06 December, 2022 06:33 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
મહારાષ્ટ્ર (Maharashtra) અને કર્ણાટક (Karnataka) વચ્ચે સરહદી વિવાદ સતત વધી રહ્યો છે. બેલગાંવમાં મહારાષ્ટ્રની બસો પર પથ્થરમારો થયા બાદ હવે ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળના શિવસેના જૂથના કાર્યકરોએ મંગળવારે પૂણે શહેરના સ્વારગેટ વિસ્તારમાં ઓછામાં ઓછી ત્રણ કર્ણાટક રાજ્ય પરિવહન બસો પર કાળા અને નારંગી રંગનો છંટકાવ કર્યો હતો.
આ બસો પર ‘જય મહારાષ્ટ્ર’ પણ લખ્યું હતું. શિવસેના (Uddhav Balasaheb Thackeray) જૂથના એક સ્થાનિક નેતાએ પુષ્ટિ કરી છે કે તેમણે બસોને પેઇન્ટ કરી છે.
શિવસેના જૂથના કાર્યકરોએ કર્ણાટક સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કૉર્પોરેશન (KSRTC)ની ઓછામાં ઓછી બે-ત્રણ બસોને કાળા રંગથી રંગવામાં આવી હતી. તેમણે આ બસો પર નારંગી રંગથી ‘જય મહારાષ્ટ્ર’ લખ્યું હતું.
એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, “અમે બસોને રંગનારા ચારથી પાંચ લોકોની અટકાયત કરી છે.”
રાજ્યોના પુનર્ગઠન બાદ સરહદનો મુદ્દો વર્ષ 1957માં શરૂ થયો હતો. મહારાષ્ટ્ર રાજ્યે બેલગાંવ પર દાવો કર્યો હતો, જે અગાઉ બોમ્બે પ્રેસિડેન્સીનો ભાગ હતો, ત્યાં મોટી સંખ્યામાં મરાઠી ભાષી વસ્તી છે. તેમણે 814 મરાઠી-ભાષી ગામો પર પણ દાવો કર્યો જે હાલમાં કર્ણાટકનો ભાગ છે.
આ પણ વાંચો: સરહદી વિસ્તારમાં મહારાષ્ટ્રની ટ્રક પર પથ્થરમારા બાદ ફડણવીસનો કર્ણાટકના CMને ફોન
કર્ણાટકમાં બેલગાંવ જિલ્લા વહીવટીતંત્રે સોમવારે મહારાષ્ટ્રના બે મંત્રીઓ અને નેતાઓના શહેરમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાનો આદેશ જાહેર કર્યો હતો. સીઆરપીસીની કલમ 144 હેઠળ પ્રતિબંધિત આદેશો જાહેર કરવામાં આવ્યા હતા. કર્ણાટકના મુખ્યપ્રધાન બસવરાજ બોમાઈએ તાજેતરમાં મહારાષ્ટ્રના અક્કલકોટ અને સોલાપુરમાં ‘કન્નડ-ભાષી’ વિસ્તારોના વિલીનીકરણની માગ કરી હતી અને એમ પણ કહ્યું હતું કે સાંગલી જિલ્લાના જાટ તાલુકાના કેટલાક ગામો દક્ષિણ રાજ્યમાં જોડાવા માગે છે.