04 April, 2026 11:46 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શ્વાનપથક હડકાયેલા કૂતરાને પકડીને લઈ ગયું હતું અને ઘટનામાં ઈજાગ્રસ્ત વ્યક્તિ
વસઈ-વેસ્ટના દયા માતા ચર્ચ પરિસરમાં હડકાયેલા કૂતરાએ ગઈ કાલે ૮ જણને બચકાં ભર્યાં હતાં. ગુડ ફ્રાઇડે હોવાથી સવારે ખ્રિસ્તી સમાજના શ્રદ્ધાળુઓ પ્રાર્થના માટે ચર્ચમાં ભેગા થયા હતા. પ્રાર્થના પૂરી થયા બાદ તેઓ બહાર નીકળતા હતા ત્યારે અચાનક એક હડકાયેલો કૂતરો ત્યાં આવી પહોંચ્યો અને એક નાની બાળકીને બચકું ભરી લીધું હતું. આ ઘટના અચાનક બનતાં હાજર લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. બાળકીને કૂતરાથી બચાવવા માટે નજીક ઊભેલા બે યુવકો તરત જ મદદ માટે દોડી ગયા હતા પરંતુ કૂતરાએ તેમને પણ બચકાં ભર્યાં હતાં. ઘટનાક્રમ દરમ્યાન કૂતરો સતત ૮ જણને કરડ્યો હતો એવું સ્થાનિક લોકોએ જણાવ્યું હતું.
આ ઘટનાથી ચર્ચવિસ્તારમાં ભય અને ચિંતાનો માહોલ ઊભો થયો હતો. ખાસ કરીને બાળકો અને સિનિયર સિટિઝનોમાં ભટકતા કૂતરાઓ પ્રત્યેનો ડર વધ્યો હતો. ઘટનાની જાણ થતાં વસઈ-વિરાર મ્યુનિસિપલ કૉર્પોરેશન (VVMC)ના શ્વાનપથકને જાણ કરવામાં આવી હતી. તાત્કાલિક ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને કૂતરાને પકડીને લઈ ગઈ હતી. તમામ ઈજાગ્રસ્તોને તરત જ હૉસ્પિટલમાં લઈ જઈ જરૂરી રેબીઝ વિરોધી ઇન્જેક્શન આપવામાં આવ્યાં હતાં.