08 March, 2025 04:37 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઉદયનરાજે
સમાજવાદી પાર્ટીના વિધાનસભ્ય અબુ આઝમીએ ઔરંગઝેબને સારા શાસક કહીને વખાણ કર્યાં છે એના પર છત્રપતિ શિવાજી મહારાજના તેરમા વંશજ ઉદયનરાજેએ ગઈ કાલે નારાજગી વ્યક્ત કરતાં કહ્યું હતું કે ‘ઔરંગઝેબ ધર્માંધ અને ક્રૂર શાસક ઉપરાંત ભારતનો લૂંટારો હતો. છત્રપતિ શિવાજી મહારાજ સામે યુદ્ધ કરવા ઉપરાંત છત્રપતિ સંભાજી મહારાજની અત્યંત ક્રૂરતાથી હત્યા કરનારા ઔરંગઝેબની મહારાષ્ટ્રમાં કબર પાસે ઉર્સ ભરવામાં આવે છે એ આપણા જખમ પર મીઠું ભભરાવવા સમાન છે. આને કાયમી રોકવા માટે ઔરંગઝેબની કબર જ ઉખેડી નાખવી જોઈએ. ઔરંગઝેબે સત્તા મેળવવા માટે સગા ભાઈની હત્યા કરી હતી અને પિતાને કેદમાં પૂર્યા હતા. ભારતનાં મંદિરો તોડીને આપણી સંસ્કૃતિ નષ્ટ કરવાનો પ્રયત્ન કર્યો હતો. ઔરંગઝેબ અને તેના પૂર્વજો ભારતને લૂંટવા માટે જ આવ્યા હતા. આવો માણસ આપણા માટે આદર્શ કેવી રીતે હોઈ શકે? આવી વ્યક્તિની કબરને બદલે એક ક્રૂર વ્યક્તિના જીવનની છેલ્લી ઘડીની જગ્યા તરીકે યાદ રાખવી જોઈએ. જેમને ઔરંગઝેબ પર પ્રેમ હોય તેમણે મોગલો જ્યાંથી આવ્યા હતા ત્યાં કબર સાથે જતા રહેવું જોઈએ.’