્લિનિકને તાળું માર્યું હતું.
નાલાસોપારામાં નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં થઈ રહ્યાં હોવાની ફરિયાદ એક NGO દ્વારા વસઈ-વિરાર મહાનગરપાલિકાના ચીફ મેડિકલ ઑફિસરને કરવામાં આવી હતી. મેડિકલ વિભાગે ફરિયાદના આધારે ક્લિનિકમાં નકલી દરદી મોકલીને ફરિયાદની ખરાઈ કર્યા બાદ રેઇડ પાડવામાં આવી અને ક્લિનિકને તાત્કાલિક ધોરણે બંધ કરવાનો આદેશ પણ આપ્યો હતો તેમ જ મહાનગરપાલિકા દ્વારા આ સંદર્ભે નાલાસોપારા પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે.
નાલાસોપારા (ઈસ્ટ)માં લિન્ક રોડ પર આવેલા એક ક્લિનિકને ડૉ. અરવિંદકુમાર સિંહ ચલાવી રહ્યા હતા. ડૉક્ટર છેલ્લા અમુક દિવસથી મુંબઈ બહાર ગયા હતા. ડૉક્ટરના ક્લિનિકમાં કોમલ તાયડે નામની મહિલા નર્સ તરીકે કામ કરતી હતી. જોકે ડૉક્ટર ન હોવાથી નર્સ ક્લિનિકમાં આવતા પેશન્ટને તપાસ કરવા લાગી એટલું જ નહીં, પેશન્ટને મેડિસિન પ્રિસ્ક્રાઇબ પણ કરી રહી હતી. પેશન્ટને તે ડૉક્ટર લાગે એટલે નર્સ ડૉક્ટરનો કોટ પણ પહેરી રાખતી હતી.
આ પણ વાંચો : મહારાષ્ટ્રઃ ISIS સાથે જોડાયેલા 9ની ધરપકડ, વિસ્ફોટકો મળ્યા
એક મહિલા પેશન્ટને માથામાં જખમ થયો હોવાથી તે દવા લેવા માટે ક્લિનિકમાં ગઈ હતી. ક્લિનિકમાં જતાં નર્સે તેને દવા પ્રિસ્ક્રાઇબ કરી હતી. જોકે દવા લીધા બાદ પેશન્ટને રીઍક્શન થઈ ગયું હતું. એથી એ પેશન્ટને થોડી શંકા ગઈ હતી અને તેણે પૂછપરછ કરાવી ત્યારે ખબર પડી કે ક્લિનિકના ડૉક્ટર અમુક દિવસથી બહારગામ ગયા હોવાથી નર્સ તેમના નામ પર પેશન્ટને દવા આપી રહી હતી. આ મહિલાએ NGOની મદદ લીધી અને તેમણે મહાનગરપાલિકાનાં ચીફ મેડિકલ ઑફિસર ડૉ. આકૃતિ વડેને ફરિયાદ કરી હતી. એથી ચીફ મેડિકલ ઑફિસરની ટીમે છાપો માર્યો ત્યારે નર્સ મેડિસિન પ્રિસ્ક્રાઇબ કરી રહી હતી. આ વિશે ચીફ મેડિકલ ઑફિસરે કહ્યું હતું કે ‘નર્સે મેડિસિન પ્રિસ્ક્રાઇબ કરવી એ ગેરકાયદે છે અને એનાથી પેશન્ટના જીવ સામે જોખમ વધી શકે છે. ક્લિનિકમાં પેશન્ટને તે ફર્સ્ટ-એઇડ ટ્રીટમેન્ટ આપી શકે છે, પરંતુ પેશન્ટની તપાસ કરવી કે દવા આપવાનું કામ ન કરી શકે. કાર્યવાહીના ભાગરૂપે અમે ક્લિનિક તાત્કાલિક બંધ કરવાનો આદેશ આપ્યો છે તેમ જ ક્લિનિકના ડૉક્ટરનું સ્ટેટમેન્ટ લેવાના છીએ તેમ જ આ સંદર્ભે નાલાસોપારા પોલીસ-સ્ટેશનને પણ અપ્રોચ કરવામાં આવી રહ્યો છે.’