29 July, 2024 09:50 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
સંજય રાઉતની ફાઇલ તસવીર
Sanjay Raut Taunts Government Over Budget in Parliament: કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા બજેટને વિપક્ષે સામાન્ય માણસને નિરાશ કરનારું બજેટ ગણાવ્યું છે. આજે રાજ્યસભામાં બજેટ પર ચર્ચા દરમિયાન શિવસેના ઉદ્ધવ જૂથના સાંસદ સંજય રાઉતે બજેટને લઈને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.
સંજય રાઉતે કહ્યું કે, “આ કેન્દ્રીય બજેટ નથી કારણ કે મહારાષ્ટ્ર, પંજાબ, પશ્ચિમ બંગાળ અને ઝારખંડ સહિત ઘણા રાજ્યો આ બજેટમાંથી ગાયબ છે. તેથી તેને કેન્દ્રીય બજેટ કહેવું યોગ્ય નથી.” સંજય રાઉતે વધુમાં કહ્યું કે, “આ સામાન્ય બજેટ નથી, પરંતુ નૉન-બાયોલોજિકલ બજેટ છે, જેમ કે આપણા વડાપ્રધાન કહે છે કે હું નૉન-બાયોલોજિકલ છું, તેથી આ બજેટ પણ નૉન-બાયોલોજિકલ છે જેના વિશે ખબર નથી કે તે કેવી રીતે બન્યું હશે. તે ક્યાં બનાવવામાં આવ્યું હતું, તેના લાભાર્થીઓ કોણ છે?”
સંજય રાઉતે કહ્યું કે, “એક વાત સાચી છે કે લોકસભાના પરિણામોની આ બજેટ પર ભારે અસર છે. લોકસભા ચૂંટણીના પરિણામોથી પીડાતું આ બજેટ છે.” સંજય રાઉતે કહ્યું કે, "વડાપ્રધાને કહ્યું હતું કે હું ભ્રષ્ટાચારના પૈસા જનતામાં વહેંચીશ. અમે વિચાર્યું હતું કે આ બજેટમાં એવી યોજના હશે કે જેમણે છેલ્લા દસ વર્ષમાં ED દ્વારા ભ્રષ્ટાચારના પૈસા ભેગા કર્યા છે. બધાને વહેંચી દીધા છે, પરંતુ શું થયું છે કે તમે જે પૈસા ભેગા કર્યા છે તે ભ્રષ્ટાચારીઓને પાછા આપી દીધા છે.”
સંજય રાઉતે કહ્યું કે, "કેન્દ્ર સરકારના આ બજેટમાં ન તો ખેડૂતો માટે કોઈ જાહેરાત છે કે ન તો બેરોજગારો માટે કોઈ ખાસ યોજના છે. 50 ટકા ખેડૂતો હજુ પણ દેવાના બોજમાં ડૂબી રહ્યા છે અને આપણા મહારાષ્ટ્રમાં મોટાભાગના ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે. ખેડૂતોને ટેકાના ભાવ મળ્યા નથી; માત્ર બિહારના નીતિશ કુમાર અને આંધ્રના ચંદ્રબાબુ નાયડુને સમર્થન મળ્યું છે.”
રાહુલ ગાંધીના ‘હિન્દુ હિંસક’ નિવેદનમાં આવ્યા સંજય રાઉત કહી દીધી મોટી વાત
ગઇકાલે સંસદ ભવનમાં કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ આપેલા ભાષણથી હવે જોરદાર રાજકીય વિવાદ સર્જાયો છે. રાહુલ ગાંધીના આ નિવેદનને લઈને ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા તેમની ટીકા કરવામાં આવી રહી છે. તે જ રીતે શિવસેના યુબીટી દ્વારા રાહુલ ગાંધીને ટેકો આપવામાં આવી રહ્યો છે. તાજેતરમાં શિવસેના યુબીટીના નેતા સંજય રાઉતે રાહુલ ગાંધીના ‘હિન્દુ હિંસક’ ભાષણ પર તેમનું સમર્થન કર્યું હતું.
શિવસેના યુબીટીના નેતા સંજય રાઉતે મંગળવારે કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સંસદમાં આપેલા ભાષણથી સર્જાયેલા રાજકીય વિવાદમાં પોતાનો મત આપ્યો છે. રાહુલ ગાંધીના વલણને સમર્થન આપતા રાઉતે કહ્યું કે ઇન્ડિયા ગઠબંધનના નેતાઓ ભાજપના “નકલી હિન્દુત્વ`ને સમર્થન આપતા નથી.”