અંબાણીના સંગીતમાં તેજસ ઉદ્ધવ ઠાકરે નાચ્યો અને શરૂ થઈ રાજકીય ટોણાબાજી

10 July, 2024 02:00 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એક વિડિયોમાં તેજસ ઠાકરે ‘કભી ખુશી કભી ગમ’ ફિલ્મનું ગીત ‘યે લડકી હૈ અલ્લાહ’ પર સારા અલી ખાન, જાહ્‍‍નવી કપૂર, અનન્યા પાંડે સાથે ડાન્સ કરતો દેખાઈ રહ્યો છે

અંબાણીના સંગીતમાં તેજસ ઉદ્ધવ ઠાકરે

ભારતના ધનકુબેર મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની સંગીતસંધ્યામાં શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) પ્રમુખના ૨૯ વર્ષના પુત્ર તેજસ ઠાકરેએ ડાન્સ કરતાં રાજકીય આક્ષેપબાજી જોવા મળી હતી. એક વિડિયોમાં તેજસ ઠાકરે ‘કભી ખુશી કભી ગમ’ ફિલ્મનું ગીત ‘યે લડકી હૈ અલ્લાહ’ પર સારા અલી ખાન, જાહ્‍‍નવી કપૂર, અનન્યા પાંડે સાથે ડાન્સ કરતો દેખાઈ રહ્યો છે.

આ મુદ્દે મુંબઈ BJPના અધ્યક્ષ આશિષ શેલારે કહ્યું હતું કે ‘તેજસને દહીહંડીમાં ‘ગોવિંદા આલા રે’ ગીત કે ગણેશોત્સવમાં કોઈ ગીત પર ડાન્સ કરતો જોયો નથી, પણ અંબાણીના ઘરે સંગીતસંધ્યામાં મહારાષ્ટ્રના આ યુવા ચહેરાને છેલ્લી હરોળમાં ડાન્સ કરતા જોયો ખરો.’

બીજી તરફ ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણેના પુત્ર નીતેશ રાણેએ કહ્યું હતું કે ‘એક તરફ તમે ગુજરાતીઓ પર હુમલા કરો છો અને બીજી તરફ આ યુવાન અંબાણીના ઘરે લગ્નમાં ડાન્સ કરી રહ્યો છે.’

એકનાથ શિંદેની શિવસેનાનાં નેતા શીતલ મ્હાત્રેએ કહ્યું હતું કે ‘અરે, અંબાણીનાં લગ્નમાં આ બૅકગ્રાઉન્ડ ડાન્સર પરિચિત લાગે છે, તેના પિતા ટોણા મારવામાં માહેર છે અને દીકરો ડાન્સ માસ્ટર છે.’

ઉદ્ધવ ઠાકરેના બે પુત્ર પૈકી આદિત્ય ઠાકરે મોટો છે અને ભૂતપૂર્વ પ્રધાન છે તથા ઉદ્ધવ ઠાકરેનો રાજકીય વારસ છે. તેજસ વાઇલ્ડલાઇફ રિસર્ચર અને પર્યાવરણપ્રેમી છે. 

Anant Ambani Radhika Merchant Wedding uddhav thackeray political news mumbai mumbai news