23 November, 2024 02:08 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વિનોદ તાવડે
કૉન્ગ્રેસના નેતાઓ રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે અને પ્રવક્તા સુપ્રિયા શ્રીનેત માફી નહીં માગે તો ૧૦૦ કરોડ રૂપિયાનો માનહાનિનો કેસ દાખલ કરવાની નોટિસ વિનોદ તાવડેએ ગુરુવારે મોકલી હોવાનું કહ્યું હતું. વિનોદ તાવડેના વકીલે કૉન્ગ્રેસના નેતાઓને સંબોધતી સોશ્યલ મીડિયામાં ગઈ કાલે પોસ્ટ કરી હતી, જેમાં લખ્યું હતું કે ‘તમે જાણી જોઈને અમારા અસીલની પ્રતિષ્ઠાને ઠેસ પહોંચાડવાના ઇરાદે કૅશ વહેંચવાની અફવા ફેલાવી હતી. આથી મીડિયામાં અસીલના વિરોધમાં ખોટા, નિરાધાર આરોપ પ્રકાશિત અને પ્રસારિત કરવામાં આવ્યા. આ બધા આરોપ ખોટા અને કમનસીબ છે. અમારા અસીલ કોઈ પણ પ્રકારની ગેરકાયદે પ્રવૃત્તિમાં સામેલ નથી. આથી આ નોટિસ મળ્યાના ૨૪ કલાકમાં માફી નહીં માગવામાં આવે તો ૧૦૦ કરોડ રૂપિયાની માનહાનિનો કેસ દાખલ કરવામાં આવશે.’
ઉલ્લેખનીય છે કે વિધાનસભાની ચૂંટણીના મતદાનના એક દિવસ પહેલાં નાલાસોપારામાં વિનોદ તાવડે વિવાંતા હોટેલમાં પાર્ટીના ઉમેદવાર રાજન નાઈક અને કાર્યકરો સાથે હતા ત્યારે હિતેન્દ્ર ઠાકુરના પુત્ર ક્ષિતિજ ઠાકુર તેમના કાર્યકરો સાથે ત્યાં પહોંચી ગયા હતા અને તેમણે વિનોદ તાવડે મતદારોને પ્રભાવિત કરવા માટે પાંચ કરોડ રૂપિયા વહેંચી રહ્યા હોવાનો આરોપ કર્યો હતો. આ ઘટના બાદ રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે અને સુપ્રિયા શ્રીનેતે મીડિયામાં BJP વિરુદ્ધ વિનોદ તાવડે રૂપિયા વહેંચી રહ્યા હોવાનાં નિવેદન આપ્યાં હતાં.