01 August, 2024 09:19 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
પૂજા ખેડકર
મહારાષ્ટ્રની વિવાદાસ્પદ ઇન્ડિયન ઍડ્મિનિસ્ટ્રેટિવ સર્વિસ (IAS) ઑફિસર પૂજા ખેડકરને આખરે દોષી ઠેરવવામાં આવી છે. યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)એ પૂજા ખેડકરને ૩૦ જુલાઈ સુધીમાં તેણે રજૂ કરેલા દિવ્યાંગ સર્ટિફિકેટ બાબતનો જવાબ આપવાનું કહ્યું હતું, જે તેણે ન આપતાં ગઈ કાલે તેની IASની ઉમેદવારી રદ કરી હતી અને ભવિષ્યમાં પણ તે પરીક્ષા નહીં આપી શકે એવો ફેંસલો લેવામાં આવ્યો હતો. પૂજા ખેડકર સામે UPSCએ કાર્યવાહી કર્યા બાદ તેની સામે હવે પોલીસ પણ પગલાં લઈ શકે છે. પૂજાએ દિવ્યાંગ હોવાનું ખોટું સર્ટિફિકેટ આપ્યું હોવાનો આરોપ થયા બાદ તેની સામે તપાસ શરૂ કરવામાં આવી હતી.
UPSC દ્વારા ૨૦૦૯થી ૨૦૨૩ દરમ્યાન પંદર હજારથી વધુ ભલામણ કરવામાં આવેલા ઉમેદવારોના ડેટા ચકાસવામાં આવ્યા હતા જેમાં પૂજા ખેડકરે ૨૦૨૨માં નિયમોનો ભંગ કર્યો હોવાનું જણાતાં તેને દોષી ઠેરવવામાં આવી છે. તેની ઉમેદવારી રદ કરવાની સાથે તે ભવિષ્યમાં આ સંબંધી પરીક્ષા નહીં આપી શકે એટલે કે તેને બ્લૅકલિસ્ટ કરવામાં આવી છે.
કેવી રીતે પૂજાનો મામલો સામે આવ્યો?
પૂજા તેના પોસ્ટિંગ દરમ્યાન જે આઉડી કારમાં લાલ બત્તી અને મહારાષ્ટ્ર સરકારનું સ્ટિકર લગાવીને ફરતી હતી એ કાર પર ટ્રાફિકના નિયમોનો ભંગ કરવા બદલ ૨૬,૦૦૦ રૂપિયાનો દંડ ભરવાનો બાકી હોવાનું જણાયું હતું. પ્રાઇવેટ કારમાં લાલ બત્તી લગાવી ન શકાય. આ સિવાય પુણેમાં પૂજા ટ્રેઇની ઑફિસર તરીકે તાલીમ લઈ રહી હતી ત્યારે તેણે ગેરકાયદે વિવિધ પ્રકારની સુવિધાની માગણી કરવાની સાથે એક વરિષ્ઠ અધિકારીની ચેમ્બર પર કબજો જમાવ્યો હોવાની ફરિયાદ સામે આવી હતી. પુણે જિલ્લાના કલેક્ટર સુહાસ દિવાસેએ પૂજાની સામે ફરિયાદ કરી હતી, જેથી તેની ટ્રાન્સફર પુણેથી વાશિમ કરવામાં આવી હતી. બાદમાં તપાસમાં જણાયું હતું કે તેણે UPSCમાં સિલેક્ટ થવા માટે બોગસ ડૉક્યુમેન્ટ્સનો ઉપયોગ કર્યો હતો. આ બાબતની તપાસમાં દિવ્યાંગ ન હોવા છતાં તેણે ખોટું સર્ટિફિકેટ રજૂ કર્યું હોવાનું જણાયું છે. આ સિવાય પૂજાએ UPSCમાં નોંધાવેલા સોગંદનામામાં તે માનસિક રીતે અક્ષમ હોવાનો અને તેને જોવામાં તકલીફ થતી હોવાનો દાવો કર્યો હતો. પરીક્ષા આપતી વખતે તેણે વિશેષ ઘરની માગણી કરી હતી. જોકે દિવ્યાંગ છે કે કેમ એ ચેક કરવા માટેની ટેસ્ટ તેણે નહોતી આપી.